History of Greenland: ગ્રીનલેન્ડ બરફની ચાદરથી ઢંકાયેલો વિશ્વનો સૌથી મોટો ટાપુ છે. ગ્રીનલેન્ડ આર્કટિક સર્કલ પર હોવાથી વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો ટાપુ છે. બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકાની નજર આ ટાપુ પર રહી છે. તાજેતરના વર્ષોમાં તેના કુદરતી સંસાધનો અને સ્થાનને કારણે તેની માલિકીનો ફરી પ્રશ્ન ઊભો થયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પણ ગ્રીનલેન્ડ પર હુમલો કરીને કબજો જમાવવાની વાત કરી રહ્યા છે. જોકે, આ બધી ચર્ચા વચ્ચે ગ્રીનલેન્ડના મૂળ માલિકો કોણ હતા? એ વાત જ લગભગ ભૂલાઈ ગઈ છે, ત્યારે ચાલો જાણીએ કે ગ્રીનલેન્ડનો પહેલો માલિક કોણ હતો.
દસમી સદીમાં શોધાયું ગ્રીનલેન્ડ
ગ્રીનલેન્ડના ઈતિહાસમાં સૌથી મહત્વનું પાત્ર એરિક ધ રેડ છે. ઈ. સ. 982થી 985 દરમિયાન જ્યારે તેને આઈસલેન્ડથી દેશનિકાલ કરવામાં આવ્યો, ત્યારે તેણે પશ્ચિમમાં આ ટાપુ શોધી કાઢ્યો હતો. એરિકે આ ટાપુને 'ગ્રીનલેન્ડ' નામ આપ્યું હતું. જોકે, હકીકતમાં આ ટાપુ બરફ અને ખડકોથી ભરેલો હતો. વસાહતીઓને આકર્ષવા માટે તેણે આ 'ભ્રામક' નામનો ઉપયોગ કર્યો હતો, જે રણનીતિ સફળ રહી અને લોકો ત્યાં સ્થાયી થવા લાગ્યા હતા. એરિકનો પુત્ર, લીફ એરિક્સન, ગ્રીનલેન્ડથી પણ આગળ વધીને ન્યુફાઉન્ડલેન્ડ (કેનેડા) સુધી પહોંચનાર પ્રથમ યુરોપિયન મનાય છે.
વાઇકિંગ્સ આવ્યા તે પહેલાં પણ 4500 વર્ષ સુધી આર્કટિકના વિષમ હવામાનમાં એસ્કિમો (ઇનુઇટ) લોકો અહીં રહેતા હતા. તેઓ બરફ અને ઠંડા સમુદ્રી પાણીમાં અસ્તિત્વ ટકાવી રાખવાની કળામાં માહિર હતા. પંદરમી સદી સુધીમાં આબોહવા પરિવર્તનને કારણે વાઇકિંગ્સની વસાહતો અદૃશ્ય થઈ ગઈ અને આ ટાપુ ફરી અલગ થઈ ગયો હતો.

ગ્રીનલેન્ડ કેવી રીતે બન્યું ડેન્માર્કનો ભાગ
ગ્રીનલેન્ડ પર ડેન્માર્કનો આધુનિક દાવો 18મી સદીમાં શરૂ થયો. ઈ. સ. 1721માં ડેનિશ મિશનરી હાન્સ એગેડે એ આશામાં ગ્રીનલેન્ડની મુસાફરી કરી કે ત્યાં હજુ પણ જૂના વાઇકિંગ્સ રહેતા હશે. જોકે, તેને ત્યાં માત્ર ઇનુઇટ લોકો જ મળ્યા. એગેડેએ ત્યાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કર્યો અને નુયુક (Nuuk) શહેરની સ્થાપના કરી, જે આજે ગ્રીનલેન્ડની રાજધાની છે. આ મિશનથી ગ્રીનલેન્ડ સત્તાવાર રીતે ડેન્માર્ક સાથે જોડાયું હતું.

ઉલ્લેખનીય છે કે, આજે ગ્રીનલેન્ડ સત્તાવાર રીતે ડેનમાર્કનો ભાગ છે, પરંતુ તે કોઈ સામાન્ય પ્રાંત નથી. 1953માં તેને ડેનિશ સામ્રાજ્યમાં સામેલ કરાયા બાદ, ગ્રીનલેન્ડ ધીમે-ધીમે વધુ સ્વાયત્ત બનતું ગયું છે. હાલમાં તે એક સ્વાયત્ત અને સ્વ-શાસિત પ્રદેશ છે, જેની પાસે પોતાની સંસદ અને કાયદા છે. તે પોતાની આંતરિક બાબતોમાં સ્વતંત્ર છે, પરંતુ સંરક્ષણ અને વિદેશી બાબતો માટે હજુ પણ ડેન્માર્ક પર નિર્ભર છે.
બરફથી ઢંકાયેલો આ ટાપુ હવે માત્ર એક શાંત પ્રદેશ નથી રહ્યો. ગ્લોબલ વોર્મિંગને કારણે બરફ ઓગળતા અહીં છુપાયેલા ખનિજ સંસાધનો અને નવા વેપારી માર્ગો ખૂલી રહ્યા છે, જેના કારણે ભવિષ્યમાં ગ્રીનલેન્ડની માલિકી અને તેના પરનું વર્ચસ્વ ફરી એકવાર વૈશ્વિક રાજકીય મુખ્ય મુદ્દો બન્યો છે, જેના પર પહેલી નજર અમેરિકાની છે.