કામિની શ્રોફ
આપણું કાશ્મીર એટલે આપણું આંગણું અને ઘર આંગણામાં આળોટવાનો જે આનંદ અને સંતોષ મળે એ બીજે ક્યાંય ન મળે એ હકીકત છે. કિશોરાવસ્થામાં ધરતી પરના સ્વર્ગની ઉપમા ધરાવતા કાશ્મીરનો પ્રથમ પરિચય થયો `જંગલી' અને `કાશ્મીર કી કલી' નામની હિન્દી ફિલ્મોથી. શમ્મી કપૂરને બરફના પ્રદેશમાં નાયિકા સાથે મોજ કરતો જોવામાં મોજ પડી હતી. શાળા શિક્ષણ દરમિયાન અભ્યાસુ શિક્ષકને કારણે યુરોપના કાશ્મીર એવા સ્વિટ્ઝર્લેન્ડનો પરિચય થયો હતો. કાશ્મીરનો આનંદ માણ્યા પછી અનેક વર્ષો સુધી તો સ્વિટ્ઝર્લેન્ડ સિનેમા અને સુવેનિયર તેમ જ તસવીરો પૂરતું સીમિત રહ્યું હતું.
65 વર્ષની ઉંમરે યુરોપ પ્રવાસ કર્યો ત્યારે અમુક સમય સ્વિટ્ઝર્લેન્ડમાં વિતાવવા મળ્યો ત્યારે `ગોઈંગ સિક્સ્ટી બટ ફિલિંગ સિક્સ્ટીન'ની લાગણી સાથે `કણ કણમાં ભગવાન'ના જાપની જેમ `ક્ષણ ક્ષણમાં રોમાંચ અને રોમેન્સ'નો આનંદ લીધો. ભ્રમણ દરમિયાન ભવ્ય ધર્મ સ્થાનક, અદ્ભુત સ્મારક અને આલીશાન ઈમારત જોયા છે, માણ્યા છે, અભિભૂત સુધ્ધાં થવાયું છે, પણ પ્રકૃતિના ખોળામાં જે લિજ્જત આવી છે એ અતુલનીય છે.
વિશ્વમાં સ્વિટ્ઝર્લેન્ડ સહિત કુલ 44 દેશ લેન્ડલોક્ડ ક્નટ્રી છે. ચારે બાજુએથી જમીનથી ઘેરાયેલો અને સમુદ્રમાર્ગ સાથે સીધું જોડાણ ન ધરાવતો હોય એ દેશ લેન્ડલોક્ડ ક્નટ્રી (ગુજરાતીમાં ભુવેષ્ટિત) કહેવાય છે. આ પરિસ્થિતિ દેશને દરિયાઈ માર્ગે વેપાર કરવાથી વંચિત રાખતા એની પ્રતિકૂળ અસર અર્થતંત્ર પર પડતી હોય છે. જોકે, લેન્ડલોક્ડ ક્નટ્રી હોવા છતાં આર્થિક સમૃદ્ધિ ધરાવતા ગણ્યાગાંઠ્યા દેશમાં સ્વિટ્ઝર્લેન્ડનું સ્થાન છે. સ્વિટ્ઝર્લેન્ડમાં જોવાલાયક અને માણવાલાયક ઘણું છે. આજે આપણે એક એવા સ્થળની વાત કરીએ જે રમણીય છે, પણ સાથે સાથે એની આસપાસ હેરત પમાડતી અને સહેજ છળ કરતી કથા પણ જોડાયેલી છે.
