ટીના દોશી
`યોર ઓનર...' અદાલતના કઠેડામાં ઊભેલી અનુરાધાએ ન્યાયમૂર્તિ ત્રિકમલાલ ત્રિવેદી સામે જોઈને આક્રોશથી કહ્યું: `જજસાહેબ, આ સામે ઊભેલા માણસનું નામ ભલે અનિદ્ધ દેસાઈ હોય, પણ એ મારો અનિદ્ધ નથી. એ મારો અનિદ્ધ હોઈ જ ન શકે.'
`તો શું તમે એમ કહેવા માંગો છો કે...' અનિદ્ધના વકીલ મુંજાલ મજુમદારે નવાઈ પામ્યો હોય એમ આંખો અનુરાધાના ચહેરા પર સ્થિર કરીને પૂછ્યું: `સામેના કઠેડામાં ઊભેલા મારા અસીલ અનિદ્ધ દેસાઈ તમારા પતિ નથી? શું હું સાચું સમજ્યો છું?'
`હા,હા..હા.. હું કેટલી વાર કહું કે આ મારો અનિદ્ધ નથી!' અનુરાધા એક ક્ષણ થંભી. પછી કંઈક રોષભેર બોલી: `વકીલસાહેબ. આ માણસ કોઈક ધૂર્ત છે. હું વારંવાર કહી ચૂકી છું કે મારા પતિ અનિદ્ધ દેસાઈ ત્રણ મહિના પહેલાં મૃત્યુ પામ્યા છે! હવે તમે જ કહો કે જેનું મૃત્યુ થયું હોય એ માણસ ક્યાંથી પાછો આવે? વળી, સામે ઊભેલો માણસ મારા અનિદ્ધ જેવો દેખાતો પણ નથી! મારો અનિદ્ધ તો કોઈ કલૈયાકુંવર જેવો લાગતો હતો અને આ માણસ... ક્યાં રાજહંસ જેવો મારો અનિદ્ધ અને ક્યાં આ કાગડા જેવો કપટી લુચ્ચો...'
`શું વાત કરો છો શ્રીમતી અનુરાધા અનિદ્ધ દેસાઈ...' મુંજાલ મજુમદાર ઠેકડી ઉડાડતો હોય એમ બોલ્યો: `તમે એવું કહી રહ્યા છો કે મારા અસીલ અનિદ્ધનો ચહેરોમહોરો તમારા પતિ અનિદ્ધથી સાવ જુદો છે! આર યુ શ્યોર?'
`હા...હું એમ જ કહી રહી છું.' અનુરાધાની આંખમાંથી અંગારા વરસ્યા: `હું એક નહીં, પણ એક હજાર વાર એમ જ કહીશ કે આ મારો અનિદ્ધ નથી, નથી ને નથી. શું એક પત્ની પોતાના પતિને ઓળખવામાં કોઈ દિવસ ભૂલ કરતી હશે?'
`યોર ઓનર...' અનુરાધાના વકીલ આનંદ અંજારિયાએ આ તબક્કે ટાપશી પૂરી: `મારી અસીલ અગાઉ અનેક વાર કહી ચૂકી છે કે સામે ઊભેલો માણસ એનો પતિ નથી. એનું અવસાન થઇ ચૂક્યું છે. આ તો કોઈ મહાઠગ છે. એ પોતાને અનિદ્ધ તરીકે શા માટે ઓળખાવે છે એ સમજાતું નથી.'
`બસ કરો વકીલસાહેબ...' જેના પર બનાવટી હોવાનો આરોપ મુકાયો હતો તે અનિદ્ધ બોલી ઊઠ્યો: `ક્યારનું આ શું માંડ્યું છે? હું જ અનિદ્ધ દેસાઈ છું. અનુરાધાનો પતિ અનિદ્ધ. જો હું અનિદ્ધ ન હોઉં તો અનુરાધાના પતિ હોવાનો ખોટો દાવો શું કામ કરૂં?'
`એ તું જાણે.' અનુરાધા સાટકો વીંઝતી હોય એમ બોલી.
