અમદાવાદઃ આસારામને વધુ એક ઝટકો લાગ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આસારામના અમદાવાદ સ્થિત આશ્રમની ઈમ્પેક્ટ ફીની અરજી નામંજૂર કરી હતી. આસારામ આશ્રમમાં 32 જેટલા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલા છે જેને દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી.
મળતી વિગત પ્રમાણે, આસારામ આશ્રમની ઈમ્પેક્ટ ફીનો કેસ કોર્ટની એપલેટ ઓથોરિટી સમક્ષ મૂકવામાં આવ્યો હતો. લીગલ કમિટીમાં એએમસી તરફથી વકીલના નિમણૂક કર તાત્કાલિક આ કેસનો નિકાલ લાવવા સૂચના આપવામાં આવી હતી. વર્ષોથી વિવાદમાં રહેતા આ આશ્રણના દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયને પગલે હવે ગમે ત્યારે ડિમોલિશનની કામગીરી શરૂ થવાની શક્યતા છે.
સૂત્રોએ જણાવ્યું કે, સાબરમતી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સ્પોર્ટ્સ સંકુલ ડેવલપમેન્ટના બીજા તબક્કાની કામગીરી કરવામાં આવશે. આ માટે ગેરકાયદે બાંધકામો તોડવા પશ્ચિમ ઝોન દ્વારા નોટિસો આપવામાં આવી હતી.
આસારામ દ્વારા સંચાલિત ગુરુકુળમાં દીપેશ અને અભિષેક નામના બે વિદ્યાર્થીઓના રહસ્યમયી મૃત્યુ થયા બાદ આસારામનો આશ્રમ ચર્ચામાં આવ્યો હતો. 2008માં આશ્રમના બે બાળકોના મોત થયા હતા. આ કેસમાં બાળકોના પરિજનોએ હત્યાનો આરોપ લગાવ્યો હતો અને સરકારે તપાસ માટે SITની પણ રચના કરી હતી. જોકે તપાસ બાદ આસારામ અને નારાયણ સાંઈને ક્લિનચીટ અપાઈ હતી.
વર્ષ 2013માં આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે તેના જ આશ્રમમાં રેહતી સેવિકાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. જેમાં બે બહેનોએ દુષ્કર્મ, ગેરકાયદે ગોંધી રાખવાની તથા અકુદરતી શારીરિક સંબંધ રાખવાની ફરિયાદ નોંધાવી હતી. 2001 થી 2006 સુધી બે યુવતીઓ દ્વારા આસારામ અને નારાયણ સાંઈ પર દુષ્કર્મનો આક્ષેપ કરાયો હતો. જયારે 6 ઓક્ટોબર 2013ના રોજ ગુનો નોંધાયો હતો.
આસારામનું સાચું નામ હરપલાણી છે અને તેનો જન્મ હાલ પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રાંતમાં 1941માં થયો હતો. 1947ના ભાગલા બાદ તેનો પરિવાર અમદાવાદમાં સ્થાયી થયો હતો. 1960ના દાયકામાં તેમણે લીલાશાહને ગુરુ બનાવીને દીક્ષા લીધી હતી અને 1972માં અમદાવાદના મોટેરા ગામથી દૂર સાબરમતીના કિનારે ઝુંપડી બાંધી હતી અને અહીં આશ્રમ સ્થાપ્યો હતો. ધીમે ધીમે આસારામના પ્રવચનોમાં લોકો આવવા લાગ્યા અને ઝડપથી તેમના અનુયાયીઓની સંખ્યા વધી હતી. આસારામે પોતાના પુત્ર નારાયણ સાંઈ સાથે દેશ-વિદેશમાં અનેક આશ્રમો સ્થાપ્યા હતા અને તેમની હજારો કરોડની સંપત્તિ હોવાની પણ ચર્ચા ઉઠી હતી. એક સમય હતો ત્યારે આસારામ સ્ટેજ પર નૃત્ય કરતો અને મોટા નેતાઓ પણ તેમની સાથે સ્ટેજ પર આવતા અને લાખોની સંખ્યામાં અનુયાયીઓ તેમને સાંભળવા આવતા હતા.