રાજકોટ: રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ચીભડા ગામનો વિવાદ છેલ્લા કેટલાય દિવસથી ચર્ચામાં છે. આ ગામની 11 એકર જમીનના કૌભાંડમાં એક મોટો ખુલાસો થયો છે. ચીભડા ગામની એક બે નહીં પરંતુ 11 એકર જમીન ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને ડેકોરા ગૃપના ઉદ્યોગપતિ જમનાદાસે પચાવી પાડી હતી, તેવો તપાસમાં ખુલાસો થયો છે.
રાજકોટ કલેક્ટરે જમીન સરકારી હોવાનો ચુકાદો આપ્યો
ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો, સિંચાઈ વિભાગ દ્વારા સંપાદિત કરવામાં આવેલી જમીન પૂર્વ સાંસદે અને ઉદ્યોગપતિએ પચાવી પાડીને દસ્તાવેજ બનાવી લીધા હતાં. 35 વર્ષ પહે દુકાળમાં બનાવવામાં આવેલા તળાવ માટે જમીન સંપાદન કર્યા બાદ આસામીઓને વળતર પણ ચુકવ્યું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. સુરેન્દ્રનગરના ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને રાજકોટના નામાંકિત ડેકોરા ગૃપના ઉદ્યોગપતિએ દસ્તાવેજ બનાવી લીધા હતા. આ મામલે હવે રાજકોટ કલેક્ટરે જમીન સરકારી હોવાનો ચુકાદો આપ્યો અને વેચાણ નોંધ મંજૂર કરવાની અપીલ ફગાવી દીધી હતી. જેના કારણે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
ખોટા દસ્તાવેજો બનાવ્યાં હોવાનો ચૌંકાવનારો ખુલાસો
ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ તેમજ ડેકોરા ગૃપના જમનાદાસ પટેલે આસામીઓએ ચીભડા ગામના સર્વે નબંર 1117, 1118, 1119 અને 1120 વાળી 4.42.16 હેક્ટર જમીન મૂળ ખાતેદારો પાસેથી ખરીદ કરીને ચાર અલગ-અલગ દસ્તાવેજો બનાવ્યાં હોવાનો ચૌંકાવનારો ખુલાસો થયો હતો. વાત એવી છે કે, રેવન્યુ રેકર્ડ એટલે કે 7/12ના ઉતારામાં આ જમીન સરકાર હસ્તક અથવા સિંચાઈ વિભાગની નોંધ ચડાવવાની રહી ગઈ હતી. જમીન ખુલ્લી હતી અને રેકર્ડ પર મૂળ ખેડૂતોના નામ બોલતા હતા. આ એક ટેકનિકલ ભૂલ હતી, જેથી આ લાભને કૌભાંડીઓ પૂર્વ સાંસદ તેમજ ઉદ્યોગપતિ લીધો અને તે જમીન ખેડૂતો પાસેથી ખરીદી પણ લીધી હતી. જો કે, આ કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો છે.