(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જોયરાઈડ માટે સ્પોર્ટ્સ બાઈક્સ ચોરનારા ત્રણ યુવકની ધરપકડ કરી પોલીસે નવ બાઈક જપ્ત કરી હતી. અંધેરી પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ ઓમકાર સુનીલ ફાસગે (22), સાગર રાહુલ ગાયકવાડ (19) અને કાર્તિક વિષ્ણુ મ્હસ્કે (18) તરીકે થઈ હતી. આરોપીઓની પૂછપરછમાં મુંબઈ અને નવી મુંબઈમાં નોંધાયેલા નવ ગુના ઉકેલાયા હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ અંધેરી પૂર્વમાં ગુંદવલી પરિસરમાં પાર્ક કરાયેલી રૉયલ એનફીલ્ડ 13 જાન્યુઆરીની રાતે ચોરાઈ હતી. આ પ્રકરણે બાઈકના માલિકે અંધેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપીઓની ઓળખ મેળવી હતી.
બાઈક ચોરવામાં સંડોવાયેલા યુવકો સાકીનાકાના સંઘર્ષનગર પરિસરમાં રહેતા હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસે ત્રણેયને તાબામાં લીધા હતા. પકડાયેલા આરોપીમાંથી એક કાર્તિક તો કૉલેેજ સ્ટુડન્ટ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આરોપીઓ માત્ર જોયરાઈડ માટે બાઈક ચોરતા હતા. તેમણે ચોરીની બાઈક વેચવાનો પ્રયાસ કર્યો હોવાનું અત્યાર સુધીની તપાસમાં જણાયું નથી. એ સિવાય આરોપીઓનો અગાઉ કોઈ ગુનાહિત રેકોર્ડ ન હોવાનું પોલીસનું કહેવું છે.
તપાસ દરમિયાન આરોપીઓએ ચોરેલી નવ બાઈક હસ્તગત કરવામાં આવી હતી. આરોપીઓ સ્પોર્ટ્સ બાઈક જ ચોરતા હતા. ભાંડુપમાંથી તેમણે 3.50 લાખ રૂપિયાની બાઈક ચોરી હતી, એવું તપાસમાં જણાયું હતું.