Tue Jan 27 2026

Logo

White Logo

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ સ્થાપત્યમાં આકારની સુંદરતા

3 days ago
Author: Mumbaisamachar Team
Video

હેમંત વાળા

એક પ્રાચીન પશ્ચિમી સિદ્ધાંત પ્રમાણે સ્થાપત્યમાં ત્રણ બાબતો અગત્યની હોય છે; સુંદરતા, ઉપયોગિતા અને મજબૂતાઈ. એમ નથી કે આ ત્રણેય બાબતો સમાનતાથી સ્થાપત્યને પ્રભાવિત કરે. ક્યારેક સુંદરતાનું મહત્ત્વ વધુ હોય તો ક્યારેક ઉપયોગિતાનું તો ક્યારેક મજબૂતાઈનું. સાંપ્રત સમયમાં સ્થાપત્યને નિર્ધારિત કરતી બાબતમાં પર્યાવરણ જેવી બાબતોનો પણ ઉમેરો થાય તે સ્વાભાવિક છે. 

સ્થાપત્યની સુંદરતા અર્થાત દૃશ્ય અનુભૂતિ તેમાં પ્રયોજાયેલ વિવિધ આકારની રચના તથા તેની પરસ્પરની ગોઠવણ, સમગ્ર રચનામાં વિશેષતા તથા પુનરાવર્તનથી ઊભરતી લય તથા સંતુલનની અનુભૂતિ, પ્રમાણમાપ, દળ અને અવકાશ તેમજ આકર્ષણ અને સૌમ્યતા વચ્ચેનું સમીકરણ, વાપરવામાં આવેલી સામગ્રીનો પ્રભાવ, સમગ્રતા અને વિગતીકરણ વચ્ચેનો સમન્વય, પ્રકાશ અને છાયાની રમત, પરિસ્થિતિ સાથેની સુસંગતતા તથા આખરી ઓપ સમાન કરાયેલ રંગરોગાન જેવી બાબતો પર આધાર રાખે.

સ્થાપત્યની સુંદરતા અર્થાત દેખાવ માટે એમ કહી શકાય કે અહીં આકારનું પ્રભુત્વ વધુ હોય છે. આકારથી જ સૌ પ્રથમ અર્થપૂર્ણ અભિવ્યક્તિ સ્થાપિત થાય છે. આમ પણ `ગેસ્ટાલ્ટ' સિદ્ધાંત મુજબ એમ કહી શકાય કે કોઈ પણ દૃશ્ય અનુભૂતિમાં આકાર સૌપ્રથમ અનુભવાય છે, અને તેની અસર પણ સચોટ હોય છે. 

`ફોર્મ ઇઝ ફંડામેન્ટલ'નાં સિદ્ધાંત પ્રમાણે કોઈ મકાનને જોતાં તેની ઉપયોગિતા, તેની સામગ્રી, તેમાં પ્રયોજાયેલ ટેકનિક, તેનું પ્રમાણમાપ, એ બધી બાબતો કરતાં તેના સંગઠિત આકારની સૌ પ્રથમ નોંધ લેવાતી હોય છે. મનોવિજ્ઞાન પ્રમાણે આકારથી જ અર્થ સમજાય અને પરિસ્થિતિ સાથે જે તે પ્રકારનું સમીકરણ સમજમાં આવે.

આકાર એટલે કોઈપણ વસ્તુનો બાહ્ય દેખાવ, તેનાં ઘટકોનું સંયોજિત સ્વરૂપ. તે ભૌમિતિક હોઈ શકે કે અભૌમિતિક, કુદરતી હોઈ શકે કે માનવ નિર્મિત, ચિકર હોઈ શકે કે તેનાથી વિપરીત, પ્રતીકાત્મક હોઈ શકે કે વ્યવહા, સંયોજિત હોઈ શકે કે એક સ્વયં-વિશેષ, આકસ્મિક હોઈ શકે કે પ્રયોજિત-પ્રત્યેક આકાર ચોક્કસ મનોવૈજ્ઞાનિક અસર છોડે. સ્થાપત્યમાં આ આકારની વિશાળતા અને તેનાથી સ્થાપિત થતાં પ્રભુત્વને કારણે વધુ સંવેદનશીલ રહેવું જરૂરી બને. 

