નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત પોતાની જગત જમાદાર બનવાના પેંતરા કરી રહ્યા છે. વળી તેને 'નોબલ પુરસ્કાર'નું ભૂત વકગયું છે. સતત તેઓ તાકાત, ટેરિફ દ્વારા નફો મેળવવા અને યુદ્ધ અટકાવીને નોબેલ પુરસ્કાર જીતવાના દાવા કરી રહ્યા છે, પરંતુ વૈશ્વિક રાજકીય જાણકારોનું માનવું કંઈક અલગ જ છે. જાણીતા રાજકીય વિશ્લેષક ઇયન બ્રેમરના મતે, ભલે અમેરિકા દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ હોય, પરંતુ વ્યક્તિગત નેતા તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ કરતા ચીનના શી જિનપિંગ અને ભારતના પીએમ નરેન્દ્ર મોદી વધુ મજબૂત સ્થિતિમાં છે.
જિનપિંગ અને મોદી કેમ છે ટ્રમ્પથી આગળ?
ઇયન બ્રેમરના જણાવ્યા અનુસાર, શી જિનપિંગની તાકાતનું મુખ્ય કારણ ત્યાંની વ્યવસ્થા છે. જિનપિંગે ટ્રમ્પની જેમ મિડટર્મ ઈલેક્શનનો સામનો કરવો પડતો નથી, કે ત્યાં કોઈ સ્વતંત્ર ન્યાયતંત્ર તેમને રોકી શકે તેમ નથી. વધુમાં, ટ્રમ્પ આગામી ત્રણ વર્ષમાં પદ પર નહીં હોય, જ્યારે જિનપિંગ લાંબા સમય સુધી સત્તામાં રહેવાના છે. બીજી તરફ, વડાપ્રધાન મોદી વિશે વાત કરતા તેમણે કહ્યું કે, મોદીનો લાંબો કાર્યકાળ અને તેમની નીતિઓમાં રહેલી સાતત્યતા તેમને યુરોપિયન નેતાઓ અને ટ્રમ્પ કરતા વધુ પ્રભાવી બનાવે છે. આ લાંબો કાર્યકાળ તેમને કોઈપણ દબાણનો સામનો કરવાની અને લાંબા ગાળાના પરિવર્તનો લાવવાની શક્તિ આપે છે.
ટ્રમ્પના 'પીસ બોર્ડ' થી સહયોગી દેશોની દૂરી
એક તરફ ટ્રમ્પ પોતાની તાકાત બતાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે તેમને આંચકો લાગ્યો છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ જાળવી રાખવા માટે ટ્રમ્પે ગુરુવારે પોતાના 'શાંતિ બોર્ડ' (Peace Board) ની જાહેરાત કરી હતી, પરંતુ અમેરિકાના અનેક ટોચના સાથી દેશોએ તેમાં જોડાવાનો ઇનકાર કરી દીધો છે. બ્રિટને આ યોજના પર હસ્તાક્ષર કરવાની ના પાડી દીધી છે, જ્યારે ફ્રાન્સ, નોર્વે અને સ્વીડને પણ આ બોર્ડથી અંતર જાળવ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રના અસ્તિત્વનો ખતરો
ફ્રાન્સ સહિતના અન્ય દેશોએ આ બોર્ડમાં ન જોડાવા પાછળનું મુખ્ય કારણ 'યુનાઈટેડ નેશન્સ' (UN) ની ગરિમા જાળવવાનું જણાવ્યું છે. ફ્રેન્ચ અધિકારીઓના મતે, ટ્રમ્પનું આ શાંતિ બોર્ડ સંયુક્ત રાષ્ટ્રની જગ્યા લેવાનો પ્રયાસ કરી રહ્યું હોય તેમ લાગે છે, જે ચિંતાનો વિષય છે. રશિયા હજુ પણ આ બાબતે વિચારણા કરી રહ્યું છે. આમ, વૈશ્વિક મંચ પર ટ્રમ્પની યોજનાઓને તેમના જ સાથી દેશોનો વિરોધ નડી રહ્યો છે, જે મોદી અને જિનપિંગની સ્થિર રાજકીય સ્થિતિ સામે ટ્રમ્પની નબળાઈ દર્શાવે છે.