Tue Jan 27 2026

Logo

White Logo

પારલે-જી ફેક્ટરી હવે બની જશે ઇતિહાસ: વિલેપાર્લેના આ ઐતિહાસિક સંકુલના પુનર્વિકાસને મળી મંજૂરી; જાણો શું છે નવો પ્લાન

3 days ago
Author: Mumbai Samachar Team
Video

મુંબઈઃ મુંબઈના વિલેપાર્લેની ઓળખ સમાન અને દાયકાઓ સુધી બિસ્કિટની મીઠી સુગંધથી વાતાવરણને મઘમઘતું રાખનાર પારલે-જી ફેક્ટરી હવે ઈતિહાસના પાનામાં વિલીન થવા જઈ રહી છે. જે સ્થળેથી આ વિશ્વપ્રસિદ્ધ બિસ્કિટની સફર શરૂ થઈ હતી, તે ઐતિહાસિક સંકુલ હવે આધુનિક કોમર્શિયલ હબમાં પરિવર્તિત થવા જઈ રહ્યું છે. 

રાજ્ય પર્યાવરણ સત્તામંડળે 13.54એકરમાં ફેલાયેલા આ ઐતિહાસિક પરિસરના પુનર્વિકાસને લીલી ઝંડી આપી દીધી છે, જેના હેઠળ અંદાજે 3,961 કરોડ રૂપિયાના ખર્ચે અનેક વાણિજ્યિક ઇમારતો, હાઇ-ટેક પાર્કિંગ ટાવર અને આધુનિક સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે. 

વિલેપાર્લે એરપોર્ટના ફનલ ઝોનમાં આવતું હોવાથી સુરક્ષાના કારણોસર આ ઇમારતોની ઊંચાઈ 28થી 31 મીટરની વચ્ચે મર્યાદિત રાખવામાં આવશે. આ પુનર્વિકાસ પ્રક્રિયા માત્ર ઇમારતો જ નહીં પરંતુ ત્યાંની પ્રકૃતિમાં પણ મોટો બદલાવ લાવશે. 

હાલમાં આ પરિસરમાં 508 જેટલા ઘટાદાર વૃક્ષો આવેલા છે, જેમાંથી પ્રોજેક્ટના અમલીકરણ માટે 129 વૃક્ષો કાપી નાખવામાં આવશે અને 68 વૃક્ષોને ફરીથી અન્યત્ર રોપવામાં આવશે. જોકે પર્યાવરણનું સંતુલન જાળવી રાખવા માટે ડેવલપર દ્વારા ત્યાં 1851 નવા વૃક્ષો વાવવાનું વચન આપવામાં આવ્યું છે, જેમાં 1200 મિયાવાકી પદ્ધતિના વૃક્ષોનો પણ સમાવેશ થાય છે. 

વિલેપાર્લેના રહેવાસીઓ માટે આ ફેક્ટરી માત્ર એક બાંધકામ નહોતું પરંતુ તેમની ઓળખનો એક અભિન્ન ભાગ હતો, જે હવે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કામ શરૂ થયાનું પ્રમાણપત્ર મળ્યા બાદ ટૂંક સમયમાં જમીનદોસ્ત થઈ જશે. 1.90 લાખ ચોરસ મીટરનું આ ભવ્ય નવું બાંધકામ આગામી સમયમાં પાર્લાનો ચહેરો સંપૂર્ણપણે બદલી નાખશે અને બિસ્કિટની તે સુગંધિત યાદો હવે ફક્ત જૂના ફોટાઓમાં જ સીમિત રહેશે.