એમ કહેવામાં અતિશયોક્તિ નથી કે આકારને કારણે જ કોઈ મકાનને તેની ઓળખ મળે છે, તેનાં પ્રત્યે દૃશ્ય-આકર્ષણ જાગે છે અને સૂક્ષ્મ ભાવે સંભવિત અર્થ સ્થાપિત થાય છે. સ્થાપત્યમાં મૂળભૂત અને પ્રાથમિક દૃશ્ય પ્રભાવ આકારથી જ નિર્ધારિત થાય છે. મજાની વાત એ છે કે સ્થાપત્યમાં આ આકાર દળ (માસ)નો પણ હોઈ શકે અને અવકાશ (સ્પેસ)નો પણ. એ પણ સમજવું જરૂરી છે કે સ્થાપત્યમાં આકારની અનુભૂતિમાં, મકાન સાથે જેમ જેમ સંલગ્નતા વધતી જાય તેમ તેમ તેમાં દ્રઢતા પણ આવી શકે અને બદલાવ પણ આવી શકે.

સ્થાપત્યમાં પરિસ્થિતિ સાથે સુમેળભર્યા અને સંતુલિત હોય તે પ્રકારનાં આકારની સ્વીકૃતિ સહજ બનતી હોય છે. વળી દરેક આકારની એક ભાવનાત્મક અસર પણ હોય છે, આ અસરની જરૂરિયાત મુજબ આકારની પસંદગી થાય. ગોળ કે સૌમ્ય વળાંકવાળા આકારથી શાંતિ અને હળવાશની અનુભૂતિ થઈ શકે, ચોરસ કે લંબચોરસ-ઘનાકાર સ્થિરતાનો ખ્યાલ આપે, ત્રિકોણાકાર દ્રઢતા અને ઊર્જાની વાત કરે તો અનિયમિત આકારથી નવી સંભાવનાઓની વાત થઈ શકે. 

પ્રાથમિક ભૌમિતિક આકાર પૂર્ણતા, શિસ્ત અને સ્પષ્ટતા દર્શાવે તો પ્રાકૃતિક આકારો જીવંતતાની વાત કરી જાય. સમમિતિય કે સંતુલિત આકાર સહજ સ્વીકાર્ય બને તો તેનાથી વિપરીત બાબત માનવીને ચોક્કસ દિશામાં વિચારતો કરે. આકાર એ માત્ર દેખાવનો વિષય નથી પરંતુ તેમાં ઘણી વ્યવહા, તકનીકી, સાંસ્કૃતિક અને માનસિક બાબતો સંકળાયેલી છે. આકારની પસંદગીમાં કેવાં પ્રકારની ભાવાત્મક રજૂઆત જરૂરી છે તે બાબત સૌથી મહત્ત્વની બની રહે. સ્વાભાવિક છે કે આની સાથે પ્રતીકાત્મક અનુભૂતિ જોડાયેલી હોય. 

તે ઉપરાંત આકારની પસંદગીમાં સાંસ્કૃતિક પરંપરા, ઉપયોગિતાનો પ્રકાર, પ્રાપ્ય સામગ્રી અને તકનીક, સ્થાનિક આબોહવા, સૌંદર્ય શાસ્ત્રનાં સિદ્ધાંતો, પ્રવર્તમાન સ્થાપત્ય શૈલી, સ્થપતિની પોતાની પસંદગી તથા ભવિષ્ય માટેનાં સૂચનો, જેવી બાબતો પણ ધ્યાનમાં રાખતી હોય છે. આટલી બાબતો પણ સ્થાપત્યમાં આકારની પસંદગી માટે અપાર સંભાવનાઓ ઊભી કરી દે છે. એક મંતવ્ય પ્રમાણે સ્થાપત્યમાં આકાર કરતા રંગનું મહત્ત્વ વધુ હોય છે. 

અહીં એ સમજવું જરૂરી છે કે આકાર એ મૂળભૂત ઓળખ આપે અને જ્યારે રંગ `આકર્ષણ' અને `પકડ'ને અસર કરી શકે. જો આકાર આત્મા હોય તો રંગ પ્રભાવ છે. મકાનના આકાર નિર્ધારણમાં ઉપયોગિતા, પરંપરાગત તથ્ય, સામગ્રી અને તકનીક, પ્રતિકાત્મક રજૂઆત, ભાવનાત્મક વિધાન ઉપરાંત જમીનનો પ્રકાર, આકાર, કદ તથા દિશા, જમીનનો ઢાળ, આસપાસની કુદરતી તેમજ માનવ નિર્મિત પરિસ્થિતિ, માળખાકીય રચના, આર્થિક પરિબળો તેમજ લાગુ પડતાં નિયમો પોતપોતાની ભૂમિકા ભજવતાં હોય છે. 

આકારથી યોગ્ય પ્રતીકાત્મક રજૂઆત અને ભાવનાત્મક સમીકરણની પ્રાપ્તિ ઉપરાંત મકાનની કાર્યક્ષમતા ઓછી ન થવી જોઈએ, મકાનમાં પ્રાકૃતિક પ્રકાશ અને હવાના પ્રવેશમાં બાધા ન ઊભી થવી જોઈએ, ભૂકંપ-પૂર જેવી કુદરતી આફત સામે ટકી રહેવા ઉપરાંત સામાન્ય સંજોગોમાં પણ મકાન સુરક્ષિત હોવું જોઈએ, વપરાશ સમયે ઊર્જાનો વ્યય ન થવો જોઈએ અને મકાનમાં એકંદરે વ્યક્તિને માનસિક શાંતિની અનુભૂતિ થવી જોઈએ. જરૂરી નથી કે આ બધી બાબતો સપ્રમાણસર ગોઠવાયેલી હોય. મકાનની ઉપયોગિતા અને મહત્ત્વ અનુસાર આમાંથી કેટલીક બાબતોને વધારે પ્રાધાન્ય આમ પણ અપાતું હોય છે.

સ્થાપત્યમાં એક ચર્ચા સદીઓથી ચાલી રહી છે; મકાનનો આકાર ઉપયોગિતા પ્રમાણેનો હોવો જોઈએ કે આકાર મુજબ મકાનની ઉપયોગિતા નિર્ધારિત થવી જોઈએ. જવાબ સહેલો છે. જે મકાનમાં ઉપયોગિતાનું મહત્ત્વ વધુ હોય તેમાં `ઉપયોગિતા'ને જ મહત્ત્વ મળવું જોઈએ અને જ્યાં ભાવનાત્મક તેમજ પ્રતિકાત્મક રજૂઆતનું મહત્ત્વ હોય ત્યાં સ્થાપત્ય નિર્ધારણની શરૂઆત `આકાર'થી થઈ શકે. ઔદ્યોગિક મકાનની રચના પૂર્વ-નિર્ધારિત આકારને આધારે ન થઈ શકે, અહીં તો કાર્યક્ષમતા અને ઉપયોગિતાનું જ અનુસરણ કરવું પડે. તેની અપેક્ષાએ જ્યારે સ્મારકની રચના કરવાની હોય ત્યારે આકારની પસંદગી શરૂઆતના તબક્કામાં જ થાય તે સ્વાભાવિક છે.

આધુનિક સ્થાપત્યમાં આકારની પસંદગી ઘણીવાર ઉગ્ર, તીક્ષ્ણ વિરોધાભાસ ઊભો કરે તેવી, આક્રમક તેમજ `આગંતુક' સમાન હોય છે. લોકોની નજરે ચડવા માટે આ જરૂરી છે. તેનાં ફાયદા પણ છે અને ગેરફાયદા પણ, પરંતુ એકંદરે એમ કહી શકાય કે જ્યાં સામગ્રી તથા તકનીક નવીન હોય, ઉપયોગિતાનો પ્રકાર પણ નાટકીય રીતે બદલાતો હોય, માનવી તેમજ સમાજની માનસિક સ્થિતિ પણ પ્રખરતાથી બદલાતી જતી હોય ત્યારે સ્થાપત્યમાં પ્રયોજાતા આકારમાં `ઉગ્ર' નવીનતાની આવશ્યકતા રહે.