Thu Jan 29 2026

Logo

White Logo

પશ્ચિમ રેલવેના મુસાફરો માટે સારા સમાચાર: પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે આ ફેરફાર

10 hours ago
Author: Mumbai Samachar Team
Video

મુંબઈઃ પશ્ચિમ રેલવેના મુસાફરોની સુવિધા વધારવા અને ઉપનગરીય કનેક્ટિવિટી વધારવાના ઉદ્દેશ્ય સાથે પહેલી ફેબ્રુઆરીથી 4 વધારાની 12-કોચવાળી નોન-એસી ઉપનગરીય ટ્રેન સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ વધારાની સેવાઓ શરૂ થતા, પશ્ચિમ રેલવેના મુંબઈ ઉપનગરીય વિભાગ પર કુલ ઉપનગરીય સેવાઓની સંખ્યા 1406 થી વધીને 1410 થશે.

રેલવેની અખબારી યાદી અનુસાર કાંદિવલી-બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનનું કાર્ય પૂર્ણ થવાથી સેવામાં વધારો કરવાનું શક્ય બન્યું છે. છઠ્ઠી લાઇન શરૂ થયા પછી બોરીવલી અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે બાંદ્રા ટર્મિનસ તરફ જતી/આવતી બધી લાંબા અંતરની ટ્રેનોને પાંચમી અને છઠ્ઠી લાઇન પર ખસેડવામાં આવી છે, જેનાથી કાર્યક્ષમતામાં સુધારો થયો છે.

આ 04 નવી સેવાઓમાંથી, 02 સ્લો અપ દિશામાં અને 02 સ્લો ડાઉન લાઈન પર હશે. અપ દિશામાં એક ભાયંદરથી બાંદ્રા સુધીની હશે, જે સવારે 11:39 વાગ્યે ઉપડશે, જ્યારે બીજી સેવા ભાયંદરથી ચર્ચગેટ સુધીની હશે, જે બપોરે 12:14 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે, ડાઉન દિશામાં બાંદ્રા ટર્મિનસથી ભાયંદર સુધી 02 વધારાની સેવાઓ હશે, જે બાંદ્રા ટર્મિનસથી અનુક્રમે બપોરના 4.30 કલાકે અને 1.21 કલાકે ઉપડશે.

આ સેવાઓના ઉમેરાથી કેટલીક હાલની ઉપનગરીય સેવાઓના સમયમાં નાના ફેરફારો કરવામાં આવ્યા છે. મુસાફરોને વિનંતી છે કે તેઓ મુસાફરી કરતી વખતે આ ફેરફારો ધ્યાનમાં લે.