ગાંધીનગરઃ રામકથા મેદાનમાં આજે ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં સમજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર વિક્રમ ઠાકોરને સમાજના નવા બંધારણ સામે વાંધો પડ્યો હતો. તેણે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને DJનો નિયમ બદલવા વિનંતી કરી હતી.
વિક્રમ ઠાકોર શું બોલ્યા
ઠાકોરના સમાજના સંમેલનમાં વિક્રમ ઠાકોરે ગેનીબેન ઠાકોરને વિનંતી કરતા કહ્યું, સમાજ માટે જે બંધારણ બનાવ્યું તે સમાજના કલ્યાણ માટે છે. પરંતુ એક-બે એવી વાતો છે જે હું તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. બંધારણ બન્યા બાદ મને ખાસ કરીને DJ વાળાઓના ફોન આવી રહ્યા છે.
હું ખુદ કલાકાર છું અને અન્ય કલાકારોની પણ આ રજૂઆત છે. બધા કલાકારો અને DJ વાળાઓના ઘર તેના પર જ ચાલતા હોય છે. તેથી હું તમને આ વિશે તમે બધા કંઈક વિચારજો તેવી રજૂઆત કરું છું. કલાકારોનું ઘર ચાલી શકે તે માટે આ મુદ્દે શું થઈ શકે તે વિચારીને તમે બધા આગેવાનો કોઈ રસ્તો કાઢજો.
ઠાકોર સમાજે જાહેર કરેવલા બંધારણમાં જાન કે મામેરામાં DJ ન લઈ જવું તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. લગ્ન પ્રસંગમાં DJના બદલે ઢોલ કે શરણાઈ વગાડી શકાશે તેવો નિયમ બનાવાયો હતો. આ નિયમ બાદ DJના ધંધા સાથે સંકળાયેલા ઠાકોર સમાજના લોકોની રોજીરોટી પર અસર થઈ છે. જેને લઈ વિક્રમ ઠાકોરે જાહેર મંચથી ગેનીબેનને DJનો નિયમ બદલવા વિનંતી કરી હતી.
વિક્રમ ઠાકોરેએ રાજકારણમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા વિક્રમ ઠાકોરેએ રાજકારણમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અંબાજી ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના એક મેળાવડામાં વિક્રમ ઠાકોરે આ એલાન કર્યું હતું. અભિજિતિસિંહ બારડની આગેવાની હેઠળ શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા નીકળી હતી. આ વિશાળ યાત્રામાં કલાકાર વિક્રમ ઠાકોરે જાહેરાત કરી હતી કે તેઓ આજે નહીં તો કાલે રાજકારણમાં જોડાશે.
જોકે કયા પક્ષ સાથે અને ક્યારે જોડાશે, તે મામલે તેમણે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. અભિનેતાએ જણાવ્યું હતું કે તેઓ દરેક પક્ષ સાથે સારા સંબંધો ધરાવે છે આથી ક્યા પક્ષ સાથે જોડાવું તે આવનાર સમયમાં નક્કી કરશે. મણે એમ પણ જણાવ્યું હતું કે આવનારી વિધાનસભાની 2027ની ચૂંટણીમાં અમારા સમાજનો વ્યક્તિ મુખ્ય પ્રધાન બને તેવી આશા સમાજને છે અને દરેક સમાજ આવું ઈચ્છતો હોય છે. સમાજમાં એકતા આવે અને સમાજના યુવક-યુવતી શિક્ષણ મેળવી આગળ આવે તેવા પ્રયત્ન અમારે કરવા છે.