કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આગામી પહેલી, ફેબ્રુઆરી 2026ના રોજ કેન્દ્રિય બજેટ રજૂ કરીને એક ઈતિહાસ રચવાની દિશામાં આગળ વધી રહ્યા છે. નિર્મલા સીતારમણ આ વખતે સતત 9મું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. જે કોઈપણ નાણાં પ્રધાન માટે માટે એક મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. આ વખતે બજેટ રજૂ કરીને નિર્મલા સીતારમણ દેશના પહેલાં વડા પ્રધાન રહી ચૂકેલા મોરારજી દેસાઈનો રેકોર્ડ બ્રેક કરશે. જોકે, મોરારજી દેસાઈએ 1959થી 1964 વચ્ચે 6 અને 1967થી 1969 વચ્ચે 4 બજેટ એમ કુલ 10 બજેટ રજૂ કર્યા હતા. જ્યારે નિર્મલા સીતારમણે સતત 9 બજેટ રજૂ કરીને મોરારજી દેસાઈને પાછળ છોડી દીધા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2019માં દેશના પ્રથમ પૂર્ણકાલિક મહિલા નાણાં પ્રધાન બનેલાં નિર્મલા સીતારમણ હવે સતત બજેટ રજૂ કરવાના મામલે તમામ ભૂતપૂર્વ નાણાં પ્રધાનોને પાછળ છોડી દેશે. આવો જોઈએ કોણ છે આ નાણાં પ્રધાનો અને તેમણે કેટલીક વખત બજેટ રજૂ કર્યા છે.
ભારતના પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈના નામે અત્યાર સુધીમાં સૌથી વધુ એટલે કે 10 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે. જોકે તેમણે આ 10 બજેટ બે અલગ અલગ કાર્યકાળમાં રજૂ કર્યા હતા. તેમણે 1959થી 1964 વચ્ચે 6 અને 1967થી 1969 વચ્ચે 4 બજેટ રજૂ કર્યા હતા. જોકે, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સતત 9 વખત બજેટ રજૂ કરીને એક જ વડા પ્રધાનના કાર્યકાળમાં સૌથી વધુ વખત બજેટ આપનાર પ્રધાન બની જશે.
વાત કરીએ અન્ય નાણા પ્રધાન અને તેમના રેકોર્ડ વિશે તો નાણાં પ્રધાન રહી ચૂકેલા પી. ચિદમ્બરમે કુલ 9 વખત તો ભૂતપૂર્વ નાણાં પ્રધાન પ્રણબ મુખર્જીએ 8 વખત બજેટ રજૂ કર્યા હતા. આ સિવાય દેશના વડા પ્રધાન રહી ચૂકેલા અને જાણીતા અર્થશાસ્ત્રી મનમોહન સિંહે નાણાં પ્રધઝા તરીકે 1991થી 1995 વચ્ચે તેમણે સતત પાંચ વખત બજેટ રજૂ કર્યા છે.
આઝાદ ભારતનું પહેલું બજેટ 26મી નવેમ્બર, 1947ના રોજ પહેલાં નાણા પ્રધાન આર. કે. શન્મુખમ ચેટ્ટી એ રજૂ કર્યું હતું. 1999 સુધીની વાત કરીએ તો ત્યાં સુધી સાંજે પાંચ વાગ્યે રજૂ કરવામાં આવતું હતું, પરંતુ યશવંત સિંહાએ આ પરંપરા બદલીને બજેટ સવારે 11 વાગ્યે રજૂ કરવાનું શરૂ કર્યું. આ સિવાય 2017થી બજેટ ફેબ્રુઆરીના અંતિમ દિવસને બદલે પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
સૌથી લાંબુ અને ટૂંકું ભાષણ
વાત કરકીએ સૌથી લાંબા બજેટભાષણની તો પહેલી ફેબ્રુઆરી, 2020માં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 2 કલાક 40 મિનિટ સુધી ભાષણ આપીને પોતાનો જ રેકોર્ડ બ્રેક કર્યો હતો. જ્યારે વાત કરીએ સૌથી ટૂંકા ભાષણની તો 1977માં નાણાં પ્રધાન હિરુભાઈ મુલજીભાઈ પટેલે માત્ર 800 શબ્દોનું બજેટ ભાષણ આપ્યું હતું.