Tue Jan 27 2026

Logo

White Logo

અમદાવાદમાં બનેલી ખાંસી, કફ અને ફંગલ ઇન્ફેક્શનની 5 દવા ગુણવત્તા તપાસમાં નાપાસ, જુઓ લિસ્ટ

2 days ago
Author: MayurKumar Patel
Video

અમદાવાદઃ શહેરમાં બનેલી ખાંસી, કફ અને ફંગલ ઇન્ફેક્શનની 5 દવા ગુણવત્તા તપાસમાં નાપાસ થઈ હતી. કેન્દ્ર સરકારની દવા નિયમનકારી સંસ્થા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટમાં અમદાવાદની 5 સહિત દેશભરમાં કુલ 74 દવાને નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી (NSQ) જાહેર કરાઈ હતી.

1. ઇટ્રાઝિલ-200 કેપ્સ્યુલ (Itrazil-200)

બેચ નંબર: HA237

મુખ્ય ઉપયોગ: શરીરના ગંભીર ભાગોમાં લાગતા ફૂગના ચેપ (ફંગલ ઇન્ફેક્શન) ને મટાડવા માટે.

શક્ય આડઅસર: આ દવા લેવાથી એસિડિટી થઈ શકે, ઉબકા આવી શકે અથવા કેટલીકવાર આ દવા કોઈ અસર ન કરે તેવું પણ બની શકે.

2. રેસ્પિફ્રેશ-TR ખાંસી સિરપ (Respifresh-TR)

બેચ નંબર: R12GL2426

મુખ્ય ઉપયોગ: ખાંસી, કફ અને શ્વાસ લેવામાં પડતી તકલીફમાં રાહત મેળવવા માટે.

શક્ય આડઅસર: ગળામાં બળતરા થવી, ઉબકા કે ઊલટી જેવું લાગવું. અમુક લોકોને આનાથી એલર્જી પણ થઈ શકે છે.

3. ઇટ્રાકોનાઝોલ કેપ્સ્યુલ BP 200 mg (Itraconazole)

બેચ નંબર: R08GC2506A

મુખ્ય ઉપયોગ: ચામડી, નખ કે શરીરની અંદરના ભાગે થયેલા ફૂગના ચેપ (ફંગલ ઇન્ફેક્શન) માટે.

શક્ય આડઅસર: ચેપ પર ઓછી અસર થવી, પેટ કે માથામાં દુખાવો થવો. જો લાંબો સમય લેવામાં આવે તો લિવરને નુકસાન થવાની ભીતિ રહે છે.

4. લુલિકોનાઝોલ લોશન IP 1% (Luliconazole Lotion)

બેચ નંબર: R09GE2518B

મુખ્ય ઉપયોગ: દાદ-ખાજ-ખંજવાળ અને ચામડી પરના ફૂગના ચેપને દૂર કરવા માટે.

શક્ય આડઅસર: જે જગ્યાએ લોશન લગાવો ત્યાં બળતરા થવી, ચામડી લાલ થઈ જવી અથવા ખંજવાળ અને એલર્જી થવી.

5. રાઈલ્સ ટ્યુબ 12-FG (Ryle's Tube - મેડિકલ સાધન)

બેચ નંબર: BRT-002

મુખ્ય ઉપયોગ: ICUમાં દાખલ ગંભીર દર્દીઓને નાક વાટે ખોરાક કે દવા આપવા માટે વપરાતી નળી.

શક્ય જોખમ: આ ટ્યુબના ઉપયોગથી શરીરમાં ચેપ (ઇન્ફેક્શન) લાગી શકે છે, જેના કારણે તાવ આવવો કે અન્ય ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, લેબોરેટરી તપાસમાં નિર્ધારિત ગુણવત્તા ધોરણો પર ખરી ન ઉતરનારી દવાઓને એનએસક્યુ જાહેર કરાય છે. આવી દવાઓથી દર્દીને અસરકારક સારવાર મળતી નથી અને તેનાથી આડઅસરની સંભાવના રહે છે. દવા NSQ જાહેર થયા બાદ તેની જવાબદારી સીધી ઉત્પાદક કંપનીની રહે છે.