માઉન્ટ ટિટલીસ અને ગ્લેશિયર કેવ: સ્વિટ્ઝર્લેન્ડની કેટલીક લાક્ષણિકતામાં જમીનથી 10 હજાર ફૂટની ઊંચાઈએ આવેલા માઉન્ટ ટિટલીસનું નામ અગ્રેસર ગણાય છે. અમે ગયા એ દિવસે બરફ વર્ષા થઈ રહી હોવાથી આનંદમાં ભરતી આવી. આટલી ઊંચાઈએ જવા માટે વિશેષ વ્યવસ્થા હતી. પહેલા કેબલ કારમાં એક ઊંચાઈ સુધી ગયા અને ત્યાંથી અમને રોટાયર તરીકે ઓળખાતી એક લિફ્ટ જેવી વ્યવસ્થામાં ઊંચાઈએ જવાનું હતું. કેબલ કારનું મોડર્ન સ્વરૂપ ગણાતી રોટાયર એટલે ગોળાકાર ફરતી કેબલ કાર.
સ્વિટ્ઝર્લેન્ડની આ રોટાયર વિશ્વની પ્રથમ રિવોલવિંગ કેબલ કાર છે. રોટાયરનો પ્રવાસ પાંચ મિનિટનો હતો પણ એ પાંચ મિનિટની 300 સેક્નડની પ્રત્યેક સેક્નડ હૈયાસરસી જડાઈ ગઈ. એક તરફ સ્નોફોલને કારણે બરફ આચ્છાદિત પર્વતો અને બીજી તરફ ચુનીલાલ મડિયાની `લીલુડી ધરતી'નું સ્મરણ તાજું કરાવે એવી હરિયાળી જોઈ દિલ દિમાગ તરબતર થઈ ગયા. થોડામાં ઝાઝું કોને કહેવાય એનો એહસાસ થયો.
રોટાયરનો રોમાંચ અનુભવ્યા પછી એક લિફ્ટમાં બેસી પહોંચ્યા માઉન્ટ ટિટલીસ પર. બોર્ડ પર પર લખ્યું હતું કે `માઉન્ટ ટિટલીસ, સ્વિટ્ઝર્લેન્ડ 3020 મીટર, 10000 ફૂટ.' બરફ પડી રહ્યો હતો અને માઈનસ 11 ડિગ્રી સેન્ટિગ્રેડની ઠંડીમાં યુવાનીનું સ્મરણ થઇ આવ્યું હોય એમ અમે ગરમ મોજાવાળી હથેળીમાં બરફ ઠૂંસીને એકબીજા પર ફેંકવાનું શરૂ કરી દીધું. ટિટલીસમાં મોજ કરી પહોંચ્યા આઇસ કેવ અથવા ગ્લેશિયર કેવમાં.
આ ગુફામાં ચાલવાનો અનુભવ આહલાદક રહ્યો અને પ્રકૃતિ કેવી જાદુગર છે એનો પણ ખ્યાલ આવ્યો. ગુફાની અંદરની અલૌકિક લાગતી બ્લુ લાઈટ, થીજેલા મ્યુઝિયમનો એહસાસ કરાવતા બરફના શિલ્પ અને ગાત્રો થીજી જાય એવી ઠંડીમાં 150 મીટર લાંબી ગુફાની યાત્રા અવિસ્મરણીય રહી.
માઉન્ટ ટિટલીસ પર યશરાજની ફિલ્મ `દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'નો શાહરુખ-કાજોલનો કટ આઉટ રાખવામાં આવ્યો છે. અહીં આ ફિલ્મનું શૂટિગ થયું છે એવું માની સહેલાણીઓ ફોટા પડાવતા હતા. અમે પણ પડાવ્યા. જોકે, હકીકત એ છે કે ટિટલીસમાં શૂટિગ થયું જ નથી. એ તો યુફાઉ નામની જગ્યાએ થયું હતું. આ એક છળ હતું, પણ ઘણી વાર છેતરાઈ જવામાંય મજા હોય છે.
