સોમવારે હરમનપ્રીતની મુંબઈ વિરુદ્ધ મંધાનાની બેંગ્લૂરુ વચ્ચે ટક્કર
વડોદરાઃ અહીં શનિવારે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં 2024ની ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCb)ને દિલ્હી કૅપિટલ્સ (DC)એ આ સીઝનની પહેલી હાર જોવાની ફરજ પાડી હતી. આરસીબીની કૅપ્ટન સ્મૃતિ મંધાના અને ડીસીની સુકાની જેમિમા (Jemimah) રૉડ્રિગ્સ ગાઢ મિત્ર છે, પરંતુ ક્રિકેટના રણમેદાન પર બન્નેની ટીમે શનિવારે એકમેકથી ચડિયાતા પુરવાર થવા કોઈ કસર બાકી નહોતી રાખી અને એમાં જેમિમાની ટીમે મેદાન માર્યું હતું.
આરસીબીએ મંધાનાના 38 રનની મદદથી 109 રન બનાવ્યા હતા. ડીસીની નંદની શર્માએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. શિનેલી હેન્રી, મૅરિઝેન કૅપ અને મીનુ મનીએ બે-બે વિકેટ તેમ જ શ્રી ચરનીએ એક વિકેટ લીધી હતી. મંધાનાની ટીમને સીમિત રખાવવામાં ખુદ જેમિમા ખૂબ ખુશ હતી.
PTI
શનિવારે વડોદરામાં શિનેલી હેન્રીએ આરસીબીની મુખ્ય બૅટર નૅડિન ડિક્લર્કની વિકેટ લીધી ત્યારે કૅપ્ટન જેમિમા તેના પર ટિંગાઈ ગઈ હતી.
ડીસીએ લૉરા વૉલ્વાર્ટના અણનમ 42 રન અને ખુદ જેમિમાના 24 રનની મદદથી 15.4 ઓવરમાં ત્રણ વિકેટે 111 રનના સ્કોર સાથે વિજય મેળવી લીધો હતો.
મંધાનાની આરસીબી ટીમ સીધી ફાઇનલમાં સ્થાન મેળવવા કમર કસી રહી છે. હવે સોમવારે મુંબઈ ઇન્ડિયન્સનો આરસીબી સામે મુકાબલો છે. ટૂંકમાં, ભારતીય ટીમની કૅપ્ટન અને રવિવારે પદ્મશ્રી અવૉર્ડ મેળવનાર હરમનપ્રીત કૌરની મુંબઈની ટીમ અને ભારતની વાઇસ-કૅપ્ટન મંધાનાની બેંગ્લૂરુની ટીમ વચ્ચે (સાંજે 7.30 વાગ્યાથી) ટક્કર છે.
મંધાનાની ટીમ પ્લે-ઑફમાં પહોંચી ગઈ છે. એના સૌથી વધુ 10 પૉઇન્ટ છે. દિલ્હી અને ગુજરાત છ-છ પૉઇન્ટ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. મુંબઈ (ચાર પૉઇન્ટ) ચોથા અને યુપી વૉરિયર્ઝ (ચાર પૉઇન્ટ) પાંચમા નંબરે છે.