`અનુ, મારી પ્યારી અનુરાધા...તું આવું કેમ કરે છે? તું તો મને કેટલો પ્રેમ કરતી હતી. અને હવે મારાથી એવી તે શું ભૂલ થઇ ગઈ કે તું મને ઓળખવાનો પણ ઇનકાર કરે છે? તું કહેતી હોય તો જજસાહેબની સામે તારા પગમાં પડીને તારી માફી માગું. તું મને માફ કરી દે.' અનિદ્ધની આંખમાં આંસુનાં તોરણ બંધાયાં. પાંપણો ભીંજાઈ ગઈ. આ જોઇને અદાલતમાં બેઠેલાઓના એક વર્ગમાં ગણગણાટ થવા લાગ્યો: `આ બાપડો સાચું બોલતો લાગે છે. નહીંતર જાહેરમાં આવું કહેવાની હિંમત ન કરે.' બીજો વર્ગ અંદરોદર ચર્ચા કરવા લાગ્યો કે `અનિદ્ધ અભિનય કરતો હોય એવું અને અનુરાધા જ સાચું બોલતી હોવાનું લાગે છે.'
`ઓર્ડર...ઓર્ડર...' ન્યાયાધીશ ત્રિકમલાલ ત્રિવેદીએ મેજ પર હાથો ઠોકયો. એ સાથે અદાલતમાં શાંતિ છવાઈ ગઈ. જજ ત્રિવેદીસાહેબે મુંજાલ મજુમદારને પૂછ્યું: `શું તમારી પાસે એવું સાબિત કરવા કોઈ પુરાવો છે કે તમારા અસીલ અનિદ્ધ જ અનુરાધાના પતિ છે?' એ જ રીતે આનંદ અંજારિયાને પૂછ્યું: `અનિદ્ધ અનુરાધાનો પતિ નથી એવું સાબિત કરવા તમારી પાસે કોઈ પુરાવો છે?'
`હા, માય લોર્ડ.. આ માણસ અનિદ્ધ નથી એવું સાબિત કરતો સજ્જડ પુરાવો છે અમારી પાસે.' આનંદે હોંશેહોંશે કહ્યું અને અનુરાધાના મોબાઈલમાં રહેલો એક ફોટો દેખાડ્યો: `યોર ઓનર, આ તસ્વીર જુઓ. આ છે અસલી અનિદ્ધ. અનુરાધાનો પતિ.' જજ ત્રિવેદીસાહેબે જોયું કે એ ફોટો એક રૂપકડા યુવાનનો હતો. આનંદે મુંજાલ ભણી જોઇને કહ્યું: `હવે તો તમને ખાતરી થઇ ગઈને કે તમારો અસીલ ખોટું બોલે છે અને એ નકલી અનિદ્ધ છે?'
મુંજાલ ખડખડાટ હસી પડ્યો ને બોલ્યો: `માય લોર્ડ, એક તસ્વીર માત્રથી કંઇ સાબિત નથી થતું. તસ્વીર તો કોઈની પણ હોઈ શકે. કોઈ સ્ત્રીના મોબાઈલમાં મારો ફોટો હોય તો હું એનો પતિ છું એવું હરગીઝ પુરવાર થતું નથી. હું એમ કહું છું કે આ પુરાવો તદ્દન પાંગળો છે. મજબૂત પુરાવો અને જેનો કોઈ ઇનકાર ન કરી શકે એવી સાબિતી હવે હું રજૂ કરૂં છું.' એમ કહીને મુંજાલે એક ફોટોગ્રાફ જજસાહેબ સમક્ષ ધર્યો. ફોટામાં અનિદ્ધ અને અનુરાધા એકમેકને વરમાળા પહેરાવતાં હતાં! બન્નેનાં લગ્નની એ તસ્વીર હતી!
`ના,ના... આ ફોટો સાચો નથી, બનાવટી છે.' અનુરાધા ચીસ પાડી ઊઠી.: `યોર ઓનર, આ માણસ જરૂર ઊંડા પાણીમાં રમે છે. એણે મારી વિદ્ધ ષડ્યંત્ર કર્યું છે. તમે એને પૂછો કે એ આવી ક્રૂર રમત શા માટે રમી રહ્યો છે મારી સાથે? એ નકલી અનિદ્ધ, બોલ, તું આવું ખોટું કેમ કરી રહ્યો છે? આખરે તું શું ઈચ્છે છે?'
`હું તો તને જ ઈચ્છું છું, મારી વ્હાલી...' અનિદ્ધ આર્દ્ર સ્વરે બોલ્યો: `અનુરાધા, હું શા માટે તારી વિદ્ધ કોઈ કાવતં કરૂં? હું તને કેટલો ચાહું છું એ તું ક્યાં નથી જાણતી? અને, ભગવાનને ખાતર. મહેરબાની કરીને ખોટું ન બોલ. આ તો આપણા લગ્નની તસ્વીર છે. તું એને તો ન નકાર. આટલો ગુસ્સો કઈ બાબતનો છે એ તો કહે?'
