અમદાવાદ :ગુજરાતના મોંઘવારી સતત વધી રહી છે. તેમજ મોંઘવારીથી ત્રસ્ત મધ્યમ વર્ગ માટે જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે સીંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રૂપિયાનો ધરખમ વધારો નોંધાયો હતો. આ સાથે એક મહિનામાં સીંગતેલના ડબ્બામાં રૂપિયા 200નો વધારો થયો છે. રાજ્યમાં મગફળીનું વિક્રમ જનક ઉત્પાદન છતાં ખાદ્યતેલના ભાવ સતત વધી રહ્યાં છે. આ વર્ષે મગફળીનું ઉત્પાદન 30 ટકા વધવા છતા જનતાને સીંગતેલના ભાવમાં કોઈ રાહત મળી નથી રહી. સીંગતેલના ભાવમાં એક મહિનાથી સતત વધારો થઈ રહ્યો છે. સરકાર પણ તેલિયા રાજાની મનમાની સામે લાચાર જણાઈ રહી છે.
સીંગતેલના ડબ્બાનો ભાવ 2785 થયા
એક મહિના પહેલા સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 2590 હતા જ્યારે હાલમાં સીંગતેલના ડબ્બાનો ભાવ 2785 થયા છે. સરકારી તંત્રની નિષ્ક્રિયતા અને નફાખોરીને કારણે ગ્રાહકોને મોંઘું તેલ ખરીદવાની ફરજ પડી રહી છે. માત્ર સીંગતેલ જ નહીં, અન્ય ખાદ્યતેલોમાં પણ ભાવવધારો જોવા મળ્યો છે. કપાસિયા તેલમાં એક મહિનામાં 115 રૂપિયાનો વધારો. પામતેલમાં એક મહિનામાં 105 રૂપિયાનો વધારો. રૅકોર્ડબ્રેક ઊંચાઈએ પહોંચેલા કોપરેલ તેલમાં મહિનામાં 500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.