(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વાતચીત દરમિયાન ફોસલાવીને પૉલિશ કરવાને બહાને લીધેલા સોનાના દાગીના સાથે રફુચક્કર થઈ જનારા બે ગુજરાતીની બોઈસર પોલીસે ધરપકડ કરી હતી.
પકડાયેલા બન્ને આરોપીની ઓળખ ધીરજ ઉર્ફે પાપા રાજારામ રાઠોડ (40) અને દિનેશ હીરાલાલ સોલંકી (42) તરીકે થઈ હતી. ગુજરાતના અમવલી જિલ્લાના ડુંગરી ખાતે રહેતો રાઠોડ અત્યારે પાલઘર જિલ્લામાં રહે છે, જ્યારે સોલંકી અંધેરીની કરામત ચાલમાં રહે છે. બન્ને આરોપી વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર બોઈસરની ભક્તિયોગ સોસાયટીની બિલ્ડિંગ નંબર-16માં રહેતી સિનિયર સિટીઝન હંસીદેવી રૌતેલા (73) 13 જાન્યુઆરીએ શાકભાજી ખરીદવા માર્કેટમાં ગઈ હતી. ખરીદી પછી તે યશપદ્મ બિલ્ડિંગ નજીક ઊભી હતી ત્યારે બે આરોપી તેની નજીક આવ્યા હતા.
વાતચીતમાં ફોસલાવ્યા પછી રૌતેલાને તેણે પહેરેલા સોનાના દાગીના મફતમાં પૉલિશ કરી આપવાની લાલચ બતાવી હતી. પછી પૉલિશ કરવાને બહાને સોનાની ચેન અને ચાર બંગડી મળી અંદાજે 3.50 લાખ રૂપિયાના દાગીના આરોપીએ હાથચાલાકીથી પડાવ્યા હતા. પૉલિશ પછી આરોપીએ કાગળનું એક પડીકું રૌતેલાને આપ્યું હતું, જેમાં દાગીના મૂક્યા હોવાનું કહ્યું હતું. જોકે કાગળમાં કોઈ દાગીના નહોતા. પરિણામે બોઈસર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપીની ઓળખ મેળવી હતી. આરોપી રાઠોડ વિરુદ્ધ ઘાટકોપર, ભાયખલા, ખાર અને કર્જત પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. તપાસ દરમિયાન પોલીસે આરોપી પાસેથી રૌતેલાના દાગીના હસ્તગત કર્યા હતા.