`શ્રીમતી અનુરાધા દેસાઈ... મને તો આ તસ્વીરમાં કોઈ બનાવટ લગતી નથી. પણ તમે કહો છો કે આ ફોટો બનાવટી છે. તો હવે તમારે સાબિત કરવાનું છે કે આ ફોટો અને અનિદ્ધ બન્ને નકલી છે!' મુંજાલ મજુમદારના અવાજમાં ત્રિકમ અને પાવડા બન્નેની ધાર હતી. અનુરાધા સામે જોઇને એ કડકાઈથી બોલ્યા: `તમે ક્યારનો એકનો એક કક્કો ઘૂંટ્યા કરો છો કે આ માણસ અનિદ્ધ નથી, પણ તમારી પાસે તમારી વાત પુરવાર કરવા કોઈ પુરાવા નથી. તમે કહો છો કે આ લગ્નનો ફોટો તમારો નથી. પણ કોઈક તો હશે ને જેમણે તમારા લગ્નમાં હાજરી આપી હશે? કુટુંબીઓ, સગાંસંબંધીઓ, મિત્રો, સખીઓ... બોલાવો એમને અને સાબિત કરો કે તમે સાચું બોલો છો!'
અનુરાધા ઓશિયાળી બની ગઈ. આંખમાં અશ્રુધારા. આનંદ અંજારિયાએ એને સાંત્વન આપીને કહ્યું: `જજસાહેબ, અનુરાધા અને અનિદ્ધનાં પ્રેમવિવાહ હતાં. પાંચ વર્ષ પહેલાં એમણે વિવાહબંધનમાં જોડાવાનું નક્કી કર્યું ત્યારે પ્રેમલગ્નની વાત સાંભળીને જ અનુરાધાનાં માતાપિતાએ અનિદ્ધને મળવા સુધ્ધાંની ના પડી દીધેલી. અનિદ્ધના માબાપ પણ અનુરાધાનું મોઢું જોવાં તૈયાર નહોતાં. એથી બન્નેએ ઘેરથી ભાગીને પરિવારજનોની ઈચ્છા વિદ્ધ લગ્ન કર્યાં. કોર્ટમેરેજ કરી લીધેલાં. એમાં અનુરાધાની સખી સીમા અને અનિદ્ધનો મિત્ર અવિનાશ હાજર રહ્યાં હતાં. બેય અત્યારે અદાલતમાં હાજર જ છે. એ લોકો જરૂર અનુરાધાની સચ્ચાઈની ગવાહી આપશે.'
પહેલાં સીમાને સાક્ષીના પિજરામાં ઊભી રાખવામાં આવી. સીમાએ વારાફરતી અનુરાધા અને અનિદ્ધ સામે જોયું. અનુરાધા આશાભરી આંખે એની સામે જોઈ રહી. પણ જે સીમાને એ વર્ષોથી જાણતી હતી એ આજે કળાતી નહોતી. એ મારી તરફેણમાં જુબાની આપશે તો ખરીને એવું વિચારીને અનુરાધાને ધ્રાસકો પડ્યો. દરમિયાન સીમાએ કેફિયત આપવાનું શરૂ કર્યું: `યોર ઓનર, અનુરાધા મારી સખી છે.
હું એને વર્ષોથી જાણું છું. અનિદ્ધ સાથે મારો પરિચય અનુરાધાએ જ કરાવેલો. બન્નેનાં લગ્નમાં પણ હું હાજર હતી...' આટલું સાંભળીને અનુરાધાના મનમાં રાહત થઇ. હાશ! સીમા મારા પક્ષમાં બોલશે એવો મારો વિશ્વાસ સાચો પડ્યો. એણે અનિદ્ધ સામે વિજયમુદ્રાથી જોયું. જાણે આંખથી કહેતી હોય: `બદમાશ, લફંગા...હવે તારી પોલ ખૂલી જશે. ખોટ્ટેખોટ્ટો મારો અનિદ્ધ બની બેઠો છે તે!'
પણ આ હું શું સાંભળું છું... સીમા આ શું કહી રહી છે? અનુરાધાને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. સીમા ગવાહી આપી રહી હતી: `યોર ઓનર, હું તદ્દન સાચું અને ખાતરીપૂર્વક કહું છું કે અનુરાધાનાં લગ્ન જેની સાથે થયાં હતાં એ જ આ અનિદ્ધ છે! ખબર નથી પડતી કે અનુરાધા એને પોતાનો પતિ માનવા ઇનકાર શું કામ કરે છે? અનુરાધા બરાડો પાડી બેઠી: `જુઠ્ઠી, દગાબાજ.. તને ખબર છે ને કે આ મારો અનિદ્ધ નથી, તોય ખોટું બોલે છે.