એંગલબર્ગ: એંગલબર્ગ પર્વતમાં વસેલું સ્વિટ્ઝર્લેન્ડનું નાનકડું ગામ છે. માઉન્ટ ટિટલીસ અહીંથી જવાતું હોવાથી સહેલાણીઓમાં જાણીતું બન્યું છે. માઉન્ટ ટિટલીસ ઉપરાંત એંગલબર્ગ 900 વર્ષ પુરાણી મોનેસ્ટરી (બૌદ્ધ મઠ અથવા આશ્રમ જેવા સ્થાનક) માટે પણ પ્રખ્યાત છે. આ મોનેસ્ટ્રીના પરિસરમાં જ એક ચીઝ ફેક્ટરી આવેલી છે. સ્વિટ્ઝર્લેન્ડની આ એકમાત્ર ફેક્ટરી છે જ્યાં હાથેથી ચીઝ કેવી રીતે તૈયાર થાય છે એ નરી આંખે જોવાનો લ્હાવો મળે છે.
આ મોનેસ્ટ્રી પાછળ એક એવી કથા જોડાયેલી છે કે એક સંત મોનેસ્ટ્રી બાંધવા એકાંત અને પવિત્ર સ્થાનની તલાશમાં હતા. દેવદૂતોએ પાઠવેલો એક બળદ રહસ્યમય રીતે પ્રગટ થયો અને સંત એની પાછળ પાછળ ચાલવા લાગ્યા. અમુક અંતર કાપ્યા પછી બળદ અટકી ગયો, જમીન પર બેસી ગયો અને આગળ વધવા તૈયાર નહોતો. જાણે કે આ સ્થળ પવિત્ર છે એવો ઈશારો ન કરતો હોય. પછી એ સંતે ત્યાં ધર્મસ્થાનક બાંધ્યું જે આજે પણ અડીખમ ઊભું છે અને ધર્મસ્થળ ઉપરાંત ટુરિસ્ટ પ્લેસ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે. કાલ્પનિક કથાઓ ફક્ત આપણા દેશમાં જ આકાર લે છે એવું નથી.
બરફ આચ્છાદિત પહાડો, હરિયાળી ધરતી અને સ્કીઈંગ ઉપરાંત એંગલબર્ગ શાંતિપ્રિય સ્થળ તરીકે પણ જાણીતું છે. કેટલાક સહેલાણીઓ લટાર મારવા નીકળી રહ્યા હતા ત્યારે હોટેલના રિસેપ્શનીસ્ટે એક ખાસ સૂચના આપી કે અહીંના લોકો શાંતિપ્રિય છે અને સહેજ પણ મોટેથી બોલવાનો અવાજ કે ઘોંઘાટ માટે નફરત ધરાવે છે. રસ્તા પર ચાલતી વખતે દબાયેલા અવાજમાં વાત કરજો, મોબાઈલ તો વાપરતા જ નહીં. અમાં કુતૂહલ જોઈ એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે 1990 સુધી આખા ગામમાં રાતે પિન ડ્રોપ સાયલન્સ જ જોવા મળતી.
અતિશયોક્તિ લાગે અને ગળે પણ ન ઊતરે એવી વાત એ હતી કે જો કોઈ વ્યક્તિને રાતના ટોયલેટ જવું પડ્યું હોય તો એ વ્યક્તિ ફ્લશ કરવાનું ટાળતી. ફ્લશના અવાજથી પરેશાન કોઈ પડોસી પોલીસમાં ફરિયાદ કરશે એ ભય તેને સતાવતો. અલબત્ત આ વાતમાં અતિશયોક્તિ હોઈ શકે છે, પણ અવાજ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવતી અને પોલીસ પગલાં પણ લેતી એ જાણકારી અન્ય વ્યક્તિ પાસેથી પણ મળી ત્યારે ઐસા ભી હોતા હૈનો વધુ એક પરચો થયો. હવે વીસમી સદીમાં એંગલબર્ગના લોકો શાંતિના આગ્રહી તો છે, પણ ફ્લશના અવાજની હવે કોઈ ફરિયાદ નથી કરતું એ જાણકારી પણ આપવામાં આવી. જોકે, આજના માનવીને આંતરિક શાંતિની પણ એટલી જ તલાશ છે.