Tue Jan 27 2026

Logo

White Logo

રેહમાનનાં કેટલાં ગીતો તમે ગણગણી શકો?

4 days ago
Author: Mumbaisamachar Team
Video

હેન્રી શાસ્ત્રી

હિન્દી ફિલ્મનાં ગીત-સંગીતનો જોટો જગમાં જડવો મુશ્કેલ છે. મૂક ચિત્રપટ બોલપટ બન્યા ત્યારથી (14 માર્ચ 1931) અમુક અપવાદ બાદ કરતાં ગીત-સંગીત હિન્દી ફિલ્મોનો અવિભાજ્ય અને અવિસ્મરણીય હિસ્સો રહ્યા છે. પહેલા બોલપટ ‘આલમ આરા’માં સાત ગીત હોવાની સત્તાવાર નોંધ છે. 1931થી 1941 દરમિયાનના દશકમાં કલકત્તાની ન્યૂ થિયેટર્સની ફિલ્મો તેમ જ વી. શાંતારામ-વિષ્ણુપંત દામલેની પ્રભાત ફિલ્મ કંપની અને દેવિકા રાણી-હિમાંશુ રાયની બોમ્બે ટોકિઝની ફિલ્મોનો જમાનો હતો. 

ન્યૂ થિયેટર્સની ફિલ્મોમાં રવીન્દ્ર સંગીતને પ્રાધાન્ય હતું અને સંગીતકારોમાં રાયચંદ બોડલ, પંકજ મલિક, કે. સી. ડે અને તિમિર બરન જેવા સંગીતકારનો પ્રભાવ હતો. એમની સ્વર રચનાઓમાં મેલડીને પ્રાધાન્ય હતું. લોક સંગીતને પ્રાધાન્ય હતું.પંકજ મલિક જેવા અત્યંત પ્રતિભાશાળી સંગીતકાર સ્વરાંકનમાં પશ્ચિમી વાદ્યોનો ઉપયોગ કર્યો, પણ મૃદુતા જાળવીને. બોમ્બે ટોકીઝના ચિત્રપટમાં સરસ્વતી દેવીના કમ્પોઝિશન્સ હોય કે અનિલ વિશ્વાસના પ્રભાતની ‘વતન’ ફિલ્મનાં ગીતો હોય, એમાં પણ એક નિશ્ચિત ટેમ્પો રહેતો. 

1941માં આવી દલસુખ પંચોલી નિર્મિત ‘ખજાનચી’. હિન્દી ફિલ્મ સંગીતના જાણકાર અને અભ્યાસુઓના અભિપ્રાય અનુસાર આ ફિલ્મના સંગીત દિગ્દર્શક ગુલામ હૈદરએ 1930ના દાયકાની ધીમી ગતિના તેમજ શાસ્ત્રીય રાગ પર આધારિત સ્વરાંકન શૈલીને ફગાવી પંજાબી લોક સંગીતનો આશરો લઈ સ્ફૂર્તિદાયક સંગીત (વાઈબ્રન્ટ રિધમ) આપ્યું. પંજાબી શૈલીમાં વાગતા ઢોલકનો પહેલી વાર હિન્દી ફિલ્મના સંગીતમાં વ્યાપકપણે ઉપયોગ થયો અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ગીત સંગીતમાં નવા યુગના મંડાણ થયા. 

બોક્સ ઓફિસ પર ‘ખજાનચી’ એ વર્ષની નંબર વન હિટ સાબિત થઈ એમાં એના સંગીતનો મોટો ફાળો હતો. પંચોલી ફિલ્મના સંગીતની સફળતાથી એટલા ખુશ થયા કે તેમણે સંગીતકાર ગુલામ હૈદરને એ સમયે સ્ટેટસ ગણાતી રાલી સાઈકલ ભેટ આપી હતી. 

‘ખજાનચી’ પછી 1940ના દાયકાના અંત ભાગમાં અને વિશેષ તો 1950-60ના દાયકામાં હિન્દી ફિલ્મ સંગીતના સુવર્ણકાળ (ગોલ્ડન પિરિયડ)નો પ્રારંભ થયો. 1950ના દાયકામાં લોક સંગીત અને શાસ્ત્રીય રાગ આધારિત સ્વરાંકન હિન્દી ફિલ્મનાં ગીતોમાં પ્રમુખપણે જોવા મળ્યા. સી. રામચંદ્ર, એસ. ડી. બર્મનની અમુક રચનામાં પશ્ચિમી અસર વર્તાઈ હતી. 

1960નો દાયકો તો હિન્દી ફિલ્મ સંગીતનો સર્વોત્તમ દાયકો કહી શકાય એવા નાયાબ કમ્પોઝિશન્સ મળ્યા. શંકર જયકિશન, કલ્યાણજી આનંદજી, રવિ, રોશન, ચિત્રગુપ્ત, પી. નય્યર, એસ. ડી. - આર. ડી. બર્મન, લક્ષ્મીકાંત પ્યારેલાલ... અનેક સિતારા ઝળહળી રહ્યા હતા. 

આમાંથી કોઈ એક સંગીતકારનું નામ લો-જેમ કે શંકર જયકિશન, તરત જ ‘આજા સનમ મધુર ચાંદની મેં હમ, રમૈયા વસ્તાવૈયા, દોસ્ત દોસ્ત ના રહા, બહારોં ફૂલ બરસાઓ’ સહિત અનેક ગીત તમારા કાનમાં ગુંજવા લાગે. 