આ માણસે તને ખોટું બોલવાના પૈસા આપ્યા છે ને? બોલ, સાચું બોલ!... અવિનાશ, તું તો અનિદ્ધનો મિત્ર છે ને. તું તો સાચું બોલીશને? તને ખબર છે ને આ માણસ અનિદ્ધ નથી? સાચું બોલજે પ્લીઝ...' પણ અનુરાધાની કાકલૂદીઓની કોઈ અસર અવિનાશ પર ન થઇ. જુબાનીમાં એણે કહ્યું કે, `જજસાહેબ, જો હું એમ કહું કે આ માણસ અનિદ્ધ નથી તો એ ખોટું હશે. હકીકત તો એ છે કે આ જ અનિદ્ધ છે. હું મારા મિત્રને ન ઓળખું? અનુરાધાને અનિદ્ધ સાથે શું બગડ્યું છે એ મને ખબર નથી, પણ એના કહેવાથી હું ખોટું તો ન જ બોલુંને?'
જુબાની પૂરી થતાંની સાથે જ અનિદ્ધ બોલી ઊઠ્યો: `હવે બસ કર,અનુરાધા. મારી ઈજ્જતની ધૂળધાણી ક્યાં સુધી કરીશ? મને ભરઅદાલતમાં હજુ કેટલો બેઆબરૂ કરીશ? આપણા લગ્નના સાક્ષી એવાં અવિનાશ અને સીમા બેય શું કામ ખોટું બોલે? અવિનાશ મારો મિત્ર છે.મારા કહેવાથી એ ખોટું કદાચ બોલે, પણ સીમા તો તારી સખી છે. એ તો ખોટું ન જ બોલેને? હવે તો માની જા કે હું જ અનિદ્ધ છું!'
અનુરાધાનું તો મગજ જ ચકરાઈ ગયું. અદાલતમાં પણ કોણ સાચું ને કોણ ખોટું? એનો ધીમો ગણગણાટ થવા લાગ્યો. દરમિયાન મુંજાલ મજુમદાર આનંદ અંજારિયાને પડકાર આપી રહ્યો: `શ્રીમાન આનંદ, બધા પુરાવા એક જ બાબત પ્રત્યે ઈશારો કરી રહ્યા છે કે મારો અસીલ સાચું જ બોલે છે. એ જ અસલી અનિદ્ધ છે! હજુ તમારો કોઈ સાક્ષી હોય તો એને હાજર કરો.' જજસાહેબે પણ સમર્થન કર્યું, એટલે આનંદે અનુરાધા અને અનિદ્ધના પાડોશી સુધાબહેન અને મહેન્દ્રભાઈ, અનિદ્ધની ઓફિસમાં કામ કરતાં શિશિર તથા શ્યામને જુબાની આપવા બોલાવ્યાં. પણ એ લોકોએ પણ એ જ કહ્યું જે સીમા અને અવિનાશે કહ્યું હતું.
આ તો લોઢા પર લીટી થઇ ગઈ.. મુંજાલ મજમુદારે કહ્યું. અને અનુરાધા સામે જોઇને કહ્યું: `હવે તો કબૂલ કરો કે આ માણસ જ તમારો પતિ અનિદ્ધ છે!'
`પણ આ અનિદ્ધ નથી...' અનુરાધાએ ડૂસકું ભર્યું.: `હું કહી કહીને થાકી કે મારો અનિદ્ધ ત્રણ મહિના પહેલાં મૃત્યુ પામ્યો છે. ઊંચી પહાડી પરથી ખાઈમાં પડવાને કારણે એનું મૃત્યુ થઇ ગયું હતું!'
`હું તો આ જીવતો જાગતો ઊભો તારી સામે...' અનિદ્ધ બોલ્યો: `મારો તો કોઈ અકસ્માત થયો નથી.'
જજ ત્રિકમલાલ ત્રિવેદીએ કહ્યું: `તમામ પુરાવા અને સાક્ષીઓના બયાનના આધારે હું પણ દ્રઢપણે એમ માનવા પ્રેરાયો છું કે આ જ અનિદ્ધ છે!'
`ના, આ અનિદ્ધ નથી..' અનુરાધાનું આક્રંદ.
