મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળએ ભાજપના રાજ્ય પ્રધાન ચંદ્રકાંત પાટીલ વિરુદ્ધ આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે લાગુ કરાયેલી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ કરી વિપક્ષી ઉમેદવારોને જાહેરમાં તેમના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનું કહ્યું હતું.
સપકાળએ રાજ્ય ચૂંટણી પંચનો સંપર્ક કરી પાટીલ વિરુદ્ધ કથિત ચૂંટણી આચારસંહિતા ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી. 12 જિલ્લા પરિષદો અને 125 પંચાયત સમિતિઓની ચૂંટણી ૫ ફેબ્રુઆરીએ યોજાવાની છે.
રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારેને લખેલા પત્રમાં સપકાળએ આરોપ કર્યો હતો કે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન પાટીલે સોમવારે સાંગલી જિલ્લામાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખની પૂર્વસંધ્યાએ, વિપક્ષી ઉમેદવારોને તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની અપીલ કરી કહ્યું હતું કે તેમની જીતવાની કોઈ શક્યતા ન હોવાથી તેમણે સમય અને પૈસા ન બગાડવા જોઈએ.
આદર્શ આચારસંહિતા અમલમાં હોવા છતાં, શાસક પક્ષના મંત્રીઓ ખુલ્લેઆમ તેનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હોવાનો ઉલ્લેખ કરી સપકાળએ ઉમેર્યું હતું કે પાટીલનું નિવેદન વિપક્ષી ઉમેદવારો પર સીધું દબાણ અને ચૂંટણી પ્રક્રિયામાં દખલગીરી સમાન છે.
તેમણે ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ પાટિલ સામે કેસ નોંધવાની માંગ કરી હતી અને ચૂંટણી પર કોઈ પ્રભાવ ન પડે તે માટે પ્રધાન પર ચૂંટણી સંબંધિત જાહેર સભાઓ યોજવા પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી.
(પીટીઆઈ)