ગીર સોમનાથ/ જેતપુરઃ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતીયાજ ગામમાં સિંહોએ દુજણી ગાયનું મારણ કર્યું હતું, જેના કારણે ખેડૂત લખમણભાઈ પીઠાભાઈ વાજાને ભારે આર્થિક નુકસાન થયું હતું. વહેલી સવારે પશુદોહન કરી રહ્યાં હતા ત્યારે અચાનક સિંહો આવી પહોચ્યા અને ગાયનું મારણ કર્યું હતું. આ મામલે લખમણભાઈએ સરપંચ સુરપાલસિંહ બારડ અને સામાજિક કાર્યકર લલિત વાળાને જાણ કરી દીધી હતી. ઘટના અંગે વનવિભાગને પણ જાણ કરવામાં આવી હતી. વનવિભાગે ઘટનાસ્થળ પહોંચીને પંચનામાની કામગીરી પૂર્ણ કરી હતી. ખેડૂતે તાત્કાલિક વળતર સહાયની માંગ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.
એક જ રાતમાં સિંહે 7 પશુઓનું મારણ કર્યું
બીજી તરફ, રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના અમરાપુર ગામમાં એક જ રાતમાં સિંહે 7 પશુઓનું મારણ કર્યું છે. ચારણ સમઢિયાળા રોડ પર રહેણાંક વિસ્તારની નજીક આ ઘટના બનતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. રબારી વિસ્તારમાં મારણ થતાં લોકો રાત્રે ઘરની બહાર નીકળવાનો સાહસ કરી શકતા નથી. અમરાપુરના ગામલોકો વારંવાર વનવિભાગને રજૂઆતો કરી ચૂક્યા છે, પણ કોઈ કાર્યવાહી નથી થઈ. સિંહો હવે રહેણાંક વિસ્તારોમાં આંટાફેરા કરે છે, જેનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
અમરાપુરામાં સિંહે મધરાતે ધામા નાખ્યા હતાં
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ગામના ચારણ સમઢિયાળા રોડ અને રબારી વિસ્તારમાં સિંહે મધરાતે ધામા નાખ્યા હતા. આ દરમિયાન સિંહે રહેણાંક વિસ્તારમાં આવ્યો અને 7 જેટલા પશુઓનું મારણ કર્યું હતું. અમરાપુરામાં 7 પશુઓના મારણથી પશુપાલકોને મોટું નુકસાન થયું હોવાની વન વિભાગ પાસે તાત્કાલિક વળતરની માંગણી કરવામાં આવી હતી. હવે વન વિભાગ દ્વારા ક્યારે સહાય આપવામાં આવે છે તે જોવાનું રહેશે.