Tue Jan 27 2026

Logo

White Logo

ઉદ્ધવ સેનાને મુંબઈમાં મોટો ફટકો નવી ચૂંટાયેલી નગરસેવિકા શિંદે સેનામાં જોડાઈ હોવાની અટકળો...

6 days ago
Author: sapna desai
Video

uddhav balasaheb thackeray


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:  મુંબઈ મહાનગરપાલિકાની તાજેતરમાં સંપન્ન થયેલી ચૂંટણીમાં ૬૫ નગરસેવકો સાથે બીજા નંબરે રહેલી ઉદ્ધવ ઠાકરેની (યુબીટી)ને બુધવારે મોટો રાજ્કીય ફટકો પડ્યો હતો.  ચાંદિવલીની વોર્ડ નંબર ૧૫૭માંથી યુબીટીમાંથી ચૂંટાયેલી નગરસેવિકા ડૉ. સરિતા મ્હસ્કે શિંદેની સેનામાં જોડાઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. યુબીટીના કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકામાં પણ ચાર નગરસેવકોએ પક્ષ પલટો કર્યો છે અને હવે મુંબઈમાં નગરસેવિકાએ પક્ષપલટો કરતા યુબીટીનું સંખ્યાબળ ૬૫માંથી ૬૪ થઈ ગયું છે.

કૉંગ્રેસે પોતાના નગરસેવકોની નોંધણી કોંકણ ડિવિઝિનલ કમિશનર પાસે  મંગળવારે કરાવ્યા બાદ બુધવારે શિવસેના (ઉદ્ધવ બાળાસાબે ઠાકરે)ના ગ્રૂપના નગરસેવકો કોંકણ ભવનમાં રજિસ્ટ્રેશન માટે ગયા હતા. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં યુબીટીના ૬૫ નગરસેવકો ચૂંટાયા છે પણ બુધવારે કોંકણ ભવનમાં માત્ર ૬૪ નગરસેવકો જ ગયા હતા.  ચાંદિવલીની વોર્ડ નંબર ૧૫૭ની નગરસેવિકા ડૉ. સરિતા મ્હસ્કે ગેરહાજર રહી હતી. સરિતા છેલ્લા બે દિવસથી નોટ રીચેબેલ રહી હતી અને બુધવારે પણ તેનો સંપર્ક થઈ શક્યો નહોતો. 

સરિતાએ ચૂંટણીમાં ભાજપની ઉમેદવાર આશા તાયડેને ૧,૮૦૩ મતના માર્જિનથી હરાવીને જીત મેળવી હતી. તેને ચૂંટણીમાં ૧૪,૭૪૯ મત મળ્યા હતા, જ્યારે આશા તાયડેને ૧૨,૯૪૬ મત મળ્યા હતા.
સૂત્રોના કહેવા મુજબ શિંદે સેના તેને ફોડીને પોતાની તરફ કરી હોવાને કારણે તે નોટ રીચેબલ થઈ ગઈ છે. બુધવારે કોંકણભવનમાં જવા પહેલા તમામ નવા ચૂંટાયેલા નગરસેવકોને શિવસેના ભવનમાં તેમના દસ્તાવેજો લઈને હાજર થવાનું ફરમાન હતું પણ સરિતા મ્હસ્કે ત્યાં પણ આવી નહોતી અને તે નોટ રીચેબલ રહી હતી.

મંગળવારે પણ તેનો અને તેના પતિનો સંપર્ક થઈ શક્યો નહોતો. તેથી પક્ષના નેતાઓએ તેમના નજીકના સાથીઓનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ કોઈ સાથે બુધવારના પણ સંપર્ક થઈ શક્યો નહોતો. બુધવારના બપોર સુધીમાં સરિતા તરફથી કોઈ જવાબ નહીં મળતા ઠાકરે ગ્રૂપના ૬૪ નગરસેવકોએ તેમના ગ્રૂપનું રજિસ્ટ્રેશન કોંકણ ભવનમાં કરાવ્યું હતું. 

