અમદાવાદઃ શહેરમાં રહેતા એક શાહ દંપતીએ પુત્રીના લગ્નનો ખર્ચ કાઢવા દારૂનો ધંધો શરૂ કર્યો હતો. જેમાં બુટલેગર દંપતી મોંઘી દાટ ઈંગ્લીશ દારુની બોટલમાં સસ્તો દારુ ભરીને ઉંચા ભાવે વેચતા હતા. પોલીસે દરોડો પાડતાં બુટલેગર પતિ દિવાલ કૂદીને પોલીસને થાપ આપી ભાગી ગયો હતો. પત્ની પણ ભાગવા જતા મહિલા પોલીસે ઝડપી પાડી હતી. ઓઢવ પોલીસ પતિ-પત્ની સામે ગુનો નોંધીને વિદેશી દારુનો જથ્થો તથા દારુ ભરવાની બોટલો અને સ્ટીકર સહિત કુલ રૂ. 2.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ રીતે ચલાવતા હતા નેટવર્ક
ઓઢવ પોલીસે બાતમીના આધારે આદિનાથનગર સોસાયટીના મકાનમાંથી લક્ષ્મી શાહ નામની મહિલાની ધરપકડ કરી હતી. મહિલા તેના પતિ સાથે મળીને ઘરમાં જ સસ્તી દારૂની બોટલ લાવીને દારૂ કાઢી તે દારૂ મોંઘી દારૂની બોટલમાં ભરીને ઊંચા ભાવ વેચતી હતી.
ગ્રાહકોને પ્રીમિયમ લીકરનો આપતા હતા ભરોસો
પતિ-પત્ની આ રીતે દારૂ ભરીને છૂટક વેચાણ કરતા હતા. આરોપી પાસેથી 35 દારૂની બોટલો, 33 લીટર લુઝ દારૂ, અલગ અલગ બ્રાન્ડની 30 ખાલી બોટલો, ઢાંકણા,સ્ટીકર સહિત 2.20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મહિલાનો પતિ અલ્પેશ શાહ પોલીસ આવતા ફરાર થઈ ગયો હતો. પૂછપરછ દરમિયાન મહિલાએ કબૂલાત કરી કે, તેના પતિ બધું મેનેજ કરતા હતા અને ડિલિવરી પણ ખુદ કરતા હતા. બંને સાથે મળીને અસલી બોટલમાંથી દારૂ કાઢીને રિફિલ કરતા હતા. ગ્રાહકોને પ્રીમિયમ લીકર આપતા હોવાનો ભરોસો આપતા હતા.
આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય LCBએ બાતમીના આધારે અસલાલી વિસ્તારમાંથી તિરુપતિ એસ્ટેટમાંથી 3751 દારૂની બોટલો કબ્જે કરી હતી. પોલીસે દારૂ સાથે અનિલ જાટ અને સંજય ચાવડા નામના બે આરોપીઓની ધરપકડ કરી હતો. દારૂનો જથ્થો હરિયાણાથી ટ્રકમાં આવ્યો હતો. ટ્રકમાં પ્લાસ્ટિકના પીપળામાં છુપાવીને લાવવામાં આવેલો 8.78 લાખ દારૂ કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસ કમિશનરે શું કહ્યું
પોલીસ કમિશનર જલ્પેશસિંહ રાઠેડે જણાવ્યું કે, ઓઢવ પોલીસે પ્રોહીબીશનનો કેસ નોંધી દંપતી સામે તપાસ શરૂ કરી છે. લક્ષ્મીની ધરપકડ બાદ તેના પતિ અલ્પેશને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. તપાસ દરમિયાન બુટલેગરના વિશાળ નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે.