Tue Jan 27 2026

Logo

White Logo

ભાત ભાત કે લોગઃ નાઝી નરસંહારની સ્મૃતિઓનું આલેખન પછી પેટ ભરીને પસ્તાવો

3 days ago
Author: Mumbaisamachar Team
Video

જ્વલંત નાયક

2021માં `નેટફ્લિક્સ' પર એક ડોક્યુમેન્ટરી રજૂ થઈ - Misha and the Wolves... આમ તો નાઝીઓએ યહૂદીઓ પર ગુજારેલા જુલ્મોને કેન્દ્રમાં રાખીને અઢળક સાહિત્ય સર્જન થયું છે, પણ ક્યારેક આવા સાહિત્ય ઉપરથી બીજું સાહિત્ય રચાય, જે પહેલાને ખોટું સાબિત કરે તો?

વિશ્વયુદ્ધોની ઘાતક અસરોની સાથે એક અન્ય પાસું પણ છે. આ પાસું એટલે સાહિત્યમાં પ્રદાન. પ્રથમ વિશ્વયુદ્ધ પછી મહાન કવિ, નિબંધકાર અને નાટ્યલેખક ટી. એસ. એલિયટે લખેલી The Waste Landની ગણના આજે ય અંગ્રેજી સાહિત્યની સૌથી પ્રભાવશાળી કવિતાઓમાં થાય છે. આ કવિતા મોડર્નિઝમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 

બીજા વિશ્વયુદ્ધમાં માણસજાતે નાઝીવાદ અને ફાસીઝમની વિચારધારાઓથી માંડીને હોલોકોસ્ટ અને અણુબોમ્બ સુધીનું ઘણું બધું જોઈ નાખ્યું. આ અનુભવોમાંથી પ્રખર સાહિત્યકૃતિઓ ન પ્રકટે તો જ નવાઈ. જ્યોર્જ ઓરવેલ અને આલ્બેર કામુ સહિતના સંખ્યાબંધ સર્જકોએ બીજા વિશ્વયુદ્ધ પશ્ચાત ઘણું સર્જન કર્યું. આ બધામાં સૌથી અલગ તરી આવતું નામ એટલે એન ફ્રેન્ક. આજે પણ દુનિયા આખીના વાચકો એન ફ્રેન્કની ડાયરી (The Diary of a Young Girl) હોંશે હોંશે વાંચે છે.

આ તો થઇ વિશ્વયુદ્ધોએ પ્રકટાવેલાં જેન્યુઈન સાવ વાસ્તવિક સાહિત્યની વાત, પણ આ સાહિત્યકૃતિઓની અસર એટલી ઘેરી હતી કે વિશ્વભરના ભાવકોએ એમને માથે ઉપાડી લીધી. બીજી તરફ કેટલાક લોકોએ આમાં ય વહેતી ગંગામાં હાથ ધોઈ લેવા જેવું કર્યું છે!

મિશા ડીફોન્સેકાની સ્મૃતિકથા

1997માં એક પુસ્તક પ્રકાશિત થયું- `Misha: A Mémoire of the Holocaust Years.' આ પુસ્તક લખેલું ડીફોન્સેકા નામની બેલ્જિયમની મહિલાએ. મિશા યહૂદી કુળની હતી. એટલે બીજા વિશ્વયુદ્ધ સમયે નાઝીઓથી બચવા માટે એણે ભાગવું પડ્યું. એ વખતે મિશાની ઉંમર હતી માત્ર છ-સાત વર્ષ. માતા-પિતા નાઝીઓના હાથે ઝડપાઈ ગયા અને અજાણી જગ્યાએ મોકલી દેવામાં આવ્યા. બિચારી બાળકી નોંધારી હાલતમાં મુકાઈ. નાનકડી મિશાએ જીવન ટકાવી રાખવા હવાતિયા માર્યા. સાથે જ માતા-પિતાને શોધવા માટે રખડપટ્ટી કરવા માંડી.

હવે પછીની મિશાની જે કથાનું પુસ્તકમાં વર્ણન છે એ અકલ્પનીય છે. માતા-પિતાની ખોજમાં ભટકતી મિશાએ યુરોપિયન પ્રદેશોમાં ત્રણેક હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડી નાખ્યો. ભય, ભૂખ અને કાતિલ ઠંડી સામે ઝઝૂમવાનું હતું. એક નાનકડી બાળા માટે જંગલ પ્રદેશોમાંથી હેમખેમ પસાર થવું અશક્ય ગણાય, પણ અહીં કુદરત જાણે મિશાને મદદ કરવા તૈયાર બેઠી હોય એમ જંગલી વઓના એક ઝૂંડ સાથે મિશાને દોસ્તી થઇ ગઈ. જ્યાં સુધી મિશા જંગલ વિસ્તારોમાંથી હેમખેમ બહાર ન નીકળી ત્યાં સુધી વઓનું એ ઝૂંડ બોડીગાર્ડ્સની માફક મિશાની સાથે રહ્યું...!

હજારો કિલોમીટર લાંબા માર્ગમાં જંગલ સિવાય બીજી ય અનેક તકલીફો આવી. નાનકડી મિશા બહાદુરીપૂર્વક બધાનો સામનો કરતી ગઈ. એક વાર એક જર્મન સૈનિક સામો ભેટી ગયો.એને ય બહાદુર મિશાએ ઠેકાણે પાડી દીધો!