એ ગીતની પંક્તિઓ સ્વરાંકન સાથે તમને મોઢે હશે, ક્યાં આલાપ લીધો છે ને ક્યાં એકોર્ડિયન કે સેક્સોફોન વાગ્યું છે એ તમે ખાતરી સાથે કહી શકશો. અન્ય સંગીતકાર વિશે પણ લગભગ જ આ પરિસ્થિતિ હશે. હા, કદાચ સંગીતકાર-ગીતના કોમ્બિનેશનમાં ભૂલ થઈ શકે છે, પણ ગીત તો એના તાલ, ઠેકા અને શબ્દો સાથે યાદ આવ્યા વિના નહીં રહે.

હવે વાત કરીએ 1990ના દાયકાની. મણિરત્નમની ‘રોજા’ રિલીઝ થઈ 1992માં. ફિલ્મ તમિળ ભાષામાં હતી અને હિન્દીમાં ડબ કરવામાં આવી હતી. ફિલ્મ તો લોકોને ગમી, પણ એના સંગીતથી જનતા મંત્રમુગ્ધ થઈ. હિન્દીમાં ડબ કરવામાં આવેલાં ગીતોની તરજનો ધ્વનિ હિન્દી ફિલ્મ સંગીતના રસિયા પહેલી જ વાર સાંભળી રહ્યા હતા. એ. આર. રેહમાન નામના 25 વર્ષના સાઉથના સંગીતકારે સંગીતના ધ્વનિમાં ક્રાંતિ કરી હોવાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું. 

ઓર્કેસ્ટ્રેશન અને સ્વરાંકન રેહમાનનાં ગીતોની પ્રમુખ સિદ્ધિ હતી. 1995ના વર્ષમાં સાઉથનો યંગસ્ટર વન ફિલ્મ વન્ડર નથી એ સિદ્ધ થઈ ગયું. પહેલા આવી મણિરત્નમની જ ‘બોમ્બે’. આ ફિલ્મનાં ગીતોએ ધૂમ મચાવી. અને પછી આવી રામગોપાલ વર્માની ‘રંગીલા’. પહેલી બંને ફિલ્મ તમિળ ભાષામાં બની હતી અને એના ગીતો એ ભાષામાં જ તૈયાર થયા હતા. 

હિન્દીમાં તો માત્ર ધૂન અનુસાર શબ્દ ગોઠવવામાં આવ્યા હતા. ‘રંગીલા’ પૂર્ણપણે હિન્દી ફિલ્મ હતી. એના હિન્દી ગીત લખ્યા હતા ‘બોમ્બે’ માટે ડબ્ડ ગીત લખનારા મેહબૂબ કોટવાલ નામના ગીતકારે. ‘રંગીલા’ ફિલ્મ હિટ થઈ અને સંગીત સુધ્ધાં સુપરહિટ થયું. એ. આર. રેહમાન સ્ટાર સંગીતકાર બની ગયા.

રેહમાન ઉત્તરોત્તર સફળતા મેળવતો ગયો અને ગુલઝાર તેમ જ જાવેદ અખ્તર સાથેની એની જુગલબંધીએ અનોખા ફિલ્મ સંગીતના નિર્માણમાં નિમિત્ત બની. ફિલ્મફેર એવોર્ડ, નેશનલ એવોર્ડ અને ઓસ્કર સુધ્ધાં મળ્યો.

ગ્રેટ.... પણ સંગીત પ્રેમીઓ, હૈયે હાથ મૂકીને કહો કે રેહમાનનાં કેટલાં ગીત તમે શબ્દો સાથે ગણગણી શકો એમ છો? આંકડો દસ સુધી પહોંચતા હાંફી જશો. કહેવાનું તાત્પર્ય એ છે કે મ્યુઝિક ડિરેક્ટર એ. આર. રેહમાને કર્ણાટકી, હિન્દુસ્તાની ક્લાસિકલ, કવ્વાલીને આધુનિક સંગીત વાદ્યોના ઓર્કેસ્ટ્રેશન અને ઇલેક્ટ્રોનિક સાઉન્ડથી ગીતોને અલાયદા બનાવ્યાં, એક અલગ અનુભવ કરાવ્યો, પણ એમનું સ્વરાંકન ગીતના શબ્દો પર હાવી થઈ ગયું. 

બીટ્સમાં શબ્દો દબાઈ ગયા. અને એટલે જ તમને રેહમાનના અનેક ગીતોના ટ્યુન યાદ હશે, એનાથી પ્રભાવિત થયા હશો, પણ એ ગીતની એકાદ લાઈન સિવાય શબ્દો તમને ભાગ્યે જ યાદ હશે. પહેલાના સંગીતકારોના સ્વરાંકનમાં રેહમાન જેવી ટેક્નિકલ નિપુણતા નહોતી, પણ ગજબનું માધુર્ય હતું. રેહમાને નિ:શંક અદ્ભુત ગીતો આપ્યાં છે અને ગુલઝાર તેમ જ જાવેદ અખ્તર કહે છે એમ રેહમાને ફિલ્મો માટે ગીત લખવાની પદ્ધતિમાં ક્રાંતિ લાવી દીધી. ગીતનું ફોર્મેટ જ બદલી નાખ્યું. 
અદ્ભુત, પણ ફરી એક વાર કહું છું, કોશિશ કરી જુઓ કે સંગીતકાર રેહમાનનાં કેટલાં ગીત તમે શબ્દો સાથે ગણગણી શકો છો?
બાજી મારો... તમે હારી જશો...!