`હું જ અનિદ્ધ છું!' અનિદ્ધનો આત્મવિશ્વાસ.
`આ જ અનિદ્ધ છે!' મુંજાલ મજમુદાર.
`હું કહું છું કે એ અનિદ્ધ હોઈ જ ન શકે.' અનુરાધા બોલી ઊઠી: `હું કહી ચૂકી છું કે એ ખીણમાં પડીને મરી ગયો છે!'
`અને હું કહું છું કે હું ખીણમાં પડ્યો જ નથી અનિદ્ધ.'
`પડ્યો જ છે!'
`નથી પડ્યો. હું આ ઊભો. અનિદ્ધ દેસાઈ.'
`તું અનિદ્ધ હોય જ નહીં! હોઈ શકે જ નહીં!.'
`કેમ ન હોઉં? તારી સામે જ તો ઊભો છું!'
`તું અનિદ્ધ ન જ હોઇ શકે. એ શક્ય જ નથી. કારણ કે.. કારણ કે મેં જ અનિદ્ધનું ખૂન કર્યું છે! મેં જ એને પહાડી પરથી ખાઈમાં ધકેલી દીધો હતો!' અનુરાધાએ હોઠ પીસ્યા. અદાલતમાં ઉપસ્થિત સહુ વિસ્ફારિત નેત્રે એને જોઈ રહ્યા. એ નજરનો તાપ ન જીરવાતાં અનુરાધા નીચી નજરે કહેવા લાગી : `હું અનિદ્ધનું ખૂન ન કરૂં તો બીજું શું કરૂં? મેં એના માટે મારૂં ઘરબાર, માતાપિતા અને પરિવારને છોડ્યા, જે રીતે એણે મને રાખી, હું રહી. ક્યારેક એક ટાંક ખાધું તો ક્યારેક ભૂખી પણ રહી. આછીપાતળી નોકરી કરીને પૈસા પણ કમાઈ આપ્યા.
આખરે સુખનો સૂરજ ઊગ્યો. મને એમ કે હવે જિંદગી સારી રીતે પસાર થશે, પણ એને મારી કદર નહોતી. એ તો અંકિતા પાછળ ઘેલો થઇ ગયો. એના માટે મને છોડી દેવા તૈયાર થઇ ગયો. મેં એને બહુ સમજાવ્યો, પણ એ ન સમજ્યો. ઊલટું એ મને સમજાવતો. એટલે મેં એને એની મનમાની કરવા દેવાનો દેખાવ કર્યો અને હિલસ્ટેશને લઇ ગઈ. અને લાગ જોઇને એને પહાડી પરથી ખાઈમાં ધકેલી દીધો...હું એમ ન કરૂં તો બીજું શું કરૂં, તમે જ કહો?'
અદાલતમાં સ્તબ્ધતા. ટાંકણી પડે તોય સંભળાય એવી શાંતિ. આનંદ અંજારિયા તો બોલે કે ચાલે! એકાદબે ક્ષણ પછી આ શાંતિનો ભંગ કરતાં મુંજાલ મજમુદારે કહ્યું: `થેન્ક યુ, શ્રીમતી અનુરાધા દેસાઈ...અંકિતાએ અનિદ્ધના ગુમ થયાની ફરિયાદ નોંધાવી ત્યારે અમને તમારા પર પહેલેથી જ શંકા હતી, પણ અમારી પાસે અનિદ્ધની હત્યાના કોઈ પુરાવા નહોતા.
એટલે તમે જ તમારે મોઢેથી ખૂન કર્યાની કબૂલાત કરો એ માટે અમે સીમા, અવિનાશ, સુધાબહેન અને મહેન્દ્રભાઈના સહકારથી જાળ પાથરી અને અમારી ધારણા મુજબ જ તમે એમાં ફસાઈ ગયાં! આમ કહીને મુંજાલે નકલી અનિદ્ધ ભણી જોઇને પ્રશંશા કરતાં કહ્યું: `વેલ ડન, ઇન્સ્પેક્ટર કરણ બક્ષી! અસરકારક અને ઉમદા અભિનય. ગુડ જોબ!'
ઇન્સ્પેક્ટર કરણ બક્ષી? અનુરાધાને ચક્કર આવી ગયાં. એ ફસડાઈ પડી. એને દુનિયા ગોળ ગોળ ઘૂમતી દેખાઈ. અને, જજ ત્રિકમલાલ ત્રિવેદીએ ચુકાદો લખવાનું શરૂ કર્યું...!
આવતા અઠવાડિયે નવી કથા