હિન્દુ ધર્મમાં દાનને સૌથી મોટું પુણ્ય ગણવામાં આવ્યું છે. માન્યતા છે કે નિઃસ્વાર્થ ભાવે દાન કરનાર વ્યક્તિના ભંડાર હંમેશા ભરેલા રહે છે. જોકે, વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર મુજબ, દાન ગમે ત્યારે કે ગમે તેને કરી શકાતું નથી. દાનના પણ અમુક ચોક્કસ નિયમો અને સમય હોય છે. જો ખોટા સમયે દાન કરવામાં આવે તો તે પુણ્યને બદલે પરિવારમાં આર્થિક મુસીબતો નોતરી શકે છે. ખાસ કરીને સાંજના સમયે અમુક વસ્તુઓનું દાન વર્જિત માનવામાં આવ્યું છે.
સૂર્યાસ્ત પછી મીઠું કે હળદર આપવાની ભૂલ ન કરો

દરેક રસોડામાં અનિવાર્ય એવા મીઠાને વાસ્તુમાં ખૂબ મહત્વનું માનવામાં આવ્યું છે. વાસ્તુ નિષ્ણાતોના મતે, સૂર્યાસ્ત થયા પછી ક્યારેય કોઈને મીઠું ઉધાર ન આપવું જોઈએ કે તેનું દાન ન કરવું જોઈએ. માનવામાં આવે છે કે સંધ્યાકાળમાં મીઠાનું લેન-દેન કરવાથી પરિવારના સભ્યોની પ્રગતિ અટકી જાય છે અને ઘરમાં નકારાત્મકતા વધે છે. તેવી જ રીતે સાંજના સમયે હળદરનું દાન કરવું પણ અશુભ માનવામાં આવે છે.
દૂધ-દહીના દાનથી શુક્ર ગ્રહ થઈ શકે છે નબળો

જ્યોતિષશાસ્ત્રમાં દૂધ અને દહીંનો સંબંધ શુક્ર ગ્રહ સાથે જોડવામાં આવ્યો છે, જે સુખ, સંપત્તિ અને વૈભવનો કારક છે. વાસ્તુ મુજબ સાંજના સમયે સફેદ વસ્તુઓ જેવી કે દૂધ, દહીં અથવા તેમાંથી બનેલી વાનગીઓનું દાન કરવાથી કુંડળીમાં શુક્ર નબળો પડે છે. તેના કારણે વ્યક્તિની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે અને ઘરની સુખ-શાંતિમાં પણ ખલેલ પહોંચવાની શક્યતા રહેલી છે.
સાંજે ધનનું લેન-દેન લક્ષ્મીજીને કરી શકે છે નારાજ

વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ છે કે સૂર્યાસ્ત પછી ધનનું દાન કે કોઈને ઉધાર પૈસા આપવા જોઈએ નહીં. એવી લોકવાયકા છે કે સંધ્યાકાળે લક્ષ્મીજીનું ઘરમાં આગમન થતું હોય છે, અને આ સમયે જો ધન ઘરની બહાર જાય તો લક્ષ્મીજી નારાજ થાય છે. આ ભૂલ આર્થિક તંગી અને દેવા જેવી સમસ્યાઓ સર્જી શકે છે. માટે આર્થિક ઉન્નતિ જાળવી રાખવા માટે સાંજ પછી નાણાકીય વ્યવહાર ટાળવા જોઈએ.