Tue Jan 27 2026

Logo

White Logo

અંજારમાં 88 મતદારોના નામ કમી કરવાના બોગસ ફોર્મથી આવ્યો રાજકીય ગરમાવો

6 days ago
Author: Mayur Kumar
Video

બુથ લેવલ ઓફિસરે પ્રાંત અધિકારી સમક્ષ લેખિત ફરિયાદ કરી 

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ  કચ્છના ઐતિહાસિક અંજાર શહેરમાં ચાલી રહેલા મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ગેરરીતિ આચરવામાં આવી હોવા અંગે શહેરના ભાગ નંબર ૨૫૩ના બૂથ લેવલ ઓફિસર મેહુલકુમાર રમેશચંદ્ર દવે દ્વારા પ્રાંત અધિકારીને એક લેખિત ફરિયાદ કરવામાં આવતાં ભારે ચકચાર મચી હતી.

બીએલઓએ શું કરી ફરિયાદ

બીએલઓએ આ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મતદાર યાદીને દૂષિત કરવાના પ્રયાસ અર્થે કેટલાક અસામાજિક શખ્સો દ્વારા અંજાર ભાગ નંબર ૨૫૩ના ૮૮ જેટલા મતદારોના નામ કમી કરવા માટેના વાંધા અરજી ફોર્મ નંબર સાત બારોબાર પ્રાંત કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યા છે.
આ તમામ ફોર્મની ચકાસણી કરતા માલૂમ પડ્યું છે કે જે મતદારોના નામ કમી કરવા માટે અરજી કરાઈ છે તેઓ તે જ વિસ્તારના કાયમી અને વર્તમાન રહેવાસીઓ છે. નવાઈ પમાડે તેવી બાબત એ છે કે વાંધા અરજી કરનારા એક પણ અરજદાર તે વિસ્તારના રહેવાસી નથી. આ સમગ્ર પ્રકરણમાં તપાસ કરતા અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. 

કુલ ૮૮ ફોર્મ પૈકી આઠ અરજદારોના નામે ૧૦-૧૦ ફોર્મ અને એક જ અરજદારના નામે ૮ ફોર્મ ભરીને રજૂ કરવામાં આવ્યા છે. આ ફોર્મ સાથે જોડવામાં આવેલા ચૂંટણી કાર્ડ નંબર અને મોબાઈલ નંબરની ઓનલાઈન ચકાસણી કરતા મોટાભાગના નંબરો ખોટા અથવા અસ્તિત્વમાં ન હોવાનું જણાયું છે. ઘણા ફોર્મમાં મોબાઈલ નંબર નવ આંકડાના છે તો ચૂંટણી કાર્ડના નંબરમાં પણ ભૂલો જોવા મળી છે. આ ઉપરાંત નિયમ મુજબ આ ફોર્મ બીએલઓને આપવાને બદલે સીધા કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યા હતા, જે આ સમગ્ર પ્રક્રિયા પાછળ કોઈ મોટા ષડયંત્રની આશંકા જન્માવે છે. આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને મતદારયાદી સાથે છેડછાડ કરવાનો આ કારસો હોવાનું બીએલઓએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે.

બીએલઓ મેહુલકુમાર દવેએ આ બાબતે કડક પગલાં લેવાની માંગ કરતા જણાવ્યું હતું કે, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૦ની કલમ ૩૧ હેઠળ ખોટા એકરાર કરવા બદલ એક વર્ષની સજા અથવા દંડની જોગવાઈ છે. વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરી સરકારી દસ્તાવેજોનો દુરુપયોગ કરનારા આવા રાજકીય ઓથા હેઠળ ફાવી ગયેલા અસામાજિક તત્વો વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 

આ રજૂઆતની નકલ અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર, કચ્છના જિલ્લા સમાહર્તા અને મુખ્યમંત્રી પોર્ટલ પર પણ મોકલવામાં આવી છે. 
વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ઉઠાવેલા 'વોટ ચોરી'ના ગંભીર આક્ષેપો વચ્ચે લોકશાહીના આધાર સમી ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે સવાલ ઉઠાવતી આ ઘટનાને પગલે કચ્છમાં ભારે ચર્ચા જાગી છે.