Tue Jan 27 2026

Logo

White Logo

અરાઉન્ડ ધ વર્લ્ડઃ ડોટોનબોરીમાં દોડ્યાં રનિંગ મેનની પાછળ...

3 days ago
Author: Mumbaisamachar Team
Video

પ્રતીક્ષા થાનકી

છેલ્લાં થોડાં વર્ષોમાં જાપાન પ્રવાસની હાઇ ડિમાન્ડમાં સૌથી વધુ મારો ત્યાંનાં બિગ-થ્રી શહેરો એટલે કે ટોક્યો, ક્યોટો અને ઓસાકા પર જ છે. જાપાન જે રીતે આયોજન અને ડિસિપ્લિનમાં શાણું છે, તે જોતાં ત્યાંથી થોડી નવી ટૂરિઝમ સ્ટે્રટેજી આવી રહી છે. ખાસ તો આ ત્રણ શહેરોમાં ટૂરિસ્ટની ભીડ ઓછી કરવા અને બાકીનાં રાજ્યો અને શહેરોને ટૂરિઝમ બૂસ્ટ આપવા માટે હાકાઇડો, ઓકિનાવા, ક્યુશુ અને તોહુકુ જેવાં રિજન સુધી જવા માટે તો જાપાની ડોમેસ્ટિક એરલાઇન્સની કોમ્પ્લિમેન્ટ્રી ફ્લાઇટ આપવાની પણ વ્યવસ્થા થઈ છે. 

જો કે આમ કરવાનું ઇન્ટરનેશનલ ફ્લાઇટ બૂકિગ સાથે કરવું ફરજિયાત છે, જેમાં આ ખાસ રિજન જતી ડોમેસ્ટિક ફ્લાઇટની કોસ્ટ બાદ કરી દેવામાં આવે છે. અમારી મુલાકાત સુધી આ હજી શક્ય ન હતું. જોકે અમે આ બિગ-થ્રીની આસપાસનો શક્ય એટલો રિજન ખૂંદી વળવાનો પ્રયત્ન કરી ચૂક્યાં હતાં. હજી ફરી જાપાન આવવાનું લિસ્ટ પર તો છે જ. 

જાપાનમાં અત્યાર સુધીમાં અમે જેટલું જોયું અને કર્યું હતું તે સ્થળો પર હજી એટલું બધું બાકી પણ રહી ગયું હતું કે ક્યારેક ફરી આવવાનું થશે તો ખં જ. જાપાનીઝ શહેરોનાં માત્ર મોટાં અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનોમાં પણ ખાસ ટૂરિસ્ટ ગાઇડની જરૂર પડે તેવું હતું. ત્યાંનાં અમુક સ્ટેશનોમાંથી તો દિવસો સુધી બહાર આવ્યા વિના મજા કરી શકાય તેવું છે.  

જોકે તે સમયે તો અમાં ફોકસ એકદમ ઓસાકા પર જ હતું. અહીં હજી અમારા પ્લાનની થોડી પ્રવૃત્તિઓ બાકી હતી. અને મોટાભાગે કુમારની પ્લાનિંગવાળી એક્સેલ શીટને કારણે બધું સરખું પાર પડ્યું હતું. બાકી અહીંનાં બે-ત્રણ અઠવાડિયાંમાં એક વાત સ્પષ્ટ હતી, જાપાનમાં સ્પોન્ટેનિયસ રીતે રહેવું હોય તો ઘણો લાંબો સમય જોઈએ અથવા ગોથાં ખાતાં રહી જવાય. ઓસાકાનો અમે સ્પ્રિગ બોર્ડ તરીકે તો ઉપયોગ કરી જ લીધો હતો, પણ તેની પોતાની ઝાંકીઓ  જોવાની રહી જતી હતી. 

એવામાં ઓસાકાનો કાસલ, ડાટોનબોરી અને અમેરિકા મુરા જોવાનું રહી જતું હતું. તેમાંય ખાસ ડોટોનબોરીમાં ઓસાકાનું ખ્યાતનામ રનિંગ મેન બિલબોર્ડ છે તેને જોયા વિના તો પાછું કઈ રીતે જઈ શકાય? હીમેજી કાસલ જોયા પછી અમે કાસલ ફટિગ ન આવી જાય તે માટે થઈને પહેલાં ડોટોનબોરી પર પસંદગી ઉતારી. ઓસાકા કાસલ શક્ય હશે તો પછી ઊભાઊભ જઈ આવીશું. 

અને ડોટોનબોરી જવા માટે વીકેન્ડ આવી ગયો અને જાણે ખુદ જાપાનીઝ લોકો અને ટૂરિસ્ટનો મોટો મેળો લાગ્યો હોય તેવું અમને તે દિવસે ડાઉનટાઉનમાં દેખાયું. આમ તો ડોટોનબોરી રાત્રે જવા જેવું છે. જો સમય મળશે તો રાત્રે પાછાં આવીશું એ વિચાર સાથે પહેલાં તો રનિંગ મેન જોવા અમે દોડ્યાં. મોટાભાગે દુનિયામાં ક્યાંય પણ કોઈ મેટ્રો સ્ટેશનથી કોમન એરિયાથી બહાર નીકળો પછી લોકો પોતપોતાના રસ્તે જતાં દેખાય. ઓસાકામાં નામ્બા સ્ટેશનથી નીકળીને જ્યારે માનવીય સમુદ્ર બહાર નીકળ્યો, તો આખોય રેલો રનિંગ મેન બિલબોર્ડ જોવા જ આવ્યો હોય તેમ બધાં એ જ દિશામાં જઈ રહૃાાં હતાં. 

એક જ દિશામાં જતી ભીડ મોટાભાગે કોઈ મેચ કે કોન્સર્ટ હોય તો થાય, પણ ત્યાં પહોંચીને લાગ્યું કે ઓસાકામાં આવું રેગ્યુલરલી થતું હશે અને તે પણ માત્ર એક ચોક પર પહોંચવા માટે. અમારે ન જીપીએસ જોવાની જરૂર પડી, ન કોઈને રસ્તો પૂછવો પડ્યો. ભીડ જ અમને ડોટોનબોરીના સેન્ટરમાં લઈ આવી. અને મજાની વાત છે, અમે ભીડની સાથે આવ્યાં હતાં અને ત્યાં ઓલરેડી ભીડ મોજૂદ હતી. 

માણસો વિના રનિંગ મેનનો ફોટો પાડવાનું તે દિવસે તો શક્ય ન હતું. થોડી વાર માટે પણ તે બિલબોર્ડ ખાલી મળવાનો ચાન્સ ન હતો. તે ભીડમાં રનિંગ મેન પાસે ફોટો પડાવવાની લાઈન ક્યાંથી ચાલુ થતી હતી તે પણ ખબર ન પડી. અમે દૂરથી ફોટો પાડીને કામ ચલાવી લીધું. કોઈ ઇમારત કે પાર્ક કે ધાર્મિક દેવળ સ્થાન હોય તેમ આ ગ્લિકો રનિંગ મેન બિલબોર્ડ છેલ્લાં 90 વર્ષથી આમનું આમ ઊભું છે અને ઘણું લોકપ્રિય છે. 

ટેકનોલોજીમાં થતા ફેરફાર, સ્થાનિક ઇવેન્ટ વગેરે બતાવવા માટે તેમાં ફેરફારો થતા રહે છે, પણ બિલબોર્ડ ત્યાંનું ત્યાં જ છે અને તે માણસ આજે પણ દોડી જ રહૃાો છે. રનિંગ મેન ગ્લિકો કંપનીનું બિલબોર્ડ છે. માણસ ભલે દોડવાની કસરત કરી રહૃાો હોય, તે જે કંપનીની જાહેરાત કરી રહૃાો છે એ તો કેક, બિસ્કિટ અને આઇસક્રીમ બનાવે છે.
 
અત્યારે જુઓ તો આ કંપની અને તેની જાહેરાત સાથે રનિંગ મેનનાં પ્રતીક અને લોકપ્રિયતાને ખાસ લેવાદેવા નથી, પણ આ રનિંગ મેનનું ચિત્ર શા માટે પસંદ કરવામાં આવેલું તેની પાછળની વાત મજેદાર છે. તે સમયે જે પ્રકારનું ગ્લુકોઝ સ્વીટનર તેમની સ્વીટ્સમાં વપરાતું, તેનું એક બિસ્કિટ 300 મીટર દોડવા જેટલી એનર્જી આપે છે એવી વાત હતી. 

આમ જોવા જાઓ તો છેલ્લાં 90 વર્ષોમાં સ્વીટ્સ સાથેનો દુનિયાનો સંબંધ બદલાતો રહૃાો છે, પણ કસરતની જરૂરિયાત ત્યાંની ત્યાં જ છે. આજે સાવ અણધારી રીતે આ રનિંગ મેન ઓસાકા ના કિલ્લાથી માંડીને ત્યાંના સ્ટેશન પર, ક્યાંક દીવાલો પર પણ એમ જ જોવા મળી જાય છે. તેનાં મેગ્નેટ્સ, પોસ્ટકાર્ડ્સ અને ટી-શર્ટ્સ તો ખરાં જ. આપણે ત્યાં નીરમા ગર્લ કે પારલે-જીની બેબી કોઈ શહેરનું પ્રતીક બની જાય એવી વાત છે.

રનિંગ મેન ઉપરાંત ડોટોનબોરી મોલ્સ, કાફેઝ, એક સુંદર કેનાલ સાથે મજા કરાવી ગયું. અમે ઉમેડા સ્ટેશનથી નજીક રહેલાં કારણ કે અમારે ઓસાકા રહીને બીજાં ઘણાં આસપાસનાં ગામ પણ જવું હતું. બાકી કોઈ જો માત્ર ઓસાકા ફરવા આવ્યું હોય તો સીધું ડોટોનબોરી પર જ રહીને ત્યાં જ જલસા કરી શકે. હવે કિલ્લા તરફ જવાનો સમય હતો.