ગાંધીનગરઃ ગુજરાત કેબિનેટની આજે મહત્ત્વની બેઠક મળી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કૃષિ રાહત પેકેજની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ આ અંગે વિગત આપતાં પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કૃષિ રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં ૩૨ લાખથી વધુ ખેડૂતોના કુલ રૂ. ૯,૫૧૬ કરોડના ઓનલાઇન બિલો તૈયાર કરવામાં આવ્યા છે, જે પૈકી આજની સ્થિતિએ કુલ ૩૨.૪૯ લાખ ખેડૂતોને કુલ રૂ. ૯,૪૬૬ કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે.
ઓનલાઈન બિલ તૈયાર કરાયા
તેમણે કહ્યું કે, ઓક્ટોબર ૨૦૨૫માં થયેલા કમોસમી વરસાદ સંદર્ભે ૩૩ જિલ્લાઓમાંથી ૩૦,૦૬,૮૬૫ લાભાર્થીના રૂ. ૮,૬૧૦ કરોડના ઓનલાઈન બિલ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં આજની સ્થિતિએ ૨૯,૯૩,૬૮૯ ખેડૂતોને કુલ રૂ. ૮,૫૭૧ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. પ્રવક્તા પ્રધાને કહ્યું હતું કે, સપ્ટેમ્બર ૨૦૨૫માં થયેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત પાંચ જિલ્લાઓમાંથી ૨,૩૪,૩૮૬ લાભાર્થીના કુલ રૂ. ૭૯૨ કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં આજની સ્થિતિએ ૨,૩૩,૭૭૭ ખેડૂતોને કુલ રૂ. ૭૯૧.૧૯ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
જમીન સુધારણાની કેટલી અરજી મળી
જમીન સુધારણા અંગે માહિતી આપતાં જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, આ અંગે કુલ ૪૧,૭૭૭ ખેડૂતોની અરજી મળી હતી. જેમાંથી ૩૪,૬૧૫ લાભાર્થીઓના રૂ. ૧૧૩.૦૧ કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરાયા છે. મંજૂર કરેલા કુલ ૩૧,૯૫૮ ખેડૂતોને કુલ રૂ. ૧૦૪.૩૭ કરોડની સહાયની ચૂકવણી કરવામાં આવી હતી.