ગાંધીનગર : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠને લઈને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 22 જાન્યુઆરીએ રામ લલ્લા પ્રતિષ્ઠા દિવસ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવામાં આવશે. ત્યારે 22 જાન્યુઆરીએ ગુજરાતમાં કતલખાનાઓ બંધ રહેશે. આ અંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે રાજ્યના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને અન્ય મ્યુનિસિપાલિટીઝના કમિશનરોને પત્ર લખીને ગુરુવારે કતલખાનાઓ બંધ રાખવાના આદેશનો અમલ કરવા નિર્દેશ આપ્યો છે.
તમામ જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સંયુક્ત સચિવના પરિપત્રમાં રાજ્યની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરો તેમજ મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશનના કમિશનરને આ બાબતને લગતી તમામ જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આવતીકાલે 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાજ્યભરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક સંવેદનશીલતા જળવાઈ રહે તે હેતુસર આ અનુરોધ કરવામાં આવ્યો છે.
વહીવટી સ્તરે સંકલન સાધવા પણ કહેવામાં આવ્યું
સરકારના પરિપત્ર અનુસાર, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓએ પોતાના વિસ્તારમાં આવેલા કતલખાના આ દિવસે બંધ રહે તે માટે પૂર્વ તૈયારી કરવી પડશે. કતલખાના સંચાલકોને અગાઉથી જાણ કરી દેવા તેમજ કોઈ પણ પ્રકારની ગેરસમજ અથવા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ઊભી ન થાય તે માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ નિર્ણય અમલમાં મૂકવા માટે મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને વહીવટી સ્તરે સંકલન સાધવા પણ કહેવામાં આવ્યું છે.
આ ફક્ત એક તારીખ નથી પરંતુ એક નવા યુગની શરૂઆત : પીએમ મોદી
ઉલ્લેખનીય છે કે, રામ મંદિરનું ઉદ્ઘાટન અને રામ લલ્લાની મૂર્તિનું પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી, 2024 ના રોજ વડાપ્ર્ધાન નરેન્દ્ર મોદી સહિત વિવિધ મહાનુભાવોની હાજરીમાં યોજાયો હતો. પ્રતિષ્ઠા સમારોહ પછી જનતાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે 22 જાન્યુઆરી એ ફક્ત એક તારીખ નથી પરંતુ એક નવા યુગની શરૂઆત છે. આપણા રામ લલ્લા હવે તંબુમાં નહી રહે. આપણા રામ લલ્લા હવે એક ભવ્ય મંદિરમાં રહેશે. આ ક્ષણ અલૌકિક છે અને દર્શાવે છે કે ભગવાન રામના આશીર્વાદ આપણી સાથે છે.