સરિતા મ્હસ્કે નોટ રીચેબલ હોવા બાબતે યુબીટીના ટોચના નેતા અને વિધાનપરિષદના સભ્ય અનિલ પરબે મિડિયાને એવું કહ્યું હતું કે સરિતા મ્હસ્કે  અમારા સંપર્કમાં છે અને પારિવારિક કારણથી તેઓ બુધવારે જોડાઈ શકયા નહોતા અને તે બાબતની માહિતી પણ પક્ષે કોંકણ ડિવિઝલન કમિશનરને આપી હતી. નિયમ મુજબ તેમની પાસે નોંધણી માટે હજી ૨૫ દિવસનો સમય છે, તેથી ગમે ત્યારે તેમનું નામ ઉમેરી શકાય છે.  જો આ સમય દરમ્યાન તેઓ આવ્યા નહીં તો તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવા બાબતે પક્ષના વરિષ્ઠ નેતાઓ પગલા લેશે.

મિડિયા સમક્ષ યુબીટીના નેતાઓએ સતત એવો દાવો કર્યો હતો કે મ્હસ્કે તેમના સંપર્કમાં છે પણ સૂત્રોના જણાવ્યા મુજબ મ્હસ્કે શિંદે સેનામાં જોડાઈ ગઈ હોવાના અહેવાલ બાદ  ઉદ્ધવ ઠાકરેના જૂથે તેને ગેરલાયક ઠેરવવા માટે પગલા લેવાનું શરૂ કરી દીધું છે. ચૂંટણીમાં સત્તાવાર રીતે યુબીટીના ૬૫ નગરસેવકો ચૂંટાયા છે પણ જો મ્હસ્કેના પક્ષપલટાને ઔપચારિક રીતે મંજૂરી મળી જાય છે તો મુંબઈ મહાનગરપાલિકામાં યુબીટીનું સંખ્યાબળ ઘટીને ૬૪ થઈ જશે.

ઠાકરે સેનાના સિનિયર નગરસેવકે આ બાબતે જણાવ્યું હતું કે અમારા ગ્રૂપના રજિસ્ટ્રેશન સમયે સરિતા હાજર નહોતી. તેણે યુબીટી પક્ષ અને તેના ચિહ્ન પરથી નાગરિકો પાસેથી મત માગીને ચૂંટણી લડીને જીતી છે. જો તે પક્ષ પલટો કરે છે તો તે ભાજપના ઉમેદવારને હરાવીને તેને ચૂંટી કાઢનારા મતદારો સાથે દગો કરવા સમાન રહેશે.

પાલિકાના સિનિયર ભૂતપૂર્વ નગરસેવકે આ બાબતે કહ્યું હતું કે જો આ કેસમાં સરિતા મ્હસ્કે સામે પક્ષપલટો વિરોધી કાયદો લાગુ પડશે નહીં. સરિતાએ ડિવિઝનલ કમિશનર સમક્ષ શિવસેના (યુબીટી)ના જૂનથના ભાગરૂપે પોતાની નોંધણી કરાવી નથી. તેથી પક્ષપલટો વિરોધી કાયદો તેનો લાગુ પડતો નથી. નગરસેવક તરીકેનું તેનું પદ અકબંધ રહેશે અને જો તેને અન્ય પક્ષ ટેકો આપે તો યુબીટી જૂથ તેની સામે કોઈ કાર્યવાહી કરી શકશે નહીં.

નોંધનીય છે કે યુબીટીને મુંબઈ જ નહીં પણ આ અગાઉ કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિાકમાં પણ ફટકો પડી ચૂક્યો છે. યુબીટીના ૧૧માંથી ચાર નગરસેવકો પક્ષપલટો કરીને શિંદેની શિવસેનાને સમર્થન આપ્યું છે.