Sun Jul 26 2026

Logo

કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી શરૂ એલડીએફ અને યુડીએફ વચ્ચે કાંટાની ટક્કર

2025-12-13 12:06:00
Author: chandrakant Kanoja
Article Image

તિરુવનંતપુરમ : કેરળમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મત ગણતરી કરવામાં આવી રહી છે. જેમાં સ્થાનિક પક્ષ એલડીએફ અને યુડીએફ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. જયારે એનડીએ તિરુવનંતપુરમમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે. કેરળમાં  11 અને 13 નવેમ્બરના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 73. 57 ટકા મતદાન થયું હતું. 

 યુડીએફ 387 વોર્ડમાં અને એલડીએફ  283 વોર્ડમાં આગળ 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રારંભિક વલણો મુજબ કોંગ્રેસની આગેવાની હેઠળ યુડીએફ 387 વોર્ડમાં, સીપીઆઈ(એમ)ની આગેવાની હેઠળ એલડીએફ  283 વોર્ડમાં અને  ભાજપની આગેવાની હેઠળ એનડીએ  71 વોર્ડમાં અને અન્ય 59 વોર્ડમાં આગળ છે. કોટ્ટયમમાં કેરળ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે.

કોઝિકોડમાં એલડીએફ 6 વોર્ડમાં જીત્યું

કોઝિકોડમાં એલડીએફ 6 વોર્ડમાં જીત્યું છે. જયારે મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભાજપ 7 વોર્ડમાં જીત્યું. કોઝિકોડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, એલડીએફ  એ એરાનહિક્કલ, નડુવત્તમ, નડુવત્તમ પૂર્વ, અરકિનાર, પલયમ અને માથોટ્ટમ વોર્ડમાં જીત મેળવી છે.  તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે ચેટ્ટીવિલકમ, એસ્ટેટ, નેમોમ, પોન્નુમંગલમ, મેલમકોડ, માનકુડ અને શ્રીકાંતેશ્વરમ વોર્ડમાં જીત મેળવી છે. 

તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં  એનડીએ આગળ 

તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનના વલણોમાં એનડીએ આગળ છે, જ્યારે એલડીએફ  પાછળ ચાલી રહ્યું છે. તાજેતરના વલણો અને પરિણામોમાં એનડીએ 27 વોર્ડમાં આગળ છે. જ્યારે યુડીએફ 16 માં આગળ છે. એલડીએફ 11 માં આગળ છે અને અન્ય 1 માં આગળ છે. ઉલ્લેખનીય છે કે,  એલડીએફ છેલ્લા 45 વર્ષથી તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તામાં છે.

કેરળમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષો માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો મહત્વપૂર્ણ છે. આ પરિણામો તેમના પ્રચારની ભાવિ દિશા નક્કી કરશે.

કેરળમાં 1199 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પરિણામ 

કેરળમાં 941 ગ્રામ પંચાયતોમાં 17,337  વોર્ડ છે. તાલુકા પંચાયતોની વાત કરીએ તો 152 તાલુકા  પંચાયતો છે જેમાં કુલ 2267  વોર્ડ છે. 14 જિલ્લા પંચાયતોમાં 346  વોર્ડ છે. 86  નગરપાલિકાઓમાં 3205  વોર્ડ છે, અને 6  કોર્પોરેશનોમાં 421 વોર્ડની મતગણતરી ચાલી રહી છે.