મુંબઈ: ' બોર્ડર 2' ફિલ્મ રિલીઝ થવાને હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે. 'બોર્ડર' ફિલ્મ તથા સની દેઓલના ચાહકો આ ફિલ્મની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટ્રેલરમાં એક ભાવુક ક્ષણ પણ જોવા મળે છે. સેનામાં શહીદ થયેલા કેપ્ટન અંગદ સિંહ ક્લેર નામના જવાનના મૃતદેહને સની દેઓલે ખભો આપ્યો છે. સની દેઓલની આંખોમાં ઉદાસી પણ દેખાય છે. ત્યારે ફિલ્મમાં અંગદ સિંહ ક્લેર કોણ છે અને તેનું પાત્ર કોણે ભજવ્યું છે? એ જાણવાની ઘણા ફેન્સમાં ઉત્સુકતા જાગે એ સ્વાભાવિક છે તો જાણીએ. આ ફિલ્મમાં વરુણ ધવન, દિલજીત દોસાંજ, અહાન શેટ્ટી જેવા કલાકારો પણ છે, પરંતુ અંગદ સિંહ ક્લેરનું પાત્ર એક નવા જ અભિનેતાએ ભજવ્યું છે.
અંગદ સિંહ ક્લેરનું પાત્ર કોણે ભજવ્યું
'બોર્ડર 2' ફિલ્મમાં ગુનીત સંધુએ અંગદ સિંહ ક્લેરનું પાત્ર ભજવ્યું છે, જે ફિલ્મમાં સની દેઓલે ભજવેલા પાત્ર ફતેહ સિંહ ક્લેરનો દીકરો છે. ફિલ્મની વાર્તા અનુસાર અંગદ સિંહ ક્લેર પોતાના પિતાને અનુસરીને ભારતીય સેનામાં સામેલ થઈ જાય છે. ફિલ્મમાં એક તરફ ફતેહ સિંહ ક્લેર અનુભવી આર્મી ઓફિસરની ભૂમિકામાં છે તો બીજી તરફ ગુનીત સિંહ યુવાનોમાં જોશ અને બલિદાનની ભાવના દર્શાવે છે. આમ, સની દેઓલ અને ગુનીત સંધુનું પાત્ર બે પેઢીને જોડવાનું કામ કરે છે.
'બોર્ડર 2'ના ટ્રેલરમાં સની દેઓલ સેનાના એક શહીદ જવાનનો પાર્થિવ દેહને લઈને જતો જોવા મળ્યો છે. જેના પર અંગદ સિંહ ક્લેર નામ લખેલું છે. આ સીન પરથી એ સ્પષ્ટ થાય છે કે, ફિલ્મમાં સની દેઓલના દીકરાનું મૃત્યુ થઈ જાય છે, જેથી ફિલ્મમાં સની દેઓલની એક પિતા તરીકેની ભાવુક ક્ષણ પણ જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, 'બોર્ડર 2'એ ગુનીત સંધુની બીજી ફિલ્મ છે. 2023માં ગુનીત સંધુએ 'ઘૂમર' ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યુ હતું, જેમા તેણે અભિષેક બચ્ચન સાથે સ્ક્રીન શેર કરી હતી. જોકે ત્યારબાદના ચાર વર્ષ તેણે સતત એડ ફિલ્મોમાં કામ કરીને પોતાની જાતને કેમેરા સામે લાવવા માટે કાબેલ બનાવી હતી. એક મોટા કેમ્પેનમાં શાહરૂખ ખાન સાથે કરેલું કામ તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો.