આજે 26મી જાન્યુઆરીએ આખો દેશ ઉત્સાહ, ઉમંગ અને ગૌરવભેર 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે પણ ભારત એ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં માતૃભૂમિને દેવી સમાન માનવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે આપણા ભારતમાં જ ભારત માતાને સમર્પિત મંદિરો આવેલા છે? મોટાભાગના લોકોને આ મંદિરોની જાણ નથી હોતી, ચાલો આજે 26મી જાન્યુઆરીના દિવસે મંદિર વિશે જણાવીએ...
26મી જાન્યુઆરી 2026ના રોજ જ્યારે આખો દેશ 77મો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યો છે, ત્યારે ભારત માતાને સમર્પિત આ મંદિરો વિશે જાણવું પ્રેરણાદાયી છે. આ મંદિરો માત્ર ધાર્મિક આસ્થા જ નહીં પરંતુ રાષ્ટ્રભક્તિ અને આધ્યાત્મિક ચેતનાનું અદભૂત સંગમ છે. ભારત માતાના આ અનોખા મંદિરોમાં કોઈ મૂર્તિ નહીં પણ અખંડ ભારતનો નકશો પૂજાય છે.
જી હા, સામાન્ય રીતે મંદિરોમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ હોય છે, પરંતુ ભારતમાં એવા પણ મંદિરો છે જે આપણી માતૃભૂમિને સમર્પિત છે. કાશી અને હરિદ્વારના આ મંદિરો રાષ્ટ્રપ્રેમની જીવંત મિસાલ છે.
Bharat Mata Temple of Kashi
ભારત માતા મંદિર, કાશી
વારાણસીની પવિત્ર નગરીમાં સ્થિત આ મંદિર વિશ્વભરમાં જાણીતું છે. મંદિરની વિશેષતા વિશે જણાવીએ તો અહીં કોઈ મૂર્તિ નથી, પરંતુ ગર્ભગૃહમાં મકરાણાના આરસપહાણ (માર્બલ) પર કંડારેલો અખંડ ભારતનો વિશાળ નકશો છે. આ નકશામાં પર્વતો, નદીઓ અને મહાસાગરોને ખૂબ જ ચોકસાઈથી દર્શાવવામાં આવ્યા છે. આ મંદિરનું ઉદ્ઘાટન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા વર્ષ 1936માં કરવામાં આવ્યું હતું. એ સમયે આ મંદિરના નિર્માણનો મુખ્ય હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભક્તિ અને એકતાની ભાવના જગાડવાનો હતો.
ભારત માતા મંદિર, હરિદ્વાર
ઉત્તરાખંડના હરિદ્વારમાં સપ્ત સરોવર વિસ્તાર પાસે આવેલું આ મંદિર 'મધર ઇન્ડિયા ટેમ્પલ' તરીકે પણ પ્રખ્યાત છે. આ મંદિર 8 માળનું છે અને તેની ઊંચાઈ આશરે 180 ફૂટ છે. સ્વામી સત્યમિત્રાનંદ ગિરિ દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 1983માં તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ આ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મંદિરના દરેક માળ પર અલગ-અલગ વિષયોને આવરી લેવામાં આવ્યા છે, જેમ કે માતૃશક્તિ, ભારતના સાધુ-સંતો અને સ્વતંત્રતા સંગ્રામના વીરોની ગાથાઓ. આ મંદિર આધ્યાત્મિકતા સાથે દેશના ઈતિહાસને પણ જોડે છે.
પ્રજાસત્તાક પર્વે વિશેષ ઉજવણી
26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના રોજ આ મંદિરોને તિરંગાના રંગો અને ફૂલોથી ભવ્ય રીતે સજાવવામાં આવે છે. અહીં આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ ભારત માતાની આરતી કરીને રાષ્ટ્ર પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આ મંદિરો આપણને યાદ અપાવે છે કે દેશભક્તિ એ માત્ર ભાવના નથી, પણ સેવા, ત્યાગ અને કર્તવ્યનો માર્ગ છે.
છે ને એકદમ અનોખી માહિતી, હવે જ્યારે પણ અહીં જણાવવામાં આવેલા શહેરોની મુલાકાત લો ત્યારે આ અનોખા મંદિરોની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી અનોખી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...