મનન - હેમંત વાળા
શાસ્ત્રોમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ‘મનસા - વાચા - કર્મણા’ના સિદ્ધાંત અનુસાર પાપ મન, વચન અને કર્મ, એ ત્રણ માધ્યમથી થઈ શકે. માનસિક પાપ એટલે મન દ્વારા કરાતાં પાપની સૂચિમાં કોઈ દૂષિત વિચાર, અસત્ય કથન, કાલ્પનિક વ્યભિચાર, કોઈની માટે મનમાં સ્થાપિત થયેલ દ્વેષ, સૂક્ષ્મ હિંસા, અહંકાર, ક્રોધ-ગ્રસ્ત થઈ અન્યને હાનિ કે દુ:ખ પહોંચાડવાની ભાવના જેવી બાબતોનો સમાવેશ થાય. આ કોઈ શારીરિક ક્રિયા નથી પરંતુ મનની અંદર ઉદ્ભવતી દુષ્ટ ભાવના છે. વચન દ્વારા કરાતું પાપ એટલે અસત્ય તથા કટુવાણી ઉપરાંત વાણીના માધ્યમથી જે કંઈ કુકર્મ કરવામાં આવે તે બધી જ બાબતો.
અહીં કોઈનું અપમાન હોઈ શકે, કપટ કે પ્રપંચ હોઈ શકે, સ્વાર્થ સાધવાનો પ્રયત્ન હોઈ શકે, અયોગ્ય અને ખોટું અર્થઘટન હોઈ શકે કે અજ્ઞાન અને અવિદ્યાનો પ્રસાર હોઈ શકે. કર્મ એટલે કે કાર્ય આધારિત પાપ જે શરીર દ્વારા આચરવામાં આવે. આ પાપ વધુ ઉગ્રતાથી પ્રતીત થાય. કર્મ કે શરીર આધારિત પાપમાં હિંસા જેવી શારીરિક ક્રિયાનો સમાવેશ થાય. પાપ એટલે જ પતનની શરૂઆત, પરંતુ એમ કહેવામાં આવે છે કે માનસિક પાપથી વ્યક્તિનું મન, બુદ્ધિ, ચિત્ત અને સંસ્કારના સ્તરે અધ:પતન થતું હોય છે.
શાસ્ત્રમાં માનસિક પાપના પણ મુખ્યત્વે ત્રણ પ્રકાર માનવામાં આવ્યા છે; કામ, ક્રોધ અને મોહ. કામમાં અશુદ્ધ કામના, અયોગ્ય લાલસા કે લાલચ, અનૈતિક વાસના, અવાસ્તવિક મહેચ્છા તથા અન્યના હિતને હડપ કરી લેવાની કે તેનું શોષણ કરવાની ઈચ્છા જેવી બાબતોનો સમાવેશ થાય. ક્રોધ એટલે ઈચ્છિત પરિણામ કે ઇચ્છિત પરિસ્થિતિ સ્થાપિત ન થતા ઉદ્ભવતો હિંસક ભાવ, દ્વેષ કે બદલો લેવાની ઈચ્છા તથા વિવેક તેમજ સંયમથી વિપરીત સ્થિતિ કહી શકાય. મોહ એટલે રાગ આધારિત સ્થાપિત થતો પક્ષપાત. અહીં કહેવાતો પ્રેમ અનિચ્છનીય માત્રા સુધી, અયોગ્ય હેતુસર, વ્યક્તિગત કામના સિદ્ધ કરવા માટે, વાસ્તવિકતાની જાણકારી હોવા છતાં, વધી જાય. આ પ્રેમ જ મોહનું સ્વરૂપ ધારણ કરી દે. જ્યાં ‘હું’ અને ‘મારું’નો પ્રભાવ હોય ત્યાં મોહની સાથે અહંકાર સંકળાય. શાસ્ત્રો અનુસાર આ માનસિક પાપના મૂળમાં ત્રણ બાબતો હોય છે, આત્માના પ્રકાશને આવરણથી ઢાંકી દેતી અવિદ્યા, ભૂતકાળમાં સ્થાપિત થયેલ દુષ્ટ સંસ્કાર તથા ઇન્દ્રિયો પ્રત્યે ચિત્તની ચપળતા.
