પ્રયાગરાજ: માઘ મેળામાં મૌની અમાવસ્યા પર શાહી સ્નાન સમયે જ પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની શોભાયાત્રા રોકવાના મુદ્દે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને સ્થાનિક વહીવટી તંત્ર આમને સામને આવી ગયા છે. પ્રયાગરાજ મેળા ઓથોરિટી દ્વારા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ પાઠવી તેઓ કયા આધારે પોતાને શંકરાચાર્ય ગણાવે છે તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ નોટિસના જવાબમાં સ્વામીજીએ આઠ પાનાનો વિસ્તૃત ખુલાસો રજૂ કરીને ઓથોરિટીના પાયાવિહોણા દાવાઓને પડકાર્યા છે. ત્યારે આ મુદ્દે જગદગુરુ રામભદ્રાચાર્ય અને પૂરીના શંકરાચાર્યએ પણ ટિપ્પણી કરી છે.
આ વિવાદમાં જગદગુરુ રામભદ્રાચાર્યએ આકરી પ્રતિક્રિયા આપતા આ ઘટનાને શાસ્ત્ર વિરુદ્ધ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સંગમ સ્નાન કરવા જતી વખતે શંકરાચાર્ય અને સરકાર વચ્ચે જે વિવાદ થયો તે બંનેનો આંતરિક વિષય હોઈ શકે, પરંતુ શંકરાચાર્યએ રથ પર સવાર થઈને સ્નાન કરવા ન જવું જોઈએ. રામભદ્રાચાર્યના મતે, રથ પર સવાર થઈને સ્નાન માટે જવું તે શાસ્ત્રોના નિયમોની વિરુદ્ધ છે, અને આ રીતે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પોતે જ મર્યાદાનો ભંગ કર્યો છે.
બીજી તરફ, પુરીના ગોવર્ધન મઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ આ મુદ્દે મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો. તેમણે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને પોતાના "લાડલા" ગણાવીને તેમના પ્રત્યે સ્નેહ વ્યક્ત કર્યો હતો, પરંતુ કાયદાકીય અને શાસ્ત્રીય પાસાઓ પર સીધી ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો નિર્ણય સર્વોચ્ચ અદાલત સુધી માન્ય રહે છે, પરંતુ આ મામલો હજુ સુધી સત્તાવાર રીતે તેમની સમક્ષ આવ્યો ન હોવાથી તેઓ અત્યારે કોઈ અંતિમ અભિપ્રાય આપી શકે નહીં. આમ, માઘ મેળામાં શંકરાચાર્ય પદની ગરિમા અને પરંપરાઓને લઈને સંતો અને વહીવટી તંત્ર વચ્ચે ખેંચતાણ ચાલુ છે.
શું કહેવામાં આવ્યું છે જવાબમાં?
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના વકીલ દ્વારા આપવામાં આવેલા જવાબમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, બ્રહ્મલીન શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ તેમના જીવનકાળ દરમિયાન જ તેમને ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ વૈદિક વિધિ-વિધાન સાથે તેમનો અભિષેક કરવામાં આવ્યો હતો, જેનો ઉલ્લેખ સુપ્રીમ કોર્ટના આદેશમાં પણ છે. વધુમાં, અન્ય ત્રણ પીઠના શંકરાચાર્યોનું સમર્થન અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા વસિયતનામું માન્ય રાખવામાં આવ્યું હોવાની દલીલો પણ રજૂ કરાઈ છે.
જવાબમાં મેળા પ્રશાસન પર ગંભીર આક્ષેપો કરતા જણાવાયું છે કે, જ્યારે શંકરાચાર્ય સ્વામીજી વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે મોડી રાત્રે નોટિસ ચોંટાડવી એ દુર્ભાવના અને સનાતન ધર્મના અનુયાયીઓની લાગણી દુભાવવાનું કૃત્ય છે. આ નોટિસથી શંકરાચાર્ય સ્વામીજીની સામાજિક અને પ્રતિષ્ઠાત્મક સ્થિતિને નુકસાન પહોંચ્યું હોવાનું જણાવીને તેને સુપ્રીમ કોર્ટના કેસમાં દખલગીરી અને ન્યાયતંત્રની અવમાનના સમાન ગણાવી છે.
અંતમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ તરફથી ચેતવણી આપવામાં આવી છે કે જો મેળા ઓથોરિટી ૨૪ કલાકની અંદર આ નોટિસ પરત નહીં ખેંચે, તો વહીવટી તંત્ર વિરુદ્ધ કોર્ટના તિરસ્કાર સહિતની કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ મામલે હવે પ્રયાગરાજ વહીવટી તંત્રના આગામી પગલા પર સૌની નજર ટકેલી છે.
શું છે સમગ્ર વિવાદ?
માઘ મેળામાં મૌની અમવસ્યાના સ્નાન પર્વ પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદની શોભાયાત્રાને રોકવાના મુદ્દે ચગેલા વિવાદમાં વળાંક આવ્યો છે. માઘ મેળા ઓથોરીટીએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ પાઠવી છે. મેલ ઓથોરીટીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને પ્રશ્ન કર્યો છે કે સુપ્રીમ કોર્ટનો રોક હોવા છતાં તેમણે પોતાના ણામની આગળ શંકરાચાર્ય કઇ રીતે પ્રયોજ્યું છે? મેળા ઓથોરીટીએ સુપ્રીમ કોર્ટના આદેશના વિચારાધીન સિવિલ અપીલનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આ સંદર્ભે હજુ સુધી કોઈ જ આદેશ આપવામાં આવ્યો નથી, આ સ્થિતિમાં કોઈ પણ ધર્માચાર્ય જ્યોતિષપીઠના શંકરાચાર્યના રૂપમાં પટ્ટાભિષેક થઈ શકે નહિ. જો કે તેમ છતાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મેળાના ક્ષેત્રમાં લગાવવામાં આવેલા શિબિરના બોર્ડમાં તેમના નામની આગળ શંકરાચાર્ય લખવામાં આવ્યું હતું. આ મુદ્દે મેળા ઓથોરીટીએ 24 કલાકમાં આ અંગે જવાબ માંગ્યો છે.
કોંગ્રેસ પણ લાલઘૂમ
શંકરાચાર્યને નોટિસ પાઠવવાના મુદે કોંગ્રેસના નેતા પવન ખેરાએ પીએમ મોદી અને યુપી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જે શંકરાચાર્ય સામે વડાપ્રધાન એક સમયે નતમસ્તક થતા હતા, આજે તેમને જ પોતાની ઓળખ સાબિત કરવા માટે નોટિસ આપવામાં આવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે જ્યારે શંકરાચાર્યજીએ ગૌ-માંસ, અયોધ્યામાં અડધા નિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને કુંભની ગેરવ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા, ત્યારથી સરકાર તેમને નિશાન બનાવી રહી છે. ખેરાએ આને ‘અહંકારની પરાકાષ્ઠા’ ગણાવી હતી.
આગળ તેમણે જણાવ્યું હતું કે ભાજપ જે પહેલા મુસ્લિમો પાસે કાગળ માંગતી હતી, તે હવે હિંદુ ધર્મના સર્વોચ્ચ સંતો પાસે પણ પુરાવા માંગી રહી છે. શું હવે વહીવટી તંત્ર નક્કી કરશે કે શંકરાચાર્ય કોણ છે? તેમણે સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે એક તરફ આરએસએસ (RSS) જેવા સંગઠનોની સુરક્ષા પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે અને બીજી તરફ સાચા સંતોને માર મારવામાં આવે છે. તેમણે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન પર કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે 1954માં સુપ્રીમ કોર્ટે મઠના સંચાલનમાં હસ્તક્ષેપ ન કરવાનો આદેશ આપ્યો હતો, તેમ છતાં સંતોનું અપમાન કરવામાં આવી રહ્યું છે.