રાજકોટ: અમારે માવતર જોઈએ છે! આ ટેગલાઈન સાથે રાજકોટમાં શરૂ થયેલો સદભાવના વૃદ્ધાશ્રમ અનેક વૃદ્ધોનો આશરો બન્યો છે. આ વૃદ્ધાશ્રમ દ્વારા રાહતદરે 'સદભાવના મેડિકલ સ્ટોર' ચલાવવામાં આવે છે. અહીંથી ગરીબ દર્દીઓને રાહતદરે દવા પૂરી પાડવામાં આવે છે. પરંતુ આ મેડિકલ સ્ટોરમાં નકલી દવાઓ વેચાતી હોવાની ફરિયાદ ઊઠી છે.
દવા લેવાથી છ મહિના સુધી કોઈ ફાયદો ન થયો
સદભાવના વૃદ્ધાશ્રમના મેડિકલ સ્ટોર વિરુદ્ધ માલવિયા પોલીસ મથકે એક ગંભીર અરજી કરવામાં આવી છે. એક જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો છે કે આ સ્ટોર પરથી ખરીદાયેલી વિટામિનની દવા નકલી હોઈ શકે છે. એક વ્યક્તિએ નાના મૌવા સ્થિત સદભાવના મેડિકલ સ્ટોર પરથી 'BIO D3 MAX' નામની વિટામિનની દવા ખરીદી હતી. 6 મહિના સુધી આ દવા લેવા છતાં કોઈ જ ફાયદો ન થતાં, દર્દીએ દવાની પાછળ આપેલ ક્યુઆર કોડ (QR Code) સ્કેન કર્યો હતો. સ્કેનિંગ દરમિયાન "પ્રોડક્ટ નોટ ઓથેન્ટિક" (Product Not Authentic) એવો મેસેજ આવતા નાગરિક ચોંકી ઉઠ્યા હતા. આ અંગે મેડિકલ સ્ટોર પર પૂછપરછ કરતા યોગ્ય જવાબ ન મળતા તેમણે પોલીસનો સહારો લીધો છે.
અમારા ટ્રસ્ટને બદનામ કરવાનું કાવતરું છે
બીજી તરફ, સદભાવના વૃદ્ધાશ્રમના સંચાલકોએ આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ઓફ ધ રેકોર્ડ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ 'નો પ્રોફિટ નો લોસ' ના ધોરણે સેવા કરી રહ્યા છે. જે એજન્સીઓ મોંઘા ભાવે દવા વેચી નફો કમાય છે, તેમના પેટમાં તેલ રેડાતા તેઓ ટ્રસ્ટને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ જીએસટી (GST) બિલ સાથે સર્ટિફાઇડ કંપનીઓ પાસેથી જ દવા ખરીદે છે. સદભાવના વૃદ્ધાશ્રમ સામે થયેલી ફરિયાદને લઈને મુંબઈ સમાચારે પણ ગ્રાઉન્ડ રિયાલિટી જાણવાનો પ્રયાસ કર્યો હતો. મુંબઈ સમાચારની તપાસમાં ચોંકાવનારી કડીઓ સામે આવી છે.
મુંબઈ સમાચારની તપાસ રાજકોટથી અમદાવાદ પહોંચી
મુંબઈ સમાચારની તપાસનો છેડો રાજકોટથી શરૂ કરીને છેક અમદાવાદ સુધી પહોંચ્યો છે. મુંબઈ સમાચારની તપાસ મુજબ, સદભાવના ટ્રસ્ટે આ દવા રાજકોટના સાયોના ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ખરીદી હતી. સાયોના ડિસ્ટ્રીબ્યુટરે આ દવા સુરતના બીલીવ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી મેળવી હતી. સુરતના ડિસ્ટ્રીબ્યુટરે આ દવા અમદાવાદના ચંદન ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ખરીદી હોવાનું જણાવ્યું હતું. પરંતુ, અમદાવાદના ચંદન ડિસ્ટ્રીબ્યુટરે આ વાતનો સાફ ઇનકાર કરતા જણાવ્યું છે કે તેમની ફર્મમાંથી આ દવાની ખરીદી થઈ જ નથી. તેમણે એમ પણ આશંકા વ્યક્ત કરી છે કે નકલી દવાઓનું આ નેટવર્ક લખનઉ થી ચાલતું હોઈ શકે છે.
તંત્રના ભેદી મૌનથી ઊઠ્યા ગંભીર સવાલો
ઉલ્લેખનીય છે કે, આટલા ગંભીર મામલે ઇન્ચાર્જ ડ્રગ કમિશનર કે ડ્રગ ઇન્સ્પેક્ટરે યોગ્ય માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. અધિકારીઓની આવી ચુપકીદી અને 'ખો' આપવાની નીતિ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું કોઈ મોટા માથાઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? હાલમાં રાજકોટના નાગરિકોમાં ભારે ચિંતાનો માહોલ છે કે તેઓ જે દવાઓ લઈ રહ્યા છે તે અસલી છે કે નકલી? માલવિયા પોલીસ અને ડ્રગ્સ વિભાગ આ કૌભાંડના મૂળ સુધી પહોંચીને સત્ય બહાર લાવે છે કે કેમ, એ જોવું રહ્યું.