Tue Jan 27 2026

Logo

White Logo

શો-શરાબાઃ ફિલ્મ્સની સક્સેસ બોક્સ ઓફિસની બહાર

4 days ago
Author: Mumbai Samachar Team
Video

દિવ્યકાંત પંડ્યા

એક સમય હતો જ્યારે બોલિવૂડ ફિલ્મનું ભવિષ્ય માત્ર એક જ દિવસે નક્કી થઈ જતું હતું: શુક્રવાર. ફિલ્મના ફર્સ્ટ ડે કલેક્શન પછી વીકએન્ડ ટ્રેન્ડ અને સોમવારના અંક જોઈને જ ટ્રેડ અને મીડિયા ફિલ્મને હિટ, ફ્લોપ કે ડિઝાસ્ટર જાહેર કરી દેતા. ફિલ્મ કેટલી ચાલી? એનો અર્થ સીધો કેટલા કરોડ કમાયા? એવો થતો, પરંતુ આજે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ તબક્કે આવી પહોંચી છે જ્યાં ફિલ્મનું જીવન શુક્રવારથી શરૂ થઈને ત્યાં જ પૂરું થતું નથી. ઘણી વખત તો ફિલ્મની સાચી જર્ની થિયેટરમાં નહીં, પરંતુ ઓટીટી પ્લેટફોર્મ પર શરૂ થાય છે. એટલે જ આજે હિટ ફિલ્મની વ્યાખ્યા પૂરી રીતે બદલાઈ રહી છે.

આ બદલાવ અચાનક આવ્યો નથી. કોરોના કાળ દરમિયાન જ્યારે થિયેટર્સ બંધ હતા, ત્યારે ‘ગુલાબો સિતાબો’, ‘શકુંતલા દેવી’, ‘લુડો’, ‘શેરની’ જેવી ફિલ્મ્સ સીધી ઓટીટી પર રિલીઝ થઈ. એ સમયે દર્શકો પાસે કોઈ બોક્સ ઓફિસ નંબર નહોતા, કોઈ ફર્સ્ટ ડે રિપોર્ટ નહોતા. ફિલ્મ માત્ર એની વાર્તા, અભિનય અને અનુભવ પરથી જ જોવાઈ. ત્યાંથી એક મહત્ત્વનો ફેરફાર શરૂ થયો. ચર્ચા કેટલું કમાયું પરથી ખસીને ફિલ્મ કેવી લાગી તરફ જવા લાગી. થિયેટર્સ ખુલ્યા પછી પણ આ આદત રહી ગઈ. હવે દર્શકો ફિલ્મને જજ કરવા માટે ઓટીટી વ્યૂઅરશિપ, રીવોચ વેલ્યુ, સોશ્યલ મીડિયા ચર્ચા અને સમય સાથે એ કેટલી યાદ રહે છે તેને પણ મહત્ત્વ આપે છે.

પાછલાં  થોડાં વર્ષોમાં એવી ઘણી ફિલ્મ્સ આવી છે જે થિયેટરમાં ખાસ ચાલી નહીં, પરંતુ ઓટીટી પર આવીને નવી ઓળખ મેળવી ગઈ. ‘લાલ સિંહ ચઢ્ઢા’ એનું મોટું ઉદાહરણ છે. બહુ મોટી અપેક્ષાઓ સાથે રિલીઝ થયેલી આ ફિલ્મ થિયેટરમાં લાંબી ન ચાલી શકી અને ઝડપથી ફ્લોપ ગણાઈ ગઈ, પરંતુ Netflix  પર આવ્યા પછી ઘણા દર્શકોએ ફિલ્મને શાંતિથી, પ્રેશર વગર જોઈ અને એની લાગણીસભર બાજુને સ્વીકારી. ભલે ફિલ્મ હિટ ન બની હોય, પરંતુ એ સાબિત થયું કે થિયેટરમાં નિષ્ફળતા એટલે દર્શકોનો સંપૂર્ણ ઇનકાર નહીં.

આ જ વાત ‘વિક્રમ વેધા’ સાથે પણ જોવા મળી. ફિલ્મને ઓપનિંગ સારું મળ્યું, પરંતુ જેટલી મોટી ફિલ્મ હતી એ પ્રમાણે બોક્સ ઓફિસ પર ટકી શકી નહીં. ઓટીટી પર આવ્યા પછી ફિલ્મના પર્ફોર્મન્સની ચર્ચા વધી. એ જ રીતે ‘ભીડ’, ‘એન એક્શન હીરો’ અને ‘જયેશભાઈ જોરદાર’ જેવી ફિલ્મ્સ થિયેટરમાં અસર ન કરી શકી, પરંતુ ઓટીટી પર આવ્યા પછી એમના વિષય અને પ્રયાસ માટે વાતો થઈ.

