નવી દિલ્હી: જો તમે મંગળવાર, 27 જાન્યુઆરીના રોજ બેંકને લગતું કોઈ મહત્વનું કામ પતાવવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. દેશભરના બેંક કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને આ દિવસે હડતાળ પર જવાનું નક્કી કર્યું છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા આ દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે, જેના કારણે ચેક ક્લિયરન્સ, રોકડ વ્યવહાર અને અન્ય બેંકિંગ સેવાઓને માઠી અસર થઈ શકે છે.
કેમ પડી રહી છે હડતાળ?
બેંક યુનિયનોની લાંબા સમયથી માંગ છે કે બેંકોમાં પણ અન્ય કોર્પોરેટ સેક્ટરની જેમ સપ્તાહમાં માત્ર પાંચ દિવસ કામ (5-Day Work Week) અને શનિ-રવિ બે દિવસ રજાની વ્યવસ્થા લાગુ કરવામાં આવે. યુનિયનોનો આરોપ છે કે માર્ચ 2024માં ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) સાથે થયેલા કરારમાં તમામ શનિવારે રજા આપવા પર સહમતિ બની હતી, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી તેનો અમલ કરવામાં આવ્યો નથી. આ વિલંબના વિરોધમાં કર્મચારીઓએ હવે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે.
હાલમાં શું છે રજાના નિયમો?
વર્તમાન નિયમો અનુસાર, બેંક કર્મચારીઓને મહિનાના માત્ર બીજા અને ચોથા શનિવારે જ રજા મળે છે. જ્યારે પહેલા, ત્રીજા અને પાંચમા શનિવારે બેંકોમાં રાબેતા મુજબ કામકાજ ચાલુ રહે છે. કર્મચારી સંગઠનોનું કહેવું છે કે આ જૂની વ્યવસ્થા હવે બદલવી જોઈએ, કારણ કે તેનાથી કર્મચારીઓના કામના ભારણમાં વધારો થાય છે અને ખાનગી ક્ષેત્રની સરખામણીએ તેમને અન્યાય થઈ રહ્યો છે.

કઈ બેંકોમાં કામકાજ ઠપ રહેશે?
આ હડતાળમાં મુખ્યત્વે દેશની તમામ જાહેર ક્ષેત્રની (સરકારી) બેંકો જોડાઈ રહી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા અને કેનેરા બેંક જેવી મોટી બેંકોના કર્મચારીઓ આ હડતાળમાં સામેલ થશે. જોકે ખાનગી બેંકો ચાલુ રહી શકે છે, પરંતુ સરકારી બેંકોમાં કામકાજ અટકી પડવાના કારણે તેની અસર સમગ્ર નાણાકીય લેવડ-દેવડ પર પડવાની પૂરેપૂરી સંભાવના છે.
બેંકિંગ સેવાઓ ખોરવાવાના ડરથી નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે ગ્રાહકોએ પોતાના જરૂરી કામો 27 તારીખ પહેલા પતાવી લેવા જોઈએ. હડતાળ દરમિયાન એટીએમ (ATM) માં રોકડની તંગી સર્જાઈ શકે છે, તેથી નેટ બેંકિંગ, UPI અને અન્ય ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવો હિતાવહ રહેશે. યુનિયનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.