શ્રીનગરઃ જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે ભારે હિમવર્ષાને કારણે વાહનોની અવરજવર માટે બંધ રહ્યાના એક દિવસ બાદ બુધવારે ફરી પૂર્વવત કરવામાં આવ્યો હતો. આ જાણકારી અધિકારીઓએ આપી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ૨૭૦ કિમી લાંબા હાઇવે પર ટ્રક સહિત ભારે વાહનોને ચાલવાની મંજૂરી આપવામાં આવી છે. જે કાશ્મીર ખીણને દેશના બાકીના ભાગ સાથે જોડતો એકમાત્ર ઓલ-વેધર રોડ છે. એક અધિકારીએ જણાવ્યું કે હાઇવે સંપૂર્ણપણે પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. બંને દિશાઓમાં ટ્રાફિકને આગળ વધવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ પહેલા માત્ર હળવા વાહનોને ચાલવાની મંજૂરી આપવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા(એનએચએઆઇ)ના કર્મચારીઓએ રસ્તા પર જામેલા બરફને દૂર કરવા અને સલામત ડ્રાઇવિંગ સુનિશ્ચિત કરવા માટે મીઠા અને યુરિયાનો છંટકાવ કર્યો હતો. હાઇવે ફરી ખુલવાથી ખરાબ હવામાનને કારણે રસ્તો બંધ થતા ખીણમાં ફસાયેલા લોકો, ખાસ કરીને પ્રવાસીઓને રાહત મળી છે.
અત્રે નોંધનીય છે કે મંગળવારે કાશ્મીરના મોટાભાગના ભાગોમાં હિમવર્ષા થઇ હતી. જેના કારણે હાઇવે પર ટ્રાફિક અને શ્રીનગર એરપોર્ટ પર ફ્લાઇટ સંચાલન સ્થગિત કરવામાં આવ્યું હતું. મંગળવારે સમગ્ર કાશ્મીરમાં તાજી હિમવર્ષાને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે બંધ થઇ ગયો હતો અને શ્રીનગર એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જેના કારણે ખીણમાં સેંકડો પ્રવાસીઓ ફસાયા હતા. બુધવારે સવારે એરપોર્ટ પર હવાઇ સંચાલન પણ ફરી શરૂ થયું હતું. દરમિયાન મંગળવારે કાશ્મીરના મોટાભાગના ભાગોમાં રાત્રિનું તાપમાન શૂન્યથી નીચે નોંધાયું હતું.