અમદાવાદ: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને મુંબઈ વચ્ચે મુસાફરી કરતા હજારો પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બે મોટા શહેરો વચ્ચેની સૌથી ઝડપી ટ્રેન એવી 'વંદે ભારત એક્સપ્રેસ'માં મુસાફરોનો ધસારો વધતા રેલવે તંત્રએ ક્ષમતા વધારવાની દિશામાં પગલું ભર્યું છે. આગામી જાન્યુઆરીના અંતિમ સપ્તાહથી માર્ચ મહિના સુધી મુસાફરોને ટ્રેનમાં વધુ જગ્યા અને સુવિધા મળી રહેશે.
રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 22962/61 અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસમાં હાલના 16 કોચને બદલે હવે 20 કોચ લગાવવામાં આવશે. આ વધારાના 4 કોચ 26 જાન્યુઆરીથી 7 માર્ચ દરમિયાન કામચલાઉ ધોરણે જોડવામાં આવશે. હાલમાં આ ટ્રેનમાં 2 એક્ઝિક્યુટિવ ક્લાસ અને 14 ચેર કાર હોય છે, પરંતુ હવે 20 કોચ થવાને કારણે વેઈટિંગ લિસ્ટની સમસ્યામાં મોટી રાહત મળશે અને વધુ મુસાફરો કન્ફર્મ ટિકિટ સાથે પ્રવાસ કરી શકશે.
વંદે ભારતની સાથે જ અન્ય એક લોકપ્રિય ટ્રેન કર્ણાવતી એક્સપ્રેસ (12933/34) ના શેડ્યૂલમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 26 જાન્યુઆરીથી 7 માર્ચ સુધી આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલને બદલે બાન્દ્રા ટર્મિનસથી ઓપરેટ થશે. રેલવે દ્વારા કરવામાં આવેલો આ ફેરફાર કામચલાઉ છે, જેનું કારણ સંચાલન અને ટર્મિનલ મેનેજમેન્ટ હોવાનું માનવામાં આવે છે. વટવા-મુંબઈ વચ્ચે દોડતી આ ટ્રેનના મુસાફરોએ હવે નવા સ્ટેશન મુજબ પોતાની મુસાફરીનું પ્લાનિંગ કરવું પડશે.
રેલવે વિભાગે આ ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરોને અપીલ કરી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા ટ્રેનના સમય અને બોર્ડિંગ સ્ટેશનની વિગતો ઓનલાઈન અથવા પૂછપરછ બારી પર તપાસી લે. ખાસ કરીને કર્ણાવતી એક્સપ્રેસના મુસાફરોએ બાન્દ્રા ટર્મિનસથી ટ્રેન પકડવાની હોવાથી સમયનું વિશેષ ધ્યાન રાખવું પડશે. વંદે ભારતમાં કોચ વધવાને કારણે આગામી તહેવારો અને રજાઓના ગાળામાં મુસાફરોને સીટ મેળવવામાં સરળતા રહેશે.