નવી દિલ્હીઃ રખડતા શ્વાન મામલે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે રાજ્ય સરકારો આ મુદ્દા પર ફક્ત હવામાં વાતો કરી રહી છે. જમીન પર કોઈ નક્કર કાર્યવાહી દેખાઈ રહી નથી. એમિકસ ક્યુરી ગૌરવ અગ્રવાલે કોર્ટ સમક્ષ અનેક રાજ્યોના અહેવાલો રજૂ કર્યા હતા. આજની સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્યો સામે ખૂબ જ કડક વલણ અપનાવ્યું હતું. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એનવી અંજારિયાની બનેલી બેન્ચે આ મામલાને ગંભીરતાથી લીધો હતો.
સુપ્રીમ કોર્ટે આજે રાજ્ય સરકારો દ્વારા રખડતા શ્વાનોની નસબંધીની ક્ષમતા વધારવા માટેના તેના નિર્દેશોનું પાલન ન કરવા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, "તેઓ બધા હવામાં વાતો કરી રહ્યા છે." આ મામલે એમિકસ ક્યુરીએ અનેક રાજ્યોની કાર્યવાહીમાં રહેતી ખામીઓને ઉજાગર કરી હતી. તેમણે ધ્યાન દોર્યું કે કેટલાક રાજ્યોએ સર્વોચ્ચ અદાલતના નિર્દેશો સાથે સુસંગત પગલાં લીધાં છે, પરંતુ સંપૂર્ણ પાલન માટે હજુ પણ ઘણો લાંબો રસ્તો કાપવાનો બાકી છે.
વકીલે કહ્યું હતું કે સરકારોએ પશુ જન્મ નિયંત્રણ સુવિધાઓ (એબીસી)ને વધારવી પડશે. રખડતા કૂતરાઓની નસબંધી વધારવી પડશે, પ્રાણીઓ માટેના આશ્રયસ્થાનો બનાવવા પડશે, સંસ્થાકીય વિસ્તારોમાં વાડ લગાવવી પડશે અને રસ્તાઓ અને નેશનલ હાઈવે પરથી રખડતા પ્રાણીઓને હટાવવા પડશે.
બિહાર સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાની જાણકારી આપતા અગ્રવાલે કહ્યું કે 34 એબીસી સેન્ટરો છે જ્યાં તેઓના જણાવ્યા અનુસાર, 20,648 કૂતરાઓની નસબંધી કરવામાં આવી છે. પરંતુ તેમણે નસબંધીની દૈનિક ક્ષમતા અને આંકડો કેટલા સમયગાળા માટે છે તે સ્પષ્ટ કર્યો નથી.
રાજ્યએ એબીસી સેન્ટરોનું સંપૂર્ણ ઓડિટ કરાવવું જોઈતું હતું. જો રાજ્યમાં છ લાખથી વધુ કૂતરાઓ છે તો 20, 648 કૂતરાઓની નસબંધી સંપૂર્ણપણે અપૂરતી છે. હાલમાં 51 કૂતરાઓ શેલ્ટરોમાં બંધ છે. એફિડેવિટમાં એ દર્શાવવામાં આવ્યું નથી કે કેટલા સંસ્થાકીય વિસ્તારોમાં વાડ, દીવાલો વગેરે છે કે નહીં તે જોવા માટે સર્વે કરવામાં આવ્યો છે."
બેન્ચે કહ્યું હતું કે, "તે બધા હવામાં વાતો કરી રહ્યા છે. આસામ સિવાય કોઈ પણ રાજ્યએ રખડતા કૂતરા કરડવાના કેટલા બનાવો બન્યા તેનો ડેટા આપ્યો નથી. બિહાર સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ મનીષ કુમારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર બધુ યોગ્ય રીતે ગોઠવવાનો પ્રયાસ કરી રહી છે અને ત્રણ મહિનાની અંદર પ્રગતિ થઈ છે.
સુપ્રીમ કોર્ટે આસામમાં કૂતરા કરડવાના આંકડા પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કહ્યું હતું કે કૂતરા કરડવાની ઘટનાના આંકડા જુઓ. તે આશ્ચર્યજનક છે. 2024માં, 1.66 લાખ કૂતરા કરડવાની ઘટનાઓ બની હતી જ્યારે 2025માં ફક્ત જાન્યુઆરી મહિનામાં 20,900 કેસ બન્યા છે. આ આઘાતજનક છે.
જસ્ટિસ નાથે કહ્યું હતું કે રાજ્યો અસ્પષ્ટ નિવેદનો આપી શકતા નથી અને બધા અસ્પષ્ટ નિવેદનો સોગંદનામા પર આપવામાં આવે છે. અમે અસ્પષ્ટ નિવેદનો આપનારા રાજ્યો સામે કડક પગલાં લેવા જઈ રહ્યા છીએ." ગોવા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને ગુજરાતની રજૂઆતો સાંભળીને સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે શાળાઓ અને હોસ્પિટલોમાં રખડતા પ્રાણીઓને પ્રવેશતા રોકવા માટે સંસ્થાકીય વિસ્તારોમાં વાડ બાંધવાના નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું નથી.
દરેક જાહેર ઇમારતને દિવાલ કરવી જોઈએ, ફક્ત રખડતા કૂતરાઓ અથવા અન્ય પ્રાણીઓને કારણે જ નહીં પરંતુ મિલકતમાં થતી ચોરીને અટકાવવા માટે પણ દિવાલ બનાવવવી જોઈએ. રાજ્યો "ફક્ત હવામાં વાતો કરી રહ્યા છે પણ જમીન પર કંઈ નક્કર કામ કરવામાં આવ્યું નથી. અગ્રવાલે કહ્યું કે તેઓ ગુરુવારે પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને તેલંગણા દ્વારા લેવામાં આવેલા પગલાંનો સારાંશ આપશે.