(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાન્દ્રા (પૂર્વ)કોર્ટ, બીકેસી, મ્હાડાને અને જિલ્લા કલેકટરની ઓફિસને જોડતા નવા સ્કાયવૉકનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને બહુ જલદી તે મુંબઈગરા માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે. પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ તાજેતરમાં આ સ્કાયવૉકનું ઈન્સ્પેકશન કર્યું હતું અને તેને ટૂંક સમયમાં જાહેર ઉપયોગ માટે શરૂ કરવામાં આવશે એવુ કહ્યું હતું.
બાન્દ્રા રેલવે સ્ટેશન (પૂર્વ)થી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કલાનગર જંકશન સુધીનો નવો સ્કાયવૉક ૬૮૦ મીટર લાંબો છે અને તેની સરેરાશ પહોળાઈ ૫.૪૦ મીટરની છે. વિવિધ સ્થળની રાહદારીઓ તેના પર પ્રવેશ કરી શકે તે માટે ચાર સીડીઓ બનાવી છે. તેમ જ બે જગ્યાએ એસ્કેલેટર પણ બેસાડવામાં આવ્યા છે. પ્રવાસીઓની સુરક્ષા માટે ૧૪ સીસીટીવી કેમેરા બેસાડવામાં આવ્યા છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભારે ટ્રાફિક અને અનંત કાનેકર રોડ પર સતત રાહદારીઓની અવરજવરને કારણે બાંધકામ મોડી રાત બાદ મર્યાદિત સમયમાં કરવામાં આવતું હતું. યુટિલિટી લાઈન રિલોકેશન જેવા પડકારો હોવા છતાં પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થયો હતો, જે સિવિલ એન્જિનિયરિંગના દૃષ્ટિકોણથી પડકારજનક રહ્યું હતું.

પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું કે આ સ્કાયવૉક બાન્દ્રા રેલવે સ્ટેશન પૂર્વ, મ્હાડા ઓફિસ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, બાન્દ્રા કોર્ટ અને બાન્દ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સમાં આવેલી ઓફિસો વચ્ચે મુસાફરી કરતા રાહદારીઓ માટે ફાયદાકાર સાબિત થશે. રેલવે ફૂટ ઓવર બ્રિજ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર સલામત ક્રોસિંગ સાથે તેનું સીધું જોડાણ ઉપયોગી સાબિત થશે, જેનાથી અનંત કાનેકર રોડ પર ભીડ ઓછી થશે. નવા બનેલા સ્કાયવૉકને રેલવે વિભાગ તરફથી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી માટે સર્ટિફિેકટ, સેફટી સર્ટિફિકેટ અને નો-ઓબ્જેકશન સર્ટિફિકેટ મળી ગયું છે.
જૂન ૨૦૦૮માં બાંધવામાં આવેલા અને બાન્દ્રા સ્ટેશનથી કલાનગર સુધી ૧.૩ કિલોમીટર સુધી ફેલાયેલો અગાઉનો બાન્દ્રા પૂર્વ સ્કાયવૉક - ૨૦૨૧માં બીકેસીને જોડતો ૭૧૪ મીટર લાંબા કલાનગર ફ્લાયઓવર આર્મા માટે રસ્તો બનાવવા માટે તોડી પાડવામાં આવ્યો હતો. આ ફ્લાયઓવર બીકેસી તરફ જતા વાહનચાલકો માટે કલાનગર સિગ્નલ પર ભીડ ઓછી કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો હતો.