સિદ્ધાર્થ છાયા
અમને તો ‘ધુરંધર’ જ જોઈએ ...‘ટોક્સિક’ નહીં!
રવિનાના પતિ અનિલ થડાની એમની જીદ માટે જાણીતાં છે. પોતાની ડિસ્ટ્રિબ્યુટ કરેલી ફિલ્મોને વધુમાં વધુ શો મળે એ માટે અનિલભાઈ ગમે તે હદે જઈ શકે છે. ભૂતકાળમાં તેમણે થિયેટર માલિકોને બ્લેકમેઈલ કર્યા હોવાનાં દાખલા પણ સામે આવ્યા છે. જોકે દરેક વખતે જીદ ચાલી જ જાય એ શક્ય નથી હોતું.
આ વખતે અનિલ થડાનીનો કાકચીયો ઘાણમાં આવ્યો છે! ઇદના દિવસે ‘ધુરંધર’નો બીજો ભાગ અને ‘ટોક્સિક’ એક સાથે રિલીઝ થવાની છે. થડાનીએ થિયેટર માલિકોને બ્લેકમેઈલ કરવાનો ફરીથી પ્રયાસ કર્યો. તેમની કંપનીએ ‘બોર્ડર ટુ’ જે આજે રિલીઝ થઇ છે એનું એડવાન્સ બુકિંગ બધી જ જગ્યાએ એક સાથે શરૂ ન કરાવ્યું.
થડાનીએ શરત મૂકી કે ‘ટોક્સિક’ને ‘ધુરંધર ટુ’ જેટલાં જ સ્ક્રિન આપો તો બધે એડવાન્સ બુકિંગ ખોલું, પણ ‘ધુરંધર’ તો ધુરંધર છે! એ હજી પણ થિયેટરો અને મલ્ટિપ્લેક્સ માટે દૂધ આપતી ગાય બની રહી છે. હવે, એનાં બીજા ભાગની રાહ જબરદસ્ત ઉત્કંઠાથી આખો દેશ જોઈ રહ્યો હોય તો એમાં થડાનીની ધમકી કેમની કામમાં આવે?
એટલે એક્ઝિબીટરોએ અનિલભાઈને સ્પષ્ટ ના પાડી દીધી. કહી દીધું કે આ શક્ય નથી. આટલું જ નહીં, એમણે તો અનિલ થડાનીને સલાહ પણ આપી દીધી કે ‘ધુરંધર’ સામે ‘ટોક્સિક’ને રિલીઝ કરવી એ આત્મહત્યા જ ગણાશે. બહેતર એ રહેશે કે એને તમે સોલો રિલીઝ કરો. ટૂંકમાં, આ વખતે અનિલ થડાનીએ પારોઠનાં પગલાં ભરવાં પડે એવી સ્થિતિ ઊભી થઇ છે.
આનંદ - ઈરોસ વચ્ચે ‘આધ્યાત્મિક’ યુદ્ધ!
આનંદ એલ. રાય અને ઈરોસ વચ્ચેની લડાઈ લગભગ છ-આઠ મહિના જૂની છે. યાદ છે? જ્યારે ઈરોસે ‘રાંઝણા’નો એન્ડ બદલીને એને તમિળમાં ફરીથી રજૂ કરી હતી? એ સમયે આનંદ એલ. રાયે કોર્ટમાં જવાની ધમકી આપી હતી. કારણકે અઈંની મદદથી ફિલ્મનાં કરુણ અંતને હેપ્પી એન્ડમાં ફેરવી નાખવા માટે એમને વિશ્વાસમાં લેવામાં ન હતા આવ્યાં. પછી રાયે ‘તનુ વેડ્સ મનુ’નો આગલો ભાગ પોતે બનાવશે એવી વાત કરી હતી, ત્યારે ઈરોસે કોર્ટમાં જવાનું કહી દીધું હતું.
હવે આ બંનેની લડાઈમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. રાયની ‘તેરે ઈશ્ક મેં’ જે ડિસેમ્બરમાં આવી હતી તેને તેમણે ‘રાંઝણાની અધ્યાત્મિક રિમેક’ એવી ટેગલાઈન આપવામાં આવી હતી. તો ઈરોઝના બોસલોગ હવે ગુસ્સામાં આવી ગયાં છે. એમણે રાય ઉપર સીધો રૂપિયા 84 કરોડનો નુકસાનીનો દાવો ફટકારી દીધો છે. ઈરોસનું કહેવું છે કે ‘રાંઝણા’ નામ ઉપર એમનો કોપીરાઈટ છે. આથી, એનો ઉપયોગ રાય કે બીજું કોઈ પણ એમની મંજૂરી વગર ન કરી શકે.
ઈરોસનું તો એવું પણ કહેવું છે કે ફક્ત રાંઝણા જ નહીં, પરંતુ ‘કુંદન શંકર’ અને ‘મુરારી’ પાત્રોનાં નામ પર પણ તેનો હક્ક છે. મામલો ભલે કોર્ટમાં ગયો હોય પણ આવા મામલાઓમાં છેવટે તો ઘીના ઠામમાં ઘી પડ્યું જ રહેતું હોય છે.
બધે જ છવાશે ‘બોર્ડર’નો જાદુ
જ્યારે હાથી ચાલતો હોય ત્યારે એને બધાં જ જગ્યા આપી દેતાં હોય છે. બોલિવૂડની મોટી ફિલ્મો પણ હાથી જેવી હોય છે. એ જ્યારે રિલીઝ થવાની હોય ત્યારે એને ‘સોલો રિલીઝ’ મળી જતી હોય છે. એમાંય અનિલ થડાની જેવા ડિસ્ટ્રિબ્યુટર હોય તો તો પછી શોની સંખ્યા પણ બમ્પર મળી જતી હોય છે.
આ જ ન્યાયે ‘બોર્ડર ટુ’ બમ્પર શો સાથે આજે રિલીઝ થઇ છે. એટલું જ નહીં થિયેટર અને મલ્ટીપ્લેક્સ માલિકોને અમુક નિયમો પણ સમજાવી દેવામાં આવ્યાં છે. નિયમ ક્રમાંક એક અનુસાર સિંગલ સ્ક્રિન થિયેટરોએ બે અઠવાડિયા આ ફિલ્મ ફરજિયાત દેખાડવાની રહેશે.
નિયમ ક્રમાંક બે એવું કહે છે કે જે મલ્ટીપ્લેક્સમાં 4 થી 6 સ્ક્રિન્સ છે ત્યાં એક અઠવાડિયું દરરોજ 14 થી 18 શોઝ દેખાડવાનાં છે જ. નિયમ ક્રમાંક ત્રણ 3 સ્ક્રિન્સ ધરાવતાં મલ્ટીપ્લેક્સને એમ કહે છે કે તમારે દરરોજ 12 શો તો દેખાડવાના જ છે એમાં કોઈ મીનમેખ ન થવો જોઈએ.
પરંતુ, કિન્તુ, બટ... ‘બોર્ડર 2’ની લંબાઈ પૂરા 3 કલાક અને 19 મિનિટની છે. હવે ભલે સ્ક્રિન્સની સંખ્યા વધુ હોય પણ આટલી લાંબી ફિલ્મ માટે દરરોજ અને એ પણ એક અઠવાડિયા માટે આટલા બધાં શો ગોઠવી શકાશે એ એક પ્રશ્ન છે. અને યક્ષપ્રશ્ન તો એ છે કે જો આમ થાય તો બે શો વચ્ચે પછી સાફસૂફી માટે ટાઈમ કેટલો બચશે?
વિચારો, ચતુરો ... વિચારો !
કટ એન્ડ ઓકે..
રોહિત શેટ્ટી નિર્દેશિત અને જ્હોન અબ્રાહમ અભિનીત મુંબઈના પૂર્વ કમિશનર રાકેશ મારિયાનાં જીવન પર આધારિત ફિલ્મનું નામ ‘મારિયા ...ઓ મારિયા’ હશે કે પછી ‘મારિયા આઈપીએસ’?!