ભાવનગરઃ બગદાણાના સેવક નવનીત બાલધીયા પર હુમલા કેસમાં માયાભાઈ આહીરના દીકરા જયરાજની ધરપકડ બાદ જેલમાં મોકલવામાં આવ્યો હતો. જયરાજ આહીરને ભાવનગર જિલ્લા જેલની જનરલ બેરેક રાખવામાં આવ્યો છે અને હજુ સુધી તેને બેરેક ફાળવવામાં આવી નથી. તેને જેલનું ભોજન ફાવ્યું નહોતું. ઘરેથી ભોજન, પથારી મોકલવા અરજી કરવામાં આવી હતી. જયરાજ આહીરના પરિવારજનો દ્વારા તેના માટે ગોદડા-પથારી અને ટિફિનની સુવિધા માટે અરજી કરવામાં આવી હતી. જેલમાં મળતું ખીચડી, શાક, રોટલીનું ભોજન કર્યું હતું.
જયરાજને જેલભેગો તો કરાયો પણ રીમાન્ડ ન માંગવામાં આવ્યા
જયરાજ આહીરને 25 જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યે ભાવનગર જેલમાં મોકલાયો હતો. જયરાજ આહીરને જેલભેગો તો કરાયો પણ રીમાન્ડ ન માંગવામાં આવતાં SIT શંકાના દાયરામાં આવી છે. સૂત્રોએ કહ્યું કે, નવનીત બાલધિયાના કેસમાં SITએ જયરાજની ધરપકડ કરી મહુવા કોર્ટમાં રજૂ કર્યા ત્યારે રિમાન્ડની માંગણી કરવામાં આવી નથી, પરંતુ આ કેસ ગંભીર પ્રકારનો હોવાથી અને જયરાજની ધરપકડ કરાઈ હોવાથી પોલીસ કસ્ટડીમાં પૂરતા પૂરાવા મળ્યા હોય તો રિમાન્ડની માંગણી ન કરાઈ હોવાથી વાત સાચી છે. પણ SITની ટીમને કોઈ રાજકીય પ્રેશર થકી આ કેસમાં રિમાન્ડની માંગણી ન કરી હોય તેવું પણ બની શકે છે.
જયરાજની ધરપકડ બાદ ભાવનગરના રેન્જ આઈ જી ગૌતમ પરમારે માહિતી આપી હતી કે, તેમને હજુ પણ કેટલીક તપાસ બાકી છે. જેથી રીમાન્ડ માંગવામાં આવ્યા નહોતા. આ પછી લોકોમાં જયરાજ વિરૂદ્ધ શું સીટને પુરતા પુરાવા મળી ગયા છે તેવી ચર્ચા શરૂ થઈ છે.
શું છે સમગ્ર મામલો
બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસે 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી.
જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતાં તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મુંબઈ સમાચારે માયાભાઈ આહીરના પુત્રના વિવાદ અંગે તાજેતરમાં જ નવનીત બાલધીયા સાથે ટોક શો કર્યો હતો.