Tue Jan 27 2026

Logo

White Logo

ઓલ્ડ ઇઝ ગોલ્ડ: કિશોર કુમારના આ સદાબહાર ગીતે યુટ્યુબ પર બનાવ્યો રેકોર્ડ

6 hours ago
Author: Mumbai Samachar Team
Video

મુંબઈ: સંગીત સમ્રાટ કિશોર કુમાર આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનો જાદુઈ અવાજ આજે પણ કરોડો દિલો પર રાજ કરી રહ્યો છે. તેમના અસંખ્ય સુપરહિટ ગીતોમાંથી એક એવું ગીત છે, જેણે આજના ડિજિટલ યુગમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કિશોર કુમારનું એક સદાબહાર ગીત યુટ્યુબ પર 400થી વધુ મિલ્યન વ્યૂઝ મેળવી ચૂક્યું છે.

કિશોર કુમારનુ 'સુપરહિટ' સોંગ ક્યુ છે?

1964માં કિશોર કુમારની અભિનેતા તરીકેની ફિલ્મ 'મિસ્ટર એક્સ ઇન મુંબઈ' આવી હતી. આ ફિલ્મના ગીતો પણ કિશોર કુમારે જ ગાયા હતા, જે પૈકીનું એક દર્દભર્યું ગીત આજે પણ યુટ્યુબ પર છવાયેલું છે.  12 વર્ષ પહેલાં બોલીવુડ ક્લાસિક' નામની યુટ્યુબ ચેનલ પર આ ફિલ્મનું ગીત 'મેરે મહેબૂબ કયામત હોગી' અપલોડ કરવામાં આવ્યું હતું. જેના વ્યૂઝ અને લાઇક્સે રેકોર્ડ સર્જ્યો છે.

'મેરે મહેબૂબ કયામત હોગી'નો જાદુ

'મિસ્ટર એક્સ ઇન મુંબઈ' ફિલ્મના દર્દભર્યા ગીત 'મેરે મહેબૂબ કયામત હોગી'ની લોકપ્રિયતા આજે પણ ઓછી થઈ નથી. જેનો અંદાજ તેના યુટ્યુબ વ્યૂઝ અને લાઇક્સ પરથી લગાવી શકાય છે. આ ગીતે અત્યાર સુધીમાં 496 મિલ્યનથી વધુ વ્યૂઝ અને 2.8 મિલ્યન લાઈક્સ મળી ચૂક્યા છે. જોકે, આ ગીતની  લોકપ્રિયતા એટલી છે કે અનેક આધુનિક સંગીતકારોએ તેને અલગ-અલગ વર્ઝનમાં રિમિક્સ કે રિક્રિએટ કર્યું છે, પરંતુ કિશોર દાના મૂળ અવાજની તોલે કોઈ આવી શક્યું નથી.

દરેક પેઢી છે કિશોર કુમારની ફેન

ઉલ્લેખનીય છે કે, કિશોર કુમારે વર્ષ 1940થી 1987 સુધીની તેમની શાનદાર કારકિર્દી દરમિયાન વિવિધ ભાષાઓમાં 16,000થી વધુ ગીત ગાયા હતા. તેમણે રોમેન્ટિક, કોમેડી અને દર્દભર્યા એમ દરેક ભાવનાઓને પોતાના અવાજથી જીવંત કરી હતી. જેથી ઝેન-Xથી લઈને ઝેન-Z સુધીની દરેક પેઢી તેમની ફેન બની ગઈ છે.