મુંબઈઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ બાળ ઠાકરેની જન્મશતાબ્દી નિમિત્તે 'સામના'માં એક વિશેષ લેખ લખીને શ્રદ્ધાંજલિ અર્પી છે. રાજ ઠાકરેએ કહ્યું છે કે પાર્ટી છોડ્યા પછી શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેને નિયમિત ન મળી શકવું એ પાર્ટી છોડવા કરતાં વધુ પીડાદાયક હતું, રાજ ઠાકરેએ તેમના સ્વર્ગસ્થ કાકાને તેમની પાછળ ઉભેલા પર્વત તરીકે વર્ણવ્યા.સેનાના વડાની શતાબ્દી નિમિત્તે શિવસેના (યુબીટી)ના મુખપત્ર 'સામના'માં શ્રદ્ધાંજલિ આપતા રાજે તેમના કાકા સાથેના તેમના સંબંધને યાદ કર્યો, અને નોંધ્યું કે પરિવારનું ઘર 'માતોશ્રી' છોડવાનું વ્યક્તિગત નુકસાન ૨૦૦૫ માં શિવસેના છોડવા કરતાં વધુ હતું.
રાજ ઠાકરેએ લખ્યું હતું કે ૧૯૯૧માં જ્યારે તેઓ અવિભાજિત શિવસેનાના વિદ્યાર્થી પાંખના વડા હતા, ત્યારે કાલાઘોડામાં મોરચો કાઢ્યો હતો અને બાળ ઠાકરેએ સાર્વજનિક લેન્ડલાઇન ફોન દ્વારા તેમનું ભાષણ સાંભળ્યું હતું. મનસેના વડાએ એ પણ યાદ કર્યું કે જ્યારે તેઓ બાળપણમાં દાઝી ગયા હતા, ત્યારે તેમના કાકાએ બે મહિના સુધી તેમના ઘા એન્ટિસેપ્ટિકથી સાફ કરી સારવાર કરી હતી.
જ્યારે મેં (અવિભાજિત શિવસેનાથી) અલગ થવાનું નક્કી કર્યું, ત્યારે એક વાત મને પરેશાન કરતી હતી કે હું પહેલાની જેમ મારા લોકોને વારંવાર મળી શકીશ નહીં. મેં મારા પિતા ગુમાવ્યા હતા અને હવે હું મારા કાકાથી દૂર જઈ રહ્યો હતો. આ વિચાર મને ખાઈ રહ્યો હતો. પાર્ટી છોડવા કરતાં પણ વધુ, ઘર (માતોશ્રી) છોડવું વધુ પીડાદાયક હતું, એમ રાજ ઠાકરેએ તેમના લેખમાં કહ્યું.
મારા કાકા, બાળાસાહેબ કેશવ ઠાકરેનો મારા બાળપણ અને યુવાવસ્થા પર ભારે પ્રભાવ હતો. તેઓ પહાડની જેમ મારી પાછળ ઊભા રહ્યા હતા. તેમણે એ પણ યાદ કર્યું કે એક વાર એક ટ્રકે તેમના વાહનને ટક્કર મારી હતી ત્યારે બાળ ઠાકરેએ તેમની ખબર કાઢવા ફોન કર્યો હતો. તેમના કાકાની આદતોને યાદ કરતા રાજે કહ્યું કે બાળ ઠાકરે પાકિસ્તાનનો વિરોધ કરતા હતા છતાં તેમણે ક્યારેય મહેદી હસન અને ગુલામ અલીની ગઝલો સાંભળવાનું બંધ કર્યું નહીં.
તેમણે એ પણ યાદ કરાવ્યું કે શિવસેના અભિનેતા-ફિલ્મ નિર્માતા રાજ કપૂરને સામ્યવાદી તરફી માનતી હતી અને અવિભાજિત શિવસેના અને શહેરના સામ્યવાદીઓ કટ્ટર હરીફ હતા. ત્યારે રાજ કપૂરે શિવસેના સુપ્રીમોને ૧૯૭૦ની ફિલ્મ 'મેરા નામ જોકર'માં કયા ભાગોને સંપાદિત કરવાની જરૂર છે તે સૂચવવા કહ્યું હતું.
રાજ ઠાકરેએ કહ્યું કે દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને તેમના ભાઈ અજિતાભ બચ્ચન, જયારે "બોફોર્સ" કૌભાંડ દરમિયાન ટીકાનો ભોગ બન્યા હતા, ત્યારે નકારાત્મક પ્રસિદ્ધિની સમસ્યાનો પણ ઉકેલ લાવવા બાળ ઠાકરેને મળ્યા હતા. શિવસેનાના સ્થાપકે બચ્ચનને તત્કાલીન વડા પ્રધાન વી પી સિંહને પત્ર લખવાનું સૂચન કર્યું હતું, અને તેમના પત્રથી નકારાત્મક પ્રસિદ્ધિ ઓછી થઈ ગઈ, એમ તેમણે દાવો કર્યો હતો.
રાજે ૨૦૦૫માં તેમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ પર દોષારોપણ કરીને અવિભાજિત શિવસેના છોડી તેના એક વર્ષ પછી મનસેની રચના કરી હતી.
(પીટીઆઈ)