આવી બદલાતી પરિસ્થિતિમાં મધ્યમ બજેટ અને ક્ધટેન્ટ આધારિત ફિલ્મ્સને ખાસ ફાયદો થયો છે. ‘લાપતા લેડીઝ’ થિયેટરમાં સામાન્ય રન પછી ઓટીટી પર આવી અને ધીમે ધીમે વર્ષની સૌથી વખાણેલી ફિલ્મ્સમાં સામેલ થઈ. એની સાદગી, પર્ફોર્મન્સ અને લાગણીસભર વાર્તાએ ઓટીટી દર્શકો સાથે કનેક્શન બનાવ્યું. આવી ફિલ્મ્સ થિયેટરમાં મોટા ‘શો-શરાબા’ વચ્ચે ઘણી વખત દબાઈ જાય છે, પરંતુ ઓટીટી પર એમને પોતાની જગ્યા મળે છે. ‘કટહલ ’ અને ‘ઝ્વિગાટો’ જેવી ફિલ્મ્સ પણ એ જ કેટેગરીમાં આવે છે.

આ બધાની સાથે ઇન્ડસ્ટ્રીની વિચારધારા પણ બદલાઈ છે. આજે મોટાભાગના પ્રોડ્યુસર ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ ઓટીટી ડીલ ફાઈનલ કરી લે છે. મજબૂત ઓટીટી સેલ થિયેટરમાં થતી ખોટને કવર કરી શકે છે અથવા રિસ્ક ઘટાડે છે એટલે હવે માર્કેટિંગ પણ બદલાયું છે. ‘શેરશાહ’ ફિલ્મ સીધી ઓટીટી પર આવી અને દર્શકોએ તેની ચર્ચા કરી અને હિટ નીવડી ત્યારે તેનું એક ઓટીટી હિટ ફિલ્મની જેમ જ માર્કેટિંગ કરવામાં આવ્યું હતું.

સોશ્યલ મીડિયા એ બદલાવને વધુ તેજ બનાવે છે. ઓટીટી પર ટ્રેન્ડ થતી ફિલ્મ, ક્લિપ્સમાં ફરતી ફિલ્મ, રીલ્સમાં દેખાતી ફિલ્મ, ઘણી વખત બોક્સ ઓફિસ હિટ ફિલ્મ કરતાં વધુ હાજરી અનુભવે છે. "12th Fail' એનું ઉત્તમ ઉદાહરણ છે. ફિલ્મે થિયેટરમાં ધીમે પરંતુ સ્થિર કમાણી કરી, પરંતુ સાચી સફળતા ત્યારે આવી જ્યારે દર્શકોએ પોતાની રીતે ફિલ્મને ભલામણ કરવી શરૂ કરી. ઓટીટી અને સોશ્યલ મીડિયાએ મળીને થિયેટર ફિલ્મને લાંબું જીવન આપ્યું.

આજે ઘણા લોકો ખાસ કરીને નાની, લાગણીસભર ફિલ્મ્સ માટે થિયેટર જવા કરતાં ઓટીટી રિલીઝની રાહ જુએ છે. જો ફિલ્મમાં મોટો સ્કેલ, એક્શન કે ઇવેન્ટ ફીલ ન હોય તો ઘરે આવી જશે એવી માનસિકતા વધી છે. એટલે જ મોટી મસાલા ફિલ્મ્સ થિયેટરમાં ચાલે છે, જ્યારે ડ્રામા અને સ્લાઈસ ઓફ લાઈફ ફિલ્મ્સ ઘણી વખત ઓટીટી પર દર્શકો શોધે છે. આજના સમયમાં ફિલ્મ થિયેટરમાં ફ્લોપ હોવા છતાં કુલ મળીને નફાકારક બની શકે છે. આ વિચાર દસ વર્ષ પહેલાં અકલ્પનીય હતો.

કેટલાક ફિલ્મમેકર્સ માને છે કે આ રીતે સિનેમાનો સામૂહિક અનુભવ ખોવાઈ રહ્યો છે, છતાં એ પણ સત્ય છે કે ઓટીટી એ ફિલ્મ્સને લાંબું જીવન આપ્યું છે અને વધુ લોકો સુધી પહોંચાડી છે. આ રીતે જુઓ તો શુક્રવારથી ઓટીટી સુધીનો પ્રવાસ માત્ર પ્લેટફોર્મનો બદલાવ નથી, પરંતુ વિચારધારાનો બદલાવ છે. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ઇચ્છા હોય કે ન હોય, આ બદલાયેલા અર્થ સાથે જીવવાનું શીખી ગઈ છે.

લાસ્ટ શોટ

આજની ટ્રેડ ભાષા બદલાઈ છે. હવે ઓટીટી હિટ, ડિજિટલ સક્સેસ, મોસ્ટ વોચ્ડ જેવા શબ્દો સામાન્ય બની ગયા છે.