મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ અને ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાનું નામ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાં પલાશ મુચ્છલે ચીટિંગના આક્ષેપો વચ્ચે મહત્ત્વનું પગલું લીધું છે. પલાશના આ પગલાંને કારણે સોશિયલ મીડિયા પર જાત જાતની ચર્ચાઓ થઈ રહી છે અને અફવાઓનું બજાર એકદમ ગરમાગરમ થઈ ગયું છે. ચાલો જોઈએ શું છે આખો મામલો...
મનોરંજન જગત અને ક્રિકેટ દુનિયાની સૌથી પ્રિય જોડીઓમાંથી એક ગણાતી પલાશ મુચ્છલ અને સ્મૃતિ મંધાનાની જોડી અત્યારે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. લગ્નના આગલા દિવસે જ પલાશ મુચ્છલ અને ઈન્ડિયન વુમેન્સ ક્રિકેટ ટીમની સ્ટાર પ્લેયર સ્મૃતિ મંધાનાના લગ્ન મોકૂફ રખાતા લોકો જાત જાતની વાતો કરી રહ્યા છે. હાલમાં જ પલાશ મુચ્છલ પર સ્મૃતિ મંધાનાના મિત્રએ ચીટિંગનો આક્ષેપ કર્યો હતો અને હવે પલાશ મુચ્છલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરેલો ફેરફારે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
તાજેતરમાં જ સોશિયલ મીડિયા યુઝર્સના ધ્યાનમાં આવ્યું હતું કે સ્મૃતિ સાથે અવારનવાર ફોટો નાખનાર પલાશ મુચ્છલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી સ્મૃતિ મંધાના સાથેના રોમેન્ટિક ફોટોઝ, બર્થડે વિશની પોસ્ટ્સ અને વેકેશનના ફોટા ડિલીટ કરી દીધા છે. હવે પલાશના એકાઉન્ટ પરથી અચાનક ફોટો ગાયબ થવાને કારણે ફેન્સ એવું અનુમાન લગાવી રહ્યા છે કે આ જોડીના બ્રેકઅપના સમાચાર સાચા છે.
પલાશે આ પગલું ત્યારે ભર્યું છે કે જ્યારે સાંગલીના વિજ્ઞાન માનેએ પલાશ પર ૪૦ લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. માનેએ એવો પણ દાવો કર્યો છે કે ૨૩ નવેમ્બર ૨૦૨૫ના રોજ પલાશ અન્ય કોઈ મહિલા સાથે રંગેહાથ પકડાયો હતો. આ આક્ષેપો બાદ સ્મૃતિ મંધાનાના પરિવારે પણ આ બાબતે મૌન સેવવાનું પસંદ કર્યું છે. એવું માનવામાં આવે છે કે આ પર્સનલ કોન્ટ્રોવર્સી અને લીગલ પ્રોબ્લેમ્સને કારણે જ પલાશે પોતાની પ્રોફાઈલને 'ક્લીન' કરવાનો નિર્ણય લીધો હોઈ શકે છે.
વાત કરીએ સ્મૃતિ મંધાનાના વર્ક ફ્રન્ટની તો હાલમાં તે પોતાના ક્રિકેટ કરિયર અને આગામી મેચોમાં વ્યસ્ત છે. તેણે હજુ સુધી પલાશ કે આ વિવાદ પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જોકે, પલાશ મુચ્છલે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. આ તમામ લોચા-લાપસીને કારણે ફેન્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે; કેટલાક સ્મૃતિને આ વિવાદથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે, તો કેટલાક પલાશના સમર્થનમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અનેક વખત સેલિબ્રિટીઝ લીગલ ઈન્વેસ્ટિગેશન કે મોટી કોન્ટ્રોવર્સી દરમિયાન પોતાની પર્સનલ લાઈફને સુરક્ષિત રાખવા માટે ફોટોઝ આર્કાઈવ કે પછી ડિલીટ કરી દેતા હોય છે. શક્ય છે કે પલાશે વિવાદોની સ્મૃતિ પર કોઈ નકારાત્મક અસર ન પડે તે માટે આ પગલું ભર્યું હોય...