માનસિક પાપની પ્રક્રિયા વિશે ઉલ્લેખ કરતા ગીતામાં એક અદ્ભુત વાત કહેવામાં આવી છે. અહીં જણાવાયું છે કે ‘જ્યારે મનુષ્ય વિષયો - ઇચ્છાઓ પર તીવ્રતાથી ધ્યાન કેન્દ્રિત કરે ત્યારે તે વિષયમાં આસક્તિ થાય. આસક્તિમાંથી કામના જાગે અને કામમાંથી ક્રોધ, ક્રોધથી મોહ, મોહથી સ્મૃતિભ્રમ, સ્મૃતિભ્રમથી બુદ્ધિનો નાશ થાય. જ્યારે બુદ્ધિનો નાશ થાય ત્યારે વ્યક્તિનું પતન થાય’. અહીં વિષયોનાં ચિંતનને માનસિક પાપનું મૂળ જણાવ્યું છે તેમ કહી શકાય, અર્થાત, માનસિક પાપની શરૂઆત મનના અયોગ્ય વિચારોથી થાય. સંયમ અને મનોનિગ્રહથી તેનું નિયંત્રણ શક્ય છે, આ માટે ભક્તિ - યોગ - સાધના - જ્ઞાનપ્રાપ્તિ જેવા સાધનો ઉપયોગી થઈ શકે અને આ સમગ્ર પ્રક્રિયાથી મન નિર્વિકલ્પ બને ત્યારે આત્મજ્ઞાન એટલે કે મોક્ષનો માર્ગ પ્રશસ્ત થાય. ઇન્દ્રિયોને સંયમમાં રાખી, મનને નિયંત્રિત કરી, વિવેક આધારિત વ્યવહાર કરવાથી માનસિક પાપ અટકી શકે. સંપૂર્ણ જ્ઞાન અને સભાનતા સાથે પ્રત્યે વિચાર, પ્રત્યેક ભાવ અને પ્રત્યેક કર્મ ઈશ્વરને સમર્પિત કરવાથી પણ માનસિક પાપથી મુક્તિ મળી શકે. યોગસૂત્ર પ્રમાણે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ જેવા યમનું પાલન, માનસિક પાપ નિવારણનું પ્રથમ ડગલું બની શકે. એમ પણ કહી શકાય કે માનસિક પાપનું મૂળ ‘અજ્ઞાન’ છે.
એકંદરે એમ કહી શકાય કે માનસિક પાપમાં કોઈ વ્યક્તિ માટે દુર્ભાવના, દ્વેષ, રોષ, ઈર્ષા, લાલચ, બદલો કે અહંકારનો ભાવ, અન્યને નુકસાન પહોંચાડવાની કે અપમાનિત કરવાની ઈચ્છા જેવી બાબતોનો સમાવેશ થતો હોય છે. ભલે બાહ્ય સ્વરૂપે આ ક્રિયા પ્રગટ ન થાય તો પણ તેની નકારાત્મક અસર તો રહેવાની. એમ કહી શકાય કે માનસિક પાપ દ્વારા, વાણી તથા શારીરિક પાપ માટેનું બીજ વવાય. માનસિક પાપની સરખામણીમાં સૂક્ષ્મ પાપ ચેતનાના અત્યંત નાજુક સ્તરે થતી પાશવી ઘટના છે. ક્યારેક તો અહીં સીધી ઈચ્છા પણ ન હોય, છતાં પણ અજ્ઞાન, અહંકાર, અસાવધાનતા, અયોગ્ય ઉદાસીનતા, અસંવેદનશીલતા કે વૈચારિક નિયંત્રણના અભાવને કારણે સૂક્ષ્મ પાપ થતું હોય છે. ક્યારેક કુદ્રષ્ટિની ગણતરી પણ સૂક્ષ્મ પાપમાં થઈ શકે.
માનસિક પાપ મનના સ્તરે રહે અને તેની સાથે ક્યાં ઈચ્છા જોડાયેલી હોય જ્યારે સૂક્ષ્મ પાપ અહંકારના સ્તરે રહે અને ક્યારેક તો તેના અસ્તિત્વની જાણ પણ ન હોય. માનસિક પાપ સ્પષ્ટ રીતે જાણી શકાય જ્યારે સૂક્ષ્મ પાપ અદ્રશ્ય અને ગુહ્ય રહે. સૂક્ષ્મ પાપનું કારણ અતિ નાજુક સ્તરનું અશુદ્ધ તથા અસંયમિત ચેતન છે, જેમાં અહંકાર, અજ્ઞાન અથવા સૂક્ષ્મ સ્વાર્થ હજી શેષ રહે છે. અહીં વ્યક્તિ બાહ્ય રીતે શુદ્ધ લાગે, પરંતુ અંદર હજી ‘હું’, ‘મારું’, ‘મારા દ્વારા’નો અહંકાર કાર્યરત હોય.
શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે મન પતનનું કારણ પણ બની શકે અને ઉદ્ધારનો આધાર પણ બની શકે. અશુદ્ધ મન દ્વારા જે પ્રક્રિયા થાય તે માનસિક પાપમાં પરિણમે જ્યારે શુદ્ધ મન માનવીને ઉચ્ચ સ્તરે લઈ જઈ શકે. શારીરિક સ્તરે કરેલું કામ તો જોઈ શકાય પરંતુ માનસિક કરેલું પાપ ભાગ્યે જ અન્યના ધ્યાનમાં આવે.
શારીરિક પાપની તો સમાજ સજા પણ આપે પરંતુ માનસિક પાપ દરેક પ્રકારની સજાથી મુક્ત રહે, અને તેથી માનસિક પાપનો વ્યાપ અકલ્પનીય માત્ર સુધી વિસ્તરેલો હોય અને તેની સૂક્ષ્મ પ્રખરતા પણ વધુ હોય.