Tue Jan 27 2026

Logo

White Logo

મનોરંજનનું મેઘધનુષઃ બોલિવૂડની એક આગવી મર્દાની અભિનેત્રી રાણી મુખર્જી

4 days ago
Author: Mumbai Samachar Team
Video

ઉમેશ ત્રિવેદી

સતત એક પાત્ર જીવી જનારી અભિનેત્રી તરીકે રાણી મુખર્જી ફિલ્મરસિકો પર અમીટ છાપ છોડી રહી છે. 2014માં ‘મર્દાની’ ફિલ્મનો પહેલો ભાગ આવ્યો ત્યાર પછી તે અંગત જિંદગીમાં એક પુત્રીની માતા બની, પણ ફરી ફિલ્મમાં સક્રિય થવાનો ચાર વર્ષે નિર્ણય કર્યાં પછી તે ‘મર્દાની-ટુ’માં લેડી ઈન્સ્પેકટર શિવાની શિવાજી રોય તરીકે પાછી ફરી અને હવે એ ફરી સાત વર્ષે તે ‘મર્દાની-થ્રી’માં એ જ પાત્ર દ્વારા ત્રાટકવા તૈયાર છે.

‘મર્દાની’ અને ‘મર્દાની-ટુ’માં પુરુષ વિલન સાથે બાખડનારી રાણી મુખર્જી આ વખતે મહિલા વિલન - ખલનાયિકા - અમ્માજી સાથે બાથ ભીડવાની છે. 30 જાન્યુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મ સત્યઘટના પર આધારિત છે અને પહેલી બે ફિલ્મ કરતાં આ ફિલ્મ વધુ છાપ છોડશે એમ મનાય છે.

2014માં આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યાં પછી ‘યશરાજ બેનર’ની જ ફિલ્મોમાં અભિનય કરતી રાણી મુખર્જીએ તેની કારકિર્દી દરમિયાન મોટાભાગની ફિલ્મો ‘યશરાજ’માં જ કરી છે. 21 માર્ચ 1978માં રામ મુખર્જી અને ક્રિષ્ના મુખર્જીને ત્યાં જન્મેલી રાણી મુખર્જીએ તેનું શિક્ષણ માણેકજી કૂપર સ્કૂલમાં લીધું છે અને મીઠીબાઈ કોલેજ ઑફ આર્ટસ અને એસએનડીટી વિમેન્સ યુનિવર્સિટીમાંથી તેણે હોમ સાયન્સમાં ડિગ્રી મેળવી છે.

કાજોલ જેવી ઉત્કૃષ્ટ અભિનેત્રીની પિત્રાઈ બહેન રાણી પણ અભિનયમાં કાજોલને બરાબરની ટક્કર આપી છે. તેણે પોતાની કારકિર્દી દરમિયાન એક નેશનલ એવૉર્ડ અને એક વાર ફિલ્મફેર એવૉર્ડ મેળવ્યા છે. રાણી એવી એકમાત્ર અભિનેત્રી છે જેણે એક જ વર્ષે જુદી-જુદી બે કેટેગરીમાં ફિલ્મફેર એવોર્ડ મેળવ્યા છે.

2004માં મણિરત્નમની ‘યુવા’ ફિલ્મમાં તેણે શ્રેષ્ઠ અભિનેત્રીનો અને એ જ વર્ષે કુણાલ કોહલીની ‘હમ તુમ’ ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી અભિનેત્રી તરીકે પણ તેણે એવૉર્ડ મેળવ્યો હતો.

એ જ રીતે તેને નેશનલ એવૉર્ડ 2023માં આવેલી ફિલ્મ ‘મિસીસ ચેટર્જી વર્સીસ નોર્વે’ ફિલ્મ માટે મળ્યો હત.. આઠ ફિલ્મફેર એવૉર્ડ, પાંચ વાર આઈફા એવૉર્ડ, સાત વાર સ્ક્રીન એવૉર્ડ, બે વાર સ્ટારડસ્ટ એવૉર્ડ, પાંચ વાર ઝી સિને એવૉર્ડસ મેળવનારી રાણી બોલિવૂડના પુરુષ અદાકારો વચ્ચે એકમાત્ર મર્દાની અદાકારા છે એમ કહીએ તો એમાં કાંઈ જ ખોટું નથી.

રાણીએ તેની અભિનયની કારકિર્દીની માત્ર 18 વર્ષની ઉંમરે બંગાળી ફિલ્મથી કરી હતી. એના દિગ્દર્શક તેનાં પિતા રામ મુખર્જી હતા. હિન્દીમાં તેની પહેલી ફિલ્મ અમજદ ખાનના પુત્ર શાદાબ ખાન સાથે હતી. ‘રાજા કી આયેગી બારાત’ 1996માં રિલીઝ થઈ હતી, પણ તે બોકસ ઓફિસ પર જરાય ચાલી નહોતી.

જોકે, 1998માં આમિર ખાન સાથેની ‘ગુલામ’ અને શાહરુખ ખાન સાથેની ‘કુછ કુછ હોતા હૈ’ને બોકસઓફિસ પર જબરદસ્ત સફળતા મળ્યા પછી રાણીને કયારેય પાછું ફરીને જોવાની જરૂર નથી પડી. તેણે જે ફિલ્મો કરી છે, તેમાં તેણે અમિટ છાપ છોડી છે અને રાણીની મોટાભાગની ફિલ્મો બોકસઓફિસ ગજાવતી રહી છે.

રાણીની સફળ ફિલ્મોની વાત કરીએ તો હેલો બ્રધર, બાદલ, હે રામ, હદ કર દી આપને, બિચ્છુ, ચોરી ચોરી ચૂપકે ચૂપકે, નાયક: ધ રિયલ હીરો, કભી ખુશી કભી ગમ, પ્યાર દિવાના હોતા હૈ, મુઝસે દોસ્તી કરોગે, સાથિયા, ચલતે ચલતે, કલ હો ના હો, યુવા, હમ તુમ, વીર ઝારા, બ્લેક, બંટી ઔર બબલી, કભી અલવિદા ના કહેના, મર્દાની, હિચકી, મર્દાની-ટુ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. રાણીએ બોલિવૂડની ખાન ત્રિપૂટી આમિર ખાન, સલમાન ખાન અને શાહરુખ ખાન તેમ જ સૈફ અલી ખાન સાથે સફળ ફિલ્મોમાં અભિનય કર્યો છે. જોકે, એક સમયે લગ્ન પછી તેની કેટલીક ફિલ્મો નિષ્ફળ પણ ગઈ હતી, પણ ‘મર્દાની’ ફિલ્મે તેને બોલિવૂડમાં ફરી સ્થાપિત કરી દીધી છે.

‘મર્દાની-થ્રી’ પછી રાણી શાહરુખ ખાન સાથે ‘કિંગ’માં અને એ પછી તે ‘ઓહ માય ગોડ’ - સિરીઝની ત્રીજી ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મની વિશેષતા એ છે કે આ ફિલ્મમાં પહેલી જ વાર રાણી અક્ષય કુમાર સાથે કોઈ ફિલ્મમાં આવી રહી છે. અક્ષય અને રાણી બંને સફળ કલાકાર હોવા છતાં બંનેએ સાથે ક્યારેય કામ કર્યું નથી. આમ ‘ખિલાડી’ અને ‘મર્દાની’ પહેલી જ વાર સાથે ચમકશે...

OTTનું હોટસ્પોટ

24 જાન્યુઆરી-31 જાન્યુઆરી દરમિયાન ટી-20 અને અક્ષય કુમારના શોની બોલબાલા

ન્યૂ ઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝ હારી ગયા પછી હવે ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે. 21, 23, 25, 28 અને 31 જાન્યુઆરીએ રમતગમતના ચાહકોને એ માણવાની મજા પડવાની છે. ત્યારે સોની લીવ અને સોની ટી.વી. પર 27 જાન્યુઆરીથી અક્ષય કુમારના સંચાલન હેઠળ ‘વ્હીલ ઓફ ફોર્ચ્યુન’ નામનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. KBC કરતાં એકદમ અલગ જ ફોર્મેટ ધરાવનાર આ શો. ‘કૌન બનેગા કરોડપતિ’ નો ખાલીપો ભરી શકશે કે કેમ એ તો સમય જતાં જાણ થશે.

* નેટફિલકસ:
બોલિવૂડમાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મનો વિક્રમ નોંધાવનારી ‘ધૂરંધર’ 30 જાન્યુઆરીએ આ ઓટીટી પ્લેટફોર્મ ગજાવવા આવી રહી છે. આદિત્ય ધર દિગ્દર્શિત આ ફિલ્મમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, અર્જુન રામપાલ, આર. માધવન, સારા અર્જૂન, માનવ ગોહિલ અને રાકેશ બેદી છે.

*જિયો હોટસ્ટાર: આ ઓટીટી પ્લેટફોર્મ પર શુક્રવાર, 23 જાન્યુઆરીના દક્ષિણના સ્ટાર કિચ્ચા સુદીપને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ ‘માર્ક’ રજૂ થશે. આ સિવાય, 23 જાન્યુ.એ જ વિજય વર્મા, ફાતિમા સના શેખ, નસીરુદ્દીન શાહ અભિનીત ફિલ્મ ‘ગુસ્તાખ ઈશ્ક’ રજૂ થશે અને આજે જ શ્રીયા સરન, ગોપાલ દત્ત, નકુલ મહેતા અભિનીત ‘સ્પેશ જનરેશન’ રજૂ થશે.

સોમવારે 26 જાન્યુઆરી નિમિત્તે દેશભક્તિની અનેક ફિલ્મો ઓટીટી પર રજૂ થશે.