મુંબઈ: રિયાલિટી શોની દુનિયામાં અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે અને 'બિગ બોસ OTT' ની સફર હવે થંભી ગઈ છે. આ લોકપ્રિય ડિજિટલ રિયાલિટી શોની ચોથી સિઝન હવે ક્યારેય નહીં આવે તેવા અહેવાલો પ્રાપ્ત થયા છે. શોના ક્રિએટર્સે કન્ફર્મ કર્યુ છે કે આ ફોર્મેટને હંમેશા માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
કેમ લેવામાં આવ્યો આ નિર્ણય?
શોના ક્રિએટર ઋષિ નેગીના જણાવ્યા અનુસાર બિગ બોસના હિન્દી વર્ઝનને ટીવી અને ઓટીટી એમ બે અલગ ફોર્મેટમાં ચલાવવાની હવે જરૂર જણાતી નથી. મેકર્સનું માનવું છે કે જ્યારે મેઈન શો ટીવી અને જિયો હોટસ્ટાર બંને પર ઉપલબ્ધ છે, ત્યારે એક જ સરખા ફોર્મેટના બે અલગ શો ચલાવવા વ્યવહારું નથી. ટીવી અને ઓટીટીની ઓડિયન્સ અલગ છે, પરંતુ બંને પ્લેટફોર્મ પર મેઈન શોને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો હોવાથી આ નિર્ણય લેવાયો છે.
બિગ બોસ OTT ભલે બંધ થયો હોય પણ મેકર્સ હવે પ્રાદેશિક ભાષાઓમાં શોનો વિસ્તાર કરી રહ્યા છે. 'બનીજય એશિયા'ના દીપક ધરે તાજેતરમાં ભોજપુરી અને પંજાબી વર્ઝનની જાહેરાત કરી હતી, જ્યારે આ વર્ષે 'બિગ બોસ બાંગ્લા' લોન્ચ કરવાની પણ તૈયારી છે. હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને મરાઠીમાં શો પહેલેથી જ સફળ છે. હવે મેકર્સ માઇક્રો માર્કેટ સુધી પહોંચવા માટે નવા ફૂટપ્રિન્ટ્સ વધારી રહ્યા છે.
ઋષિ નેગીએ 'બિગ બોસ બાંગ્લા' અંગે વધુ એક હિન્ટ આપી છે. જોકે તેમણે હોસ્ટના નામનો ખુલાસો કર્યો નથી, પરંતુ એટલું ચોક્કસ કહ્યું છે કે આ શોનો હોસ્ટ પાન-ઈન્ડિયા લેવલ પર જાણીતો ચહેરો હશે. આ સાથે જ બિગ બોસના ચાહકો માટે હવે પ્રાદેશિક કન્ટેન્ટનો નવો રોમાંચ જોવા મળશે.
વર્ષ 2021માં બિગ બોસ OTTની શરૂઆત થઈ હતી, જેને કરણ જોહરે હોસ્ટ કરી હતી અને દિવ્યા અગ્રવાલ વિજેતા બની હતી. બીજી સીઝન સલમાન ખાને હોસ્ટ કરી જે બ્લોકબસ્ટર રહી અને એલ્વિશ યાદવે ટ્રોફી જીતી. ત્રીજી અને છેલ્લી સીઝન અનિલ કપૂરે હોસ્ટ કરી હતી, જેમાં સના મકબૂલ વિનર બની હતી. આ ત્રણેય સીઝને ડિજિટલ પ્લેટફોર્મ પર ઘણી લોકપ્રિયતા મેળવી હતી, પરંતુ હવે આ સફરનો અંત આવ્યો છે.