અમદાવાદઃ સાબરમતી રિવરફ્રન્ટ શહેરની ઓળખ સમાન છે. રિવરફ્રન્ટ પર અનેક કાર્યક્રમો થાય છે. આ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના બીજા તબક્કામાં કરોડો રૂપિયાની સરકારી જમીનની હેરાફેરીનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ કૌભાંડમાં ધાર્મિક ટ્રસ્ટ, ઉચ્ચ અધિકારીઓ અને ખાનગી બિલ્ડરોની મિલીભગત હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. ભાજપના જ કેટલાક નેતાઓએ આ મામલે વિરોધ નોંધાવતા રાજકીય ગલિયારાઓમાં પણ ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, સાબરમતી નદીના પટમાં આવેલી અંદાજે ₹8,000 કરોડની કિંમતની જમીન કોટેશ્વર મંદિર ટ્રસ્ટને સામાજિક કે ધાર્મિક હેતુ માટે મફતમાં ફાળવવામાં આવી હતી. જોકે, આશ્ચર્યજનક રીતે આ ટ્રસ્ટે નિયમોનું ઉલ્લંઘન કરીને આ કિંમતી જમીન માત્ર ₹4 કરોડમાં 'મનોરમ્ય રિસોર્ટ પ્રાઈવેટ લિમિટેડ'ને વેચી મારી હોવાનો આરોપ છે.

કૌભાંડના મુખ્ય ત્રણ 'મોહરાં'
આ સમગ્ર ખેલમાં ત્રણ મુખ્ય કડીઓ સામે આવી રહી છે. જે મુજબ કોટેશ્વર ટ્રસ્ટ: જેને મફતમાં જમીન મળી હતી. બીજા નંબરે સિનિયર અધિકારીઓ: જેમણે નદીના પટમાં નિયમ વિરુદ્ધ જઈને નવો 'સરવે નંબર' પાડી આપ્યો હતો. ત્રીજા ક્રમે મનોરમ્ય રિસોર્ટ પ્રાઈવેટ લિમિટેડ: જેણે નજીવી કિંમતે આ પ્રીમિયમ જમીન ખરીદી લીધી હતી.
સામાન્ય રીતે નદીના પટમાં બાંધકામ કે જમીનના નવા સરવે નંબર પાડવા પર કડક પ્રતિબંધ હોય છે. તેમ છતાં, ઉચ્ચ સ્તરેથી વગ વાપરીને રિવરફ્રન્ટની આ જમીનનો સરવે નંબર પાડી દેવામાં આવ્યો. આ પ્રક્રિયામાં વિકાસના નામે ખાનગી હિતોને ફાયદો પહોંચાડવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
2021થી કામગીરી બંધ
આ મામલે ખુદ સત્તાધારી પક્ષ ભાજપના જ કેટલાક સનિષ્ઠ નેતાઓએ વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અમદાવાદની શાન છે, પરંતુ તેમાં આ પ્રકારની 'ગોલમાલ' પ્રોજેક્ટની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે. આ વિવાદ અને કાયદાકીય ગુંચવણોને કારણે વર્ષ 2021થી રિવરફ્રન્ટનું કામ બંધ હાલતમાં છે. કરોડોના ખર્ચે બનનારા આ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારની ઉધઈ લાગતા હવે આ મામલો ઉચ્ચ સ્તરીય તપાસ સુધી પહોંચે તેવી શક્યતા છે.
સૂત્રોએ જણાવ્યું કે, અમે અગાઉ કલેકટર સહિત અનેક ઓફિસોમાં રજૂઆત કરી છે. આજે પણ કેસ પ્રાંત અધિકારી સમક્ષ પડ્યો છે. વિજિલન્સ કચેરી અને તકેદારી આયોગમાં પણ રજૂઆત કરી છે. આ સરકારી જગ્યા છે, જ્યાં પાણીનું વહેણ છે એટલે ત્યાં સરવે નંબર પડે જ નહીં. પણ અધિકારીઓ દ્વારા ખોટા રેકોર્ડ ઉભા કરીને સરવે નંબર પાડવામાં આવ્યો છે.
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, ભૂમાફિયાઓના પાપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સાબરમતી રિવરફ્રન્ટનો ડ્રીમ પ્રોજેક્ટ લટકી પડ્યો હતો. બીજા તબક્કાનું કામ શરુ થયા બાદ પણ સાબરમતીના કાંઠે આવેલા મોટેરા, કોટેશ્વર અને ભાટ ગામની સીમમાં નદી કિનારાની કેટલીક જમીનનો કબજો સાબરમતી રિવરફ્રન્ટ ઓથોરિટીને સોંપાતો નહોતો. રિવરફ્રન્ટનું કામ ઝડપથી આગળ વધે એ માટે ભાજપના જ ધારાસભ્ય અને નેતાઓએ મુખ્યમંત્રીની માંડીને વડાપ્રધાન સુધી લેખિતમાં રજૂઆતો કરી હતી. આ રજૂઆત કરનારામાં ગાંધીનગર જિલ્લાના તત્કાલીન ભાજપ પ્રમુખ અનિલ પટેલ, ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોર, ગાંધીનગર ભાજપના પૂર્વ પ્રમુખ રુચિર ભટ્ટ, ગાંધીનગર મહાપાલિકાના પૂર્વ કોર્પોરેટર માણેકજી ઠાકોર, તેજલબેન નાયી, સેજલબેન પરમારનો સમાવેશ થાય છે.