અલવિદા... આવજો... શબ્બા ખૈર...?
આજે આટલું જ - શોભિત દેસાઈ
વહિદા રહેમાન, વિજય આનંદ, દેવ આનંદ, લતા મંગેશકર, મહોમદ રફી, એસ. ડી. બર્મન
કોઈ પણ સાધુપણાનો ભાર મારામાં નથી
છું ભલે સંસારમાં, સંસાર મારામાં નથી
જિંદગી કે કલમ ક્યારેક એવો સમય આપે છે કે ચાલતાં ચાલતાં અચાનક ઊડતા હોવાનું મહેસૂસ થવા માંડે. આજે રે ‘ગાઈડ’ પુરાણનાં સમાપનની વેળા આવી છે ત્યારે પણ તમને છેલ્લા કેટલાક સપ્તાહથી મળતી વખતે એવું મહેસૂસ થયું એવું હું અહીંથી પોકારું છું.
મેં આ પુરાણ લખતી વખતે ‘ગાઈડ’ જોવાનો લોભ એટલે જતો કર્યો હતો કે જેથી હું ઉતારાબાજીમાં અને અતિઉત્સાહમાં ખેંચાઈ ન જાઉં. તો ઠંડીની આ સવારે મારી યાદદાસ્તને રજાઈમાંથી બહાર કાઢું છું તો GUIDE ના મુખ્ય પાત્રો સિવાયનાં પાત્રો તરવરવા માંડે છે. એક જગ્યાએ, એક પાત્રની, એક સેકંડ પૂરતી ત્રુટી કાઢો અને મારી પાસેથી રોકડા રૂા. 1 લાખ (બેન સીતારામનની સમ્મતિ સાથે) લઈ જાઓ.
રાજુ ગાઈડની મા લીલા ચીટનીસ, દોસ્ત ગફર અનવર હુસેન, રાજુના મામા ઉલ્હાસ, ગામડીયો ભોલા જાગીરદાર, જોસેફ રશીદ ખાન, રોઝીનો પતિ માર્કો કિશોર સાહુ, ઈ.ઈ. હું ભુલતો ન હોઉં તો યશ જોહર પણ અડધી મિનિટ પૂરતા કશેક હતા. બન્ને પીડિતો! રાજુને ઉઘાડાં પાડવા પૂર્ણ:નો શ્ર્લોક ખોટો બોલીને અટ્ટહાસ્ય કરે છે અને કહે છે. स्वामी! जरा इसका अर्थ करके बताइयेना! नहीं समझे? कैसे समझेंगे... संस्क्रित आती हो तब नाआआ! રાજુ એટલે કે હવેનો સ્વામી એમના અટ્ટહાસ્યને નિર્મમ વાઢી નાખતા કહે છે: Don't laugh like big fools... you couple of crack bones! and for generations you are fooling this innocent people... and now I am about to stop this.! पंडीतजी समझे? नहीं समझे? कैसे समझेंगेंएएए! अंग्रेजी आती हो तब नाआआआ! (યાદ છે, સાહેબો! હજી આજે 70મે વર્ષે ‘ગાઈડ’ લગભગ આખું યાદ છે...) એક પાત્રની એક સેંકડની એક ક્ષતિ અને રૂા. એક લાખ રોકડા તમારા.
બાકી શું કહેવું અભિનય ક્ષમતાનો, ‘ગાઇડ’તો પૂરતો મોટોમસ વ્યાપ ધરાવતા દેવ આનંદ વિશે શું કહેવું ‘ગાઇડ’ પૂરતી વિશ્ર્વની રૂપાળામાં રૂપાળી અને ઉત્તમમાં ઉત્તમ વહિદા રહેમાન વિશે કે ઉત્તમ સંગીત દિગ્દર્શક એસ. ડી. બર્મન વિશે કે જગતની એક જ આંગળીના વેઢે ગણી શકાય એમાંનાં એક ગીતકાર શૈલેન્દ્ર વિશે કે ઉત્તમ લતા મંગેશકર વિશે કે સર્વશ્રેષ્ઠ રફીસાબ વિશે કે એક-એક ગીત પૂરતા મહાનતમ કિશોરકુમાર-એસ.ડી. બર્મન વિશે કે ભવ્યાતિભવ્ય લોકેશન્સ અને સેટીંગ્સ વિશે કે પવિત્રતમ નૃત્ય દિગ્દર્શક વિશે કે કે કે... અને આમાંના એકેએક એકબીજાના કેવા પૂરક બની જાય! નૃત્ય-પ્રણય કોમેડી-નાટક- અને આધ્યાત્મિકના દૃશ્ય-શ્રાવ્ય-શબ્દથી એવા હળી મળી જાય છે જાણે વેન ગોધનું શ્રેષ્ઠતમ પેઇટિંગ જોતા હોઇએ. અને એનાં મુખ્ય પાત્રો રાજુ અને રોઝી તો આંખની અલૌકિક જિયાફત!!! પણ ‘ગાઈડ’નું કેન્દ્રસ્થાન, કેન્દ્રબિંદુ તો વિજય આનંદ જ. એ એક એવી અદ્ભુત, સુંદર દોરી, જેણે આ બધા મણકાઓને પરોવાયેલા રાખ્યા. આર.કે. નારાયણની આ અદ્ભુત વાર્તા ન હોત તો વિજય આનંદનો સ્ક્રિનપ્લે પણ ન હોત અને વિજય આનંદના ડાયલોગ્સ, એડિટિંગ અને ડિરેક્શન પણ ન હોત. એક અપ્રામાણિક કૃતજ્ઞ માણસ કે જેને કોઇ ધર્મમાં કે કશાયમાં રસ નથી એ જીતને થોડા સવાલો પૂછીને કેટલો દિવ્ય બની શકે છે, અપાર શ્રદ્ધા અને શરણાગતિ નાની સૂક્ષ્મ ઘટનામાંથી કયું દૈવત સિદ્ધ કરી શકે છે. તેજપુંજ... કયારે મળે છે તેજપુંજ સામાન્ય માણસને? સાવ સામાન્યજનનાં ઉપવાસ અને સ્વયમનો ત્યાગ એક ગામડા માટે, ગામલોકો માટે... અને કેમ? કારણ ગામ લોકોને જાણવા માંડે છે ભરોસો સ્વામી માટે અને સ્વામી કહે એમ હવે તો મને ય ગામલોકોના ભરોસા પર ભરોસો બેસવા માંડયો છે.
સવાલો પૂછવા પડશે જવાબો આપવા પડશે
યુગોથી બાકી છે એ સૌ હિસાબો આપવા પડશે
આપ સર્વ વાચકમિત્રોને છેલ્લા થોડા અઠવાડિયાથી મારી સાથે રહેવા બદલ ખાસ સલામ. છેલ્લે શૂન્ય પાલનપુરીની ગઝલની GUIDE પુરાણ પૂરતા છૂટા પડીએ...
નજરથી દૂર બહુ દૂર છે હૃદયનો મુકામ
સલામ ! ભાનની દુનિયા ! તને હજાર સલામ
હવે પલકથી કદી આંસુઓ નહીં ટપકે
કરે છે દર્દ હવે દિલની દાસ્તાન તમામ
જનમજનમના ઓ સાથી દુ:ખો! તમારા વગર
જગત હરામ, જગતના તમામ એશ હરામ
હવે તો શૂન્ય દિવાના! ઘડીક પોઢી જા!
તમામ રાત કરી તેં જગતની ઊંઘ હરામ
આજે આટલું જ...