Tue Jan 27 2026

Logo

White Logo

SIR: ગુજરાતમાં કેટલા કરોડ મતદારોના ડેટા મેચ ન થયાં? હવે શું થશે

3 days ago
Author: MayurKumar Patel
Video

અમદાવાદઃ ગુજરાતમાં એસઆઈઆર બાદ 19 જાન્યુઆરીએ બહાર પાડેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ 4.43 કરોડ મતદારોમાંથી 1.73 કરોડના ડેટા મેચ થયા નથી. જૂની યાદીમાં નામ, ઘર નંબર, ઉંમર ખોટી રીતે લખાયેલી હોવાથી ખામી આવી છે. તાર્કિક ખામીઓ અને મેપિંગ ન થયાના કારણે હવે રૂબરૂ હાજર રહેવું પડશે.

મળતી વિગત પ્રમાણે રાજ્યમાં આશરે 40 ટકા મતદારોના ડેટા મેચ થયા નથી. આ જોતા કુલ 1.73 કરોડથી વધારે મતદારો એવા છે જેમના નામ, ઉંમર, સરનામા સહિતની વિગતો અગાઉની 2002ની યાદી સાથે મેળ ખાતી નથી. જૂની મતદાર યાદીઓમાં મતદારોના ઘર નંબરને ભૂલથી ઉઉંમર તરીકે દર્શાવી હોવાથી ખામીઓ સામે આવી શકે છે. આવા કિસ્સાને લોજિકલ ડિસ્ક્રિપન્સી એટલે કે તાર્કિક ખામી અને નો મેપિંગ તરીકે ગણીને તમામને બીએલઓ દ્વારા નોટિસ પાઠવીને રૂબરુ હાજર રહેવા જણાવ્યું છે. 

અગાઉ ચૂંટણી પંચની સૂચના મુજબ જે મતદારોએ પોતાના બીએલઓ, ઈઆરઓ કે એઈઆરઓને પોતાના દસ્તાવેજો જમા કરાવ્યા હતા તેમનને નોટિસ આપવાની નહોતી તેમ છતાં ઘણા મતદારોની નામ, ઉંમરની માહિતી અને 2002ની યાદી તથા ડ્રાફ્ટ યાદી વચ્ચેના તફાવતના કારણે ખોટી રીતે દર્શાવવામાં આવી છે. જે મતદારોની ભૂલ ન હોવા છતાં વગર વાંકે દંડાઈ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે 6.54 લાખ નાગરિકો તરફથી ફોર્મ મળ્યા છે. નામ ડિલિટ કરવા માટે 12.60 લાખ જેટલા ફોર્મ મળ્યા છે. જે કોઈને પોતાના નામની વિગતો અંગે કોઈ વાંધો કે અન્ય દાવા હોય તો 30 જાન્યુઆરી સુધી દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકશે.