કરાચીઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં હાલમાં ફુલ મેમ્બર રાષ્ટ્રોમાં એક તરફ 14 દેશ છે અને બીજી બાજુ બાંગ્લાદેશ-પાકિસ્તાન છે અને આ સ્થિતિ ગુરુવારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના અભૂતપૂર્વ નિર્ણયને પગલે વધુ ઉગ્ર બની ગઈ હતી જેમાં બીસીબીના નિર્ણયને પાકિસ્તાનનો ટેકો મળ્યો છે. બીસીબીએ બાંગ્લાદેશ સરકાર સાથેની વાટાઘાટ પછી જાહેર કર્યું હતું કે ફેબ્રુઆરીમાં બાંગ્લાદેશના ક્રિકેટરોને ટી-20 વર્લ્ડ કપ (WORLD CUP) માટે ભારત નહીં જ મોકલવામાં આવે અને આઇસીસીએ બાંગ્લાદેશની મૅચો શ્રીલંકામાં રાખવાની શરત માન્ય રાખવી જ પડશે.
કેટલાક અહેવાલ જણાવે છે કે આઇસીસી જો બાંગ્લાદેશની શરત માન્ય નહીં રાખે તો બાંગ્લાદેશની સાથે પાકિસ્તાન પણ ટી-20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરશે. જોકે એ માટે પાકિસ્તાને સત્તાવાર રીતે ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેવું પડે.
આઇસીસીએ બુધવારે બાંગ્લાદેશના બોર્ડને કડક ભાષામાં કહી દીધું હતું કે તેમણે તેમના ખેલાડીઓને ભારત મોકલવા જ પડશે. કહેવાય છે કે બાંગ્લાદેશ હઠ પકડીને બેઠું રહેશે તો આઇસીસી વર્લ્ડ કપમાં તેના સ્થાને સ્કૉટલૅન્ડને રમવા બોલાવશે.
હવે જો પાકિસ્તાન પણ વિશ્વ કપનો બહિષ્કાર કરશે તો સ્કૉટલૅન્ડની જેમ અગાઉ ક્વૉલિફાય ન થઈ શકનાર દેશને વર્લ્ડ કપમાં એન્ટ્રી અપાશે. જોકે પાકિસ્તાનનો કોઈ ભરોસો નહીં. એ જો વર્લ્ડ કપનો બહિષ્કાર કરશે તો પાકિસ્તાનમાં જ ક્રિકેટપ્રેમીઓ વિફરી શકે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની મૅચો ભારતમાં નહીં, પણ શ્રીલંકામાં રમાવાની છે. હવે બાંગ્લાદેશ પણ જીદ કરી રહ્યું છે કે પાકિસ્તાનની માફક એને પણ હાઇબ્રીડ મૉડેલ મુજબ ભારત સિવાયના દેશમાં (શ્રીલંકામાં) રમવાનો નિર્ણય લેવાય.