માતા-પિતાને તો નાઝીઓએ પહેલેથી જ મારી નાખેલા, પણ યુદ્ધના અંત સાથે મિશાનો કપરો સમય પૂરો થયો. પછીનાં વર્ષોમાં જીવન ઠીક ઠીક ઠેકાણે પડ્યું. વર્ષો વીતી ગયા. વયસ્ક ઉંમરે પહોંચેલી મિશાને અચાનક વિચાર આવ્યો કે બાળપણમાં પોતે કરેલાં સાહસો અને સ્મૃતિઓને એક પુસ્તકનું સ્વરૂપ આપવામાં આવે તો કેવું? વિચાર પર અમલ થયો અને એક સરસ મજાની મેમોઇર-સ્મૃતિકથા લખાઈ ગઈ. લોકોને આ સ્મૃતિકથા એટલી બધી ગમી કે અનેક ભાષામાં એના રૂપાંતર થયાં. એટલું જ નહિ, 2007માં `Surviving with Wolves' નામથી ફ્રેન્ચ ભાષામાં એક ફિલ્મ પણ બની.

હવે સાચું કહેજો, વઓ સાથે જંગલમાં રહેવાની મિશાની કથા વાંચીને તમને જંગલબુકવાળા મોગલીની જાણીતી વાર્તા યાદ આવે છે ને? સદનસીબે મિશાની મેમોઇરના જે પ્રકાશક હતા એમને ય કદાચ મોગલીની કથા યાદ આવી ગઈ હશે એટલે એમણે આખી ઘટનાક્રમ વિશે મિશાને પ્રશ્નો પૂછવાના શરૂ કર્યા.

સ્મૃતિકથા કે ગપગોળા?

માત્ર પ્રકાશકને જ નહિ, પણ બીજા વિશ્વયુદ્ધ સાથે જોડાયેલી સત્યઘટનાઓનો અભ્યાસ કરનારા બીજા ઘણા સ્કોલર્સને લાગ્યું કે મિશા ડીફોન્સેકાએ લખેલી મેમોઇરમાં કશુંક ખૂટે છે. ઘણી જગ્યાએ વાતનો તાળો નથી મળતો. વિવાદ એવો વકર્યો કે આખી વાત કોર્ટ સુધી પહોંચી. આખરે 2008માં પોતાની વિરુદ્ધ મજબૂત પુરાવાઓ ભેગા થઇ ગયા હોવાનું સમજી ગયેલી મિશાએ કોર્ટમાં કબૂલાત કરી લીધી: `હા, મેં સ્મૃતિકથાને નામે નરી ગપ્પાબાજી કરી છે!'

હકીકતે મિશાનો પરિવાર યહૂદી જ નહોતો . એ લોકો તો કેથોલિક ક્રિશ્ચિયન હતા. પણ નાઝી સેનાએ બેલ્જિયમ કબજે કર્યું એ પછી નાઝીઓના વિરોધમાં ભૂગર્ભ પ્રવૃત્તિ કરતા જૂથમાં મિશાના પિતા પણ સામેલ હતા. નાઝીઓએ એમની ધરપકડ કરી. જેલમાં અમાનવીય અત્યાચારોથી બચવા માટે મિશાના પિતાએ પોતાના સાથીઓના નામ આપી દીધા. એ પછી મિશાનો પરિવાર સ્થાનિક બેલ્જિયમવાસીઓ માટે `ગદ્દાર' બની ગયો.

બાળપણમાં મિશાએ નાઝીઓથી નહિ પણ કપાળે ચોંટેલા ગદ્દારના લેબલથી બચવા દૂર સુધી ભાગવું પડ્યું. હા, એનો સંઘર્ષ સાચો હતો પણ એણે મેમોઇરમાં કલ્પનાઓના વધુ પડતા રંગ ઉમેરીને મોટી ભૂલ કરી. જંગલ અને વઓવાળી વાત સાવ કપોળકલ્પિત સાબિત થઇ. જર્મન સૈનિકને મારેલો એ ઘટના ય સાવ ખોટી હતી. મિશાએ રજૂ કરેલા બચાવ મુજબ કોઈ વાંકગુના વિના ગદ્દાર ઘોષિત થઇ જવાથી એનું બાળપણ બહુ પીડામય રહ્યું. એનો ટ્રોમા એટલો ભારે હતો કે બાળપણની સ્મૃતિ અને વાસ્તવિકતા વચ્ચે ઘણી ભેળસેળ થઇ ગઈ!


ખેર, સ્મૃતિકથાને નામે ગપગોળા હાંકવા બદલ કોર્ટે ઠેઠ 2014માં મિશાને 22.5 મિલિયન ડૉલર્સનો ધરખમ દંડ ફટકાર્યો. મિશાની આ કથા ઉપરથી વધુ એક ડોક્યુમેન્ટરી Misha and the Wolves  નામે બની, જે 2021માં રીલીઝ થઇ.
છેલ્લે એક પ્રશ્ન શું મિશાએ કાલ્પનિક ગપ્પાબાજીને બદલે પિતાનો પક્ષ રજૂ કરતી સાચેસાચી કથા આલેખી હોત તો લોકોએ એને